Homeગુર્જર નગરીબદલોઃ નવસારીમાં ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખની જાહેરમાં હત્યા

બદલોઃ નવસારીમાં ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખની જાહેરમાં હત્યા

Team Chabuk-Gujarat Desk: નવસારીમાં ભાજપ નેતાની હત્યાનો બનાવ બન્યો છે. ઘટના ગઈકાલ રાતની છે. જેમાં બદલાની ભાવનાથી ભાજપના નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપ નેતાનું મોત થતાં હુમલો હત્યામાં પરિણમ્યો છે. નવસારી શહેરના ઘેલકડી વિસ્તારમાં ગત રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ આ હત્યાનો બનાવ બનવા પામ્યો છે. જેમાં ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખની ધારદાર હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.

બનાવની વિગતે વાત કરીએ તો, શૈલેષ પરમાર નામના યુવક પર ગત રાત્રે છ જેટલા શખ્સો ધારદાર હથિયાર લઈ તૂટી પડ્યા હતા. શૈલેષ પરમારના માથા અને કમરના ભાગે ઘા મારીને આ શખ્સો ભાગી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ શૈલેષ પરમારની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી છે.

વર્ષ 2017માં ઘેલખડી વિસ્તારમાં ગરબા રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં નિલેશ વનમ નામના યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યામાં પાંચ જેટલા લોકોની કથિત સંડોવણી બહાર આવી હતી. આ પાંચમાં મૃત્યુ પામનાર શૈલેષ પરમારનું નામ પણ હતું. 2017ની આ ઘટનામાં થોડા દિવસો બાદ હત્યા મામલે સમાધાન પણ થઈ ગયું હતું. મૃતકના પરિવારને કથિત આરોપીઓ દ્વારા 45 લાખ જેટલી રકમ આપીને મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો. પરંતુ મૃતક નિલેશ વનમના ભાઈ ઉમેશે ભાઈની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું હતું.

ઉમેશ વનમ છેલ્લા ચાર વર્ષથી શૈલેષ પરમારની હત્યા કરવાનો પ્લાન કરી રહ્યો હતો. તે દરમિયાન ઉમેશ અને તેના સાથીઓ ગત રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ મોકો મળતા ઘેલખડી વિસ્તારમાં રિક્ષામાં બેસીને પહોંચ્યા હતાં અને શૈલેષ પરમારને ધારદાર હથિયારના ઘા ઝીંકીને ઢીમ ઢાળી દીધું હતું.

શૈલેષ પરમારની હત્યા કરીને ઉમેશ વનમ, સુમિત જાદવ, રાકેશ સોલંકી, પિયુષ ઠાકોર, અજીત મિશ્રા, રાજેશ દિવાકર નામના શખ્સો બનાવ સ્થળેથી ભાગી છૂટ્યા હતા. આ મામલે રાત્રે એક વાગ્યે ફરિયાદ નોંધાઈ હતી અને સવારે ચાર વાગ્યે પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

આવી રીતે કરી હત્યા

મળેલી માહિતી પ્રમાણે, હત્યારાઓ રિક્ષામાં બેસીને આવ્યા હતા. બાદમાં તેમણે શૈલેષ પરમારને ઘરની બહાર બોલાવ્યો હતો. પરંતુ કંઈક અજુગતું લાગતા શૈલેષ પરમાર ઘરની બહાર ન નીકળતા તમામ શખ્સોએ ધારદાર હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. હથિયારના ઘા મારીને આ શખ્સો નાસી ગયા હતા. બાદમાં શૈલેષ પરમારને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments