Team Chabuk-Gujarat Desk: હાલ ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. જો કે હાલ મગફળીમાં વિવિધ રોગ-જીવાત જોવા મળતા ખેડૂતો નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરી રહ્યા છે. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અપાયેલ માહિતીને આધારે મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે લેવાના પગલાં જાહેર કરાયાં છે.
મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ)અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ઉભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફૂગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી. ટ્રાયકોડર્મા હારજીયાનમ આધારીત 2.5 કિલો પાવડરને 2.5 કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપી, પિયત આપવું. સફેદ ફૂગના નિયંત્રણ માટે મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને પાળા ચડાવવા નહી. વધારે પડતી આંતરખેડ ન કરવી. ટપકાના રોગથી પાન ખરી પડે તો સફેદ ફુગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટપકાને કારણે પાક પાકતા પહેલા પાન ખરી ન પડે તે માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવો. થડનો કોહવારો અને ડોડવાનો સડો (સ્ટેમ રોટ)ના નિયંત્રણ માટે જો ટ્રાયકોડર્મા કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ 30 દિવસે પંપમાં 50 ગ્રામ પ્રમાણે (પંપમાં નોઝલ કાઢી) છોડના મૂળની આસપાસ રેડી શકાય.
લીમડાનાં તાજા પાનનો અથવા લીંબોળીનાં અર્કના 1 ટકાનાં દ્રાવણનો 30, 50 અને 70 દિવસે છંટકાવ કરવાથી પાનનાં ટપકાંનું અને ગેરૂ રોગનું નિયંત્રણ કરી શકાય છે. પાનનાં ટપકાના રોગ તેમજ ગેરૂ રોગના નિયંત્રણ માટે મગફળીનો પાક 30 થી 35 દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝીમ (10 ગ્રામ/10 લી. પાણી) અથવા મેન્કોઝેબ (10 ગ્રામ/10 લી. પાણી) અથવા ક્લોરોથેલોનીલ (10 ગ્રામ/10 લી. પાણી) અથવા હેક્ઝાકોનાઝોલ (5 મિલી/10 લી. પાણી) અથવા ડાયફેનોકોનાઝોલ (5 મિલી/10 લી. પાણી) અથવા ટેબ્યુકોનાઝોલ (5 ગ્રામ/10 લી. પાણી) અથવા બિટરટેનોલ (10 ગ્રામ/10 લી. પાણી) અથવા મેટીરામ (10 ગ્રામ/10 લી. પાણી) અથવા પ્રોપીકોનાઝોલ (10 ગ્રામ/10 લી. પાણી) અથવા પાયરાકલોસ્ટોબીન (10 ગ્રામ/10 લી. પાણી) અથવા કાર્બેન્ડેઝીમ 12% + મેન્કોઝેબ 63% (10 ગ્રામ/10 લી. પાણી) અથવા કાર્બેન્ડેઝીમ 25% + ફ્લુઝીલાઝોલ 12.5% (10 ગ્રામ/10લી. પાણી) ફૂગનાશક દવાનાં 2 થી 3 છંટકાવ 12 થી 15 દિવસનાં અંતરે કરવા. શક્ય હોય તો દરેક છંટકાવ સમયે એકની એક ફુગનાશક ન વાપરતા દવાની ફેરબદલી કરવી.

મગફળીમાં અગ્રકાલિકાનો સુકારોરોગ થ્રીપ્સ મારફતે ફેલાતો હોવાથી શોષક પ્રકારની કીટનાશક દવાઓનો જરૂર મુજબ છંટકાવ કરવો. મૂળના ગંઠવા કૃમિના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન 3જી દવા 33 કીગ્રા હેક્ટર દીઠ આપવી. ઊભા પાકમાં મૂળનો સડો થતો અટકાવવા માટે જરૂર જણાયે પૂરતા પ્રમાણમાં પાણી આપવું તેમજ કાપણી સમયે ડોડવાઓને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું. મગફળીમાં સુકારો મુખ્યત્વે પાકના 50 થી 60 દિવસ બાદ વધુ પડતા તાપમાને ઓછા પડતા ભેજની અવસ્થાએ જોવા મળતો હોઈ ઉભા પાકમાં આંતરખેડ અને નિંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઇજા ન થાય તેની સાવચેતી રાખવી. આફલારૂટ રોગના નિયંત્રણ માટે કાપણીની અવસ્થાએ જો ભેજની ઉણપ હોય તો છેલ્લા 20-25 દિવસ હળવું પિયત આપવું. મગફળીના ડોડવા અને દાણામાં 8 ટકાથી ઓછો ભેજ રહે તે મુજબ સુકવીને ભેજ મુક્ત જગ્યાએ સંગ્રહ કરવો.
દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત