Homeગુર્જર નગરીસામુહિક આત્મહત્યાઃ પત્નીના વિરહમાં પતિએ બે માસૂમ દીકરીઓને ઝેર આપ્યુ, પોતે ગળેફાંસો...

સામુહિક આત્મહત્યાઃ પત્નીના વિરહમાં પતિએ બે માસૂમ દીકરીઓને ઝેર આપ્યુ, પોતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Team Chabuk-Gujarat Desk: આણંદ જિલ્લામાં એક હ્રદયદ્રાવક ઘટના બની છે. અહીં એક 30 વર્ષીય યુવકની પત્નીનું મૃત્યુ થયાં બાદ યુવકે પોતાની બે દીકરીઓ સાથે સામુહિક આત્મહત્યા કરી લીધી છે.

બાળકીઓને ઝેર પીવડાવ્યું

આણંદ શહેરના બોરસદ ચોકડી પાસે જીટોડિયા રોડ વેરહાઉસની પાછળના ભાગે 30 વર્ષીય યુવકે વહેલી સવારે જીવન ટૂંકાવી લીધું હતું. છેલ્લા કેટલાય સમયથી તેની પત્ની બીમાર હતી. જેનું મૃત્યુ થતાં યુવકે આપઘાત કરવાનું વિચાર્યું હતું.  પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવકે પહેલાં પોતાની બંને દીકરીઓને ઝેર આપી દીધું હતું અને ત્યારબાદ પોતે ગળેફાંસો લગાવી લીધો હતો. મૃત બાળકીમાં એક 9 વર્ષની અને બીજી ત્રણ વર્ષની હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત મૃતકને એક સાત મહિનાનો પુત્ર પણ છે જે ઘટના સમયે સાસુ પાસે હતો.  હાલ આણંદ શહેર પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

મજૂરી કરી જીવન ગુજારતો

મૃતક ઘનશ્યામ પ્રજાપતિ મૂળ પાદરા તાલુકાના દૂધાવાળા ગામનો હોવાનું સામે આવ્યું છે. જે બે પુત્રી અને પત્ની સાથે હાલ આણંદ શહેરના સેન્ટર વેરહાઉસની પાછળ આવેલા વિસ્તારમાં રહેતા હતા. રોજની મજૂરી કરીને યુવક પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પત્નીના ગયા પછી ત્રણે બાળકોની જવાબદારી તેના એકલા પર આવી ગઈ હતી. જેથી તેની સામે યક્ષ પ્રશ્ન હતો કે મજૂરીએ જવું કે ઘરે રહીને બાળકોને સાચવવા.

આસપાસના લોકોને ઘટનાની જાણ થઈ

સવારે આસપાસના લોકોએ યુવકને ગળેફાંસો લગાવેલી હાલતમાં જોયો એટલે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. બનાવની જાણ થતાં જ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.

આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ઘટના સામે આવ્યા બાદ લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે સાથે જ એવું પણ કહી રહ્યા છે કે, મૃત્યુ એ જ વિકલ્પ નથી. પત્નીના ગયા બાદ તે સારી રીતે દીકરીઓને ઉછેરી શક્યો હોત. દુનિયામા કઈ પણ અશક્ય નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments