Homeગુર્જર નગરીફેફસામાં 60 ટકા ઇન્ફેક્શન સાથે તાલાળાથી રાજકોટ સારવાર માટે આવ્યા, હવે તબિયત...

ફેફસામાં 60 ટકા ઇન્ફેક્શન સાથે તાલાળાથી રાજકોટ સારવાર માટે આવ્યા, હવે તબિયત સુધારા પર

Team Chabuk-Gujarat Desk:  હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાયેલી છે. સિવિલ હોસ્પિટલોમાં પણ લાંબી લાઈનો છે. પરંતુ ઘણા દર્દીઓ સિવિલ હોસ્પિટલ અને સરકારી કોવિડ સેન્ટરમાંથી સારવાર લઈને સાજા થઈને ઘરે પણ ગયા છે. ત્યારે આવા જ એક દર્દી છેક તાલાળાથી કોરોનાની સારવાર માટે રાજકોટ આવ્યા છે અને તેમનો સરકારી હોસ્પિટલ સાથેનો અનુભવ સારો રહ્યો છે.

તાલાળાથી પોતાના પિતાજીને સારવાર માટે રાજકોટ લઈને આવેલા કેવિન ચાવડા જણાવે છે કે, ‘મારા બાપુજીના નસીબમાં રાજકોટના દાણા ખાવાનું લખ્યું હશે, એટલે અમે છેક તાલાળાથી અહીં સારવાર લેવા આવ્યા છીએ, અને અહીં અમને ખૂબ સારી સારવાર મળી રહી છે, જેનો અમને સંતોષ છે.’

ગત તા.૧૫ એપ્રિલે સાંજે તાલાળાના પરબતભાઈ જેન્તીભાઈ ચાવડા ઓક્સિજનના ૯૨ લેવલ અને ફેફસામાં ૬૦ ટકા ઇન્ફેકશનના સી.ટી.સ્કેનના રીપોર્ટસ લઈને રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલ ખાતે દાખલ થયા. તાલાળા અને જૂનાગઢમાં એક પણ બેડ ન મળતા તેઓ ઉચ્ચક જીવે રાજકોટ સારવાર માટે આવ્યા હતા. અહીં તેમને તરત જ ઓક્સિજન અને અન્ય સવલતો પૂરી પડવામાં આવી. એટલે તેમનો કોરોના જલ્દીથી કાબુમાં આવ્યો અને તબિયત સ્હેજ સારી થતાં પરબતભાઇને કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા.

કેન્સરના કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયા પછી પણ પરબતભાઈની મુશ્કેલીઓ ઘટી નહીં. પરબતભાઈને એટલી બધી નબળાઇ લાગતી હતી કે તેઓ જાતે જમી પણ નહોતા શકતા. આ સ્થિતિમાં તેમને સેન્ટરના એટેન્ડન્ટસ સવારની ચા અને નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જયુસ અને રાત્રિનું ભોજન નિયમિત અને કોઈ પણ સંકોચ વગર કરાવતા. એ બાબતનો ઉલ્લેખ કરતાં તેમના પુત્ર કેવિનભાઈ ભાવુક થઈ ગયા હતા. હવે પરબતભાઈની તબિયત સુધારા પર છે, અને તેમને ૪ દિવસમાં રજા આપશે, એમ કેવિનભાઇએ ઉમેર્યું હતું.

તાલાળાથી રાજકોટ આવેલા કેવિનભાઈ સેન્ટરની બહાર દર્દીઓના સગાંઓ માટે ઉભા કરાયેલા ડોમમાં જ રહે છે. અને રાત્રે ત્યાં જ સુઈ જાય છે. તેમના જેવા અન્યો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચા-પાણી, બેસવા અને સુવાની વ્યવસ્થા, ગરમીથી બચવા માટે પંખા વગેરેની સગવડ કરી દેવાઈ છે, જે બદલ તેમણે જિલ્લા વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કેવિનભાઈ કહે છે કે મારા બાપુજીને સિવિલની સારવારથી જ સારું થયું છે. આમ તાલાળાના કેવિનભાઈ અને તેમના પિતાને રાજકોટમાં સારી સારવાર મળ્યાનો અભનુવ થયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments