Homeગુર્જર નગરીમુખ્યમંત્રીનું ગણિત : ગુજરાતમાં ઔવેસી આવે તો કોંગ્રેસને ગેરફાયદો થાય

મુખ્યમંત્રીનું ગણિત : ગુજરાતમાં ઔવેસી આવે તો કોંગ્રેસને ગેરફાયદો થાય

ગોવાબાપા : હવે ચાબુક મને આ વાતનું એંધાણ પહેલાથી જ આવી ગયું હતું. આ તો હું ખુલીને કહી નહોતો શકતો, પણ હવે જે બાજુ હોડી હલેસા મારતી જઈ રહી છે એ જોતા લાગે છે કે 12મી જાન્યુઆરીએ એ જ થશે જે હું વિચારતો હતો.

‘સરખી રીતે કહો એટલે ખબર પડે.’

હું નાનો હતો ત્યારે ધનપદ અને શ્રીપદની હારે ક્રિકેટ રમતો હતો. થાય એવું કે દડો જોરથી મારું અને માથા ફરેલ ભીખી ડોશીને ન્યાં દડો જાય એટલે લેવા શ્રીપદે જ જવાનું. બીજા કોઈએ નહીં.

‘કેમ ?’

ભીખીડોશી શ્રીપદના દાદી થાય. અને હવે આવું જ થવા જઈ રહ્યું છે પશ્ચિમ બંગાળમાં. ભાજપે સિક્સ મારી છે અને દડો લેવા સૌરવ ગાંગુલી જાય છે. મૂળ વાત એવી છે ચાબુક કે 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ આવે છે. એ વખતે જ તેઓ વિધિવત ભાજપમાં જોડાય તેવી વાતો થવા લાગી છે. એટલે કે ભાજપને સૌરવ ગાંગુલીને ચહેરો બનાવવો છે અને ચૂંટણી જીતવી છે. અને જો ભાજપ આમ કરે છે તો મમતાબેનને કાઠુ તો પડી જ જવાનું છે. ભાજપ ગમે એમ કરીને બંગાળને જીતવા માગે છે. હું તો કઉં અત્યારે કોઈ કવિ ત્યાં આટલો લોકપ્રિય હોત તો તેને પણ ભાજપ ચહેરો બનાવી દેત, પણ શું છે હવેના કવિઓ ખાલી શેરીઓ પૂરતા જ લોકપ્રિય રહ્યા છે. બાકીની ખબર 12મી જાન્યુઆરીએ પડશે બેટા.

શિવસેના ગુસ્સે

ગઈકાલથી શિવસેના પોતાનો પિત્તો ગુમાવી ચૂકી છે. એમના નેતા સંજય રાઉતની પત્ની પર EDના સમન્સનો ગાળીયો કસાયો છે. અને ત્યારથી શિવસેનાના કાર્યકર્તાઓ હાથમાં નથી રહેતા. શિવસેનાના કાર્યકર્તાઓ ચાબુક એટલા ગુસ્સે ભરાયા કે એમણે EDના કાર્યાલયને ભાજપનું કાર્યાલય જાહેર કરી દીધું.

‘હા મોજ હા…’

‘હા મોજ હા…’

ઔવેસીથી કોંગ્રેસને ફટકો

હવે ગુજરાતમાં જેની ઉણપ વર્તાય રહી હતી ને ચાબુક એ ઔવેસી પણ આવી રહ્યા છે. અને એમના આવવાની વાત થતા જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આડકતરી રીતે કહી દીધું છે કે, ઔવેસી આવે તેનાથી અમને કંઈ ફર્ક નહીં પડે. ફર્ક તો કોંગ્રેસને પડશે.

‘એ કેવી રીતે ? મુખ્યમંત્રીનું ગણિત તો સમજાવો.’

એમણે ચાબુક હમણાં જ બિહારની ચૂંટણીનું ઉદાહરણ આપ્યું કે ત્યાં ઔવેસીની પાર્ટી લડી હતી તો ફટકો કોંગ્રેસને પડ્યો હતો.

‘તો તો ગોવાબાપા ભાજપ માટે આ ખુશ થવાની જ વાત છે ને ?’

જો મુખ્યમંત્રી સહિતની પાર્ટી એવું વિચારતી હોય કે ઔવેસી આવશે અને કોંગ્રેસ હારશે તો ખુશ થવાની જ વાત છે. જોકે મુખ્યમંત્રીએ એ પણ કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વ વિહોણી છે. એના ઉપર કોઈને ભરોસો નથી.

છોટા રાજનની ટિકિટ

કેવા દિવસો આવ્યા ચાબુક. હવે તો પોસ્ટઓફિસમાં તારીય ટીકિટ છાપી શકાય. જો છોટા રાજનની છપાતી હોય તો તો તારી ટિકિટ છપાવવામાં શું ખોટું છે.

વાત એવી છે ચાબુક કે ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે. જિલ્લાનું નામ કાનપૂર. જેની શુદ્ધ હિન્દી ભાષા ખૂબ જ સાંભળવી ગમે છે. આ કાનપૂરની પોસ્ટઓફિસે કાન અને આંખ ફાડી નાખતી બેદરકારીનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો છે. એમણે છોટા રાજનની ટિકિટ છાપી નાખી છે. હવે આ થયું કેમ એ તને કઉં. માય સ્ટેમ્પ યોજના છે. જેમાં 300 રૂપિયા આપી ટિકિટ છપાવી શકો. એમાં આ નબીરાની કોઈએ છાપી મારી. છોટા રાજન જ નહીં ઉપરથી મુન્ના બજરંગીની ટિકિટ પણ છાપી મારી.

હવે આપણે રાહુલ ગાંધી પાસે જઈએ

ચાબુક તને તો ખ્યાલ છે કે માણસ ગમે તે ક્ષેત્રમાં હોય તેની બે જિંદગી હોય છે. એક એની અંગત જિંદગી બીજી હોય છે એની સાર્વજનિક જિંદગી. એક સમાજ માટે જીવે બીજી લોકો માટે જીવે. હવે રાહુલ ગાંધીના નાની ઈટાલી છે અને તે ઈટાલી ન જાય તો ક્યાં જાય ? ઈડર જાય ? જોકે એમનો જવાનો ટાઈમિંગ એવો હતો કે ભાજપના નેતાઓના નિશાને ચડી ગયા. તને તો ખબર જ છે કે આજે જ કોંગ્રેસનો સ્થાપના દિવસ છે અને આજે જ તેઓ નાનીના ઘરે ગયા.

તેમના ઈટાલી જવા પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોંગ્રસ પોતાનો 136મો સ્થાપના દિવસ મનાવી રહી છે અને રાહુલ ગાંધી પલાયન થઈ ગયા.

હવે આ રીતે ભાજપના કેટલાક લોકોએ રાહુલ ગાંધીને ટાર્ગેટ કર્યા. એમાં કે.સી.વેણુગોપાલે રાહુલ ગાંધીનો બચાવ કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી એમની નાનીને મળવા ગયા છે. શું એ ખોટું છે? દરેકને અધિકાર છે. તેમની વ્યક્તિગત જિંદગી હોય છે. તેઓ રાહુલ ગાંધીને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે.

વેણુગોપાલની પણ વાત સાચી છે. રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તા અને વાયનાડના સાંસદ છે. અધ્યક્ષ પણ નથી. જેથી તે કોંગ્રેસનો ઝંડો ફરકાવી પણ ન શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments