Team Chabuk-Gujarat Desk: આમ તો શાળાઓ બંધ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો. કોરોનાના કેસ ઘટના વચ્ચે થોડા સમય માટે શાળાઓ ખુલી પણ કરી પરંતુ ફરીથી કેસ વધતા શાળાઓ બંધ કરવાની નોબત આવી છે. એટલે કે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી વિદ્યાર્થીઓમાં વેકેશન જેવો જ માહોલ છે. પરંતુ ગુજરાત સરકારે આજે કાયદેસર વેકેશનની તારીખ જાહેર કરી છે.
કોરોના મહામારીની વચ્ચે આ વખતે રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ 2020-21માં શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કર્યું છે. સરકારે શાળાઓમાં 3 મેથી 6 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે. આ વેકેશન રાજ્યની ખાનગી અને સરકારી શાળાઓમાં લાગુ પડશે. વેકેશન દરમિયાન રાજ્યમાં સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ/ અધિકારીઓને કોઈ કામગીરી સોંપવામાં નથી આવેલી તેઓએ શાળાએ આવવાનું નહીં રહે.
પરંતુ રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર દ્વારા જે અધિકારીઓ કે કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે તેઓએ કામગીરી કરવાની રહેશે. રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સુચનાઓનું કડક પણે પાલન આવા શૈક્ષણિક અધિકારીઓ કે કર્મચારીઓને કરવાનું રહેશે.
નિયામક, પ્રાથમિક શિક્ષણની કચેરી તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી ગ્રાન્ટ ઈન એઈડ તથા સ્વનિર્ભર શાળાઓએ તથા તે શાળાનાં શિક્ષકોએ નવા શૈક્ષણિક વર્ષ માટે ઉક્ત કચેરીઓ દ્વારા નક્કી કરવામાં આવનાર શૈક્ષણિક કેલેન્ડરની સૂચનાઓનું અવશ્યપણે પાલન કરવાનું રહેશે.
આમ રાજ્યમાં તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં આગામી 3 મેથી 6 જૂન સુધી વિદ્યાર્થીઓને વેકેશન રહેશે. ત્યારબાદ સરકાર શાળાઓ ખોલવા અંગે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેશે.
વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. હાલની સ્થિતિમાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવી હિતાવહ ન હોવાથી ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેથી ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. તેઓને પરીક્ષા વિના જ આગળના ધોરણમાં મોકલી દેવામાં આવશે.
આ ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા પણ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આગામી 10 મેથી 25 મે વચ્ચે બોર્ડની પરીક્ષા યોજાનાર હતી પરંતુ સરકારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને બોર્ડની પરીક્ષા મોકૂફ કરી દીધી છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની નવી તારીખે સરકાર આગામી સમયમાં જાહેર કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત