Team Chabuk-Gujarat Desk: ગુજરાત પર ફરીથી મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા કેટલાય દિવસના વિરામબાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું માનીએ તો અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ છુટા છવાયા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વરસાદ સાથે સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે.
વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ
ભારે વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. આગાહીના પગલે મોટાભાગની બોટોને કિનારે લાંગરી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ અલર્ટ કરી દેવાયા છે.
પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ
પોરબંદર પોર્ટ પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. 3 નંબરના સિગ્નલથી હાલ મોટાભાગની બોટ દરિયો ખેડવા ગઈ નથી. પોરબંદરના દરિયામાં આજે કરંટ જોવા મળ્યો છે. આગામી સમયમાં ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે.
અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ
આ તરફ અમરેલી-જાફરાબાદ બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આગમચેતી માટે તંત્રએ 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. દરિયામાં કરંટ અને પવનની ગતિ વધવાની શક્યતા છે.
મધ્યગુજરાતમાં મેઘરાજા મહેરબાન
મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમદાવાદ અને વડોદરામાં પણ બપોર પછી વરસાદ પડ્યો હતો. વડોદરામાં શહેરના ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, કારેલીબાગ, અલ્કાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ તરફ અમદાવાદમાં બોડકદેવ, વસ્ત્રાપુર, શિવરંજની, એસ.જી.હાઈવે, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, શ્યામલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા