Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં વર્ષ 2018માં લગ્ન કરનારી યુવતીને પાછળથી અસહ્ય ત્રાસ ભોગવવાનો વારો આવતા તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને પ્રથમ તો એક અન્ય યુવતીનો મેસેજ આવ્યો હતો. અન્ય યુવતીએ તેના ભાઈની સાથેના વેવિશાળની વાત આ યુવતીની સામે રાખી હતી.
યુવતીએ આગળ પાછળની ખરાઈ કરી લગ્ન માટે હા પાડી દીધી હતી. લગ્ન બાદ અસલી ખેલ શરૂ થયો હતો. સાસરિયાઓ યુવતીને ત્રાસ આપતા હતા. પતિ પત્ની સાથે મારઝૂડ કરી પૈસા લઈ લેતો હતો. નણંદોઈએ જ્યારે પરિણીતાની છેડતી કરી હતી ત્યારે પતિદેવે તેને તેની સાથે સુવાનું કહી દેતાં યુવતી ચોંકી ગઈ હતી. આખરે આ યુવતીએ બોપલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.
સમગ્ર ઘટનાની વિગતો કંઈક એવી છે કે, આ યુવતીની વય 31 વર્ષની છે. તેના લગ્ન 2018માં બોપલ ખાતે થયા હતા. લગ્ન પૂર્વે યુવતી એક હોટલનાં જનરલ મેનેજરની સેક્રેટરી તરીકે કામ કરતી હતી ત્યારે તેના મોબાઈલમાં મેસેજ રણક્યો હતો.
મેસેજ કરનાર કોઈ યુવતી હતી જેની તેને જાણ થઈ હતી. આ યુવતી સાથે તેની મુલાકાત થઈ અને વાતમાંથી વાત નીકળતા ભાઈ માટે વહુ શોધવાનું ચાલુ છે તેવું જણાવ્યું હતું અને બાદમાં પોતાના ભાઈના વિવાહનો પ્રસ્તાવ આ યુવતીની સામે રાખી દીધો હતો. જ્યારે પ્રસ્તાવ રખાયો ત્યારે મેસેજ કરનારી યુવતીનો ભાઈ યુગાન્ડામાં નોકરી કરતો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વેવિશાળ થયા બાદ યુવતીની જિંદગી દોઝખમાં ફેરવાઈ ગઈ હતી. પતિએ મકાનનાં ભાડા સહિતના પૈસા માગ્યા હતા અને યુવતીએ તે ઉદાર હૈયે આપી દીધા હતા. સાસરિયાઓ ત્રાસ આપતા હતા. પતિ મારપીટ કરતો હતો. દારૂ પી આવતો. સિગરેટના કશ લેતો અને પરિણિતાને મારતો હતો.
યુવતી ગર્ભવતી બની અને આ વાતની જાણ તેણે પોતના પતિને કરી, તો પતિ પ્રેમ વરસાવવાની જગ્યાએ માર વરસાવવા લાગ્યો હતો અને અબોર્શન કરી નાખવા માટે દબાણ કર્યું હતું. આ વાતની જાણ જ્યારે પરિણીતાએ પોતાના માતા-પિતાને કરી તો તેના માતા પિતાએ સમાધાનની દિશામાં પગલું ભર્યું હતું.
વર્ષ 2021માં તો યુવતીની નણંદના બીજા પતિએ તેનો હાથ પકડી લીધો હતો. યુવતીને ખ્યાલ આવી ગયો હતો કે હાથ શા માટે પકડ્યો એટલે તેણે પ્રતિકાર કર્યો અને બાદમાં પોતાના પતિને આ શરમજનક ઘટના વિશે અવગત કર્યા હતા. પતિએ બેફિકરાઈથી કહ્યું હતું કે, ‘તારે મારા બનેવી સાથે સૂવુ પડશે.’
આખરે યુવતીના માતા પિતા તેને આ ત્રાસમાંથી ઉગારી ઘરે લઈ ગયા હતા. યુવતીના પતિએ ત્યારે પણ ઝઘડો કરી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. કંટાળીને યુવતીએ પતિ, સાસુ, સસરા, નણંદ અને નણંદોઈની વિરુદ્ધ બોપલ ગ્રામ્યમાં ફરિયાદ નોંધી હતી. બોપલ ગ્રામ્યએ આ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી છે. હાલ મહિલા પોલીસે આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત