Team Chabuk Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો RT-PCR ટેસ્ટ કરાયો હતો. યુ.એન.મહેતા હોસ્પિટલે મુખ્યમંત્રીનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું જેમાં સીએમ કોરોના સંક્રમિત થયા હોવાનો ઉલ્લેખ છે. રવિવારે વિજય રૂપાણીનો કોરોના સેમ્પલ લેવાયો હતો. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી 14 દિવસ ક્વોરેન્ટાઈન રહેશે.

આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ‘હાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કોરોના દર્દી તરીકે સારવાર આપવામાં આવી રહી છે. કોઈપણ મુલાકાતીને મળવા ન દેવાનો પણ નિર્ણય કરાયો છે. તમામ પ્રકારની દેખરેખ કરવામાં આવી રહી છે. શક્ય છે કે એકાદ અઠવાડિયા સુધી તેઓને દાખલ રાખવામાં આવશે. બે ટાઈમ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. જરૂરિયાત પ્રમાણે સારવાર,દવાઓ અને ઇન્જેક્શન આપવામાં આવશે અને ડોક્ટરને યોગ્ય જણાય ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન સાથે પણ વાત કરી છે અને તેઓએ પણ સારવાર માટેની સંમતિ આપી છે. હાલ સ્પેશિયલ રૂમમાં તેઓની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના અન્ય રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હાલ માત્ર કોરોનાના દર્દી તરીકે સારવાર ચાલી રહી છે.’
મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે વડોદરામાં સભા દરમિયાન ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા બાદ થોડા સમયમાં સ્વસ્થ થયા હતા અને જાતેજ સ્ટેજ પરથી ચાલીને સ્ટેજ નીચે ઉતર્યા હતા.
તો બીજી તરફ હવે અન્ય નેતાઓની ચિંતા વધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય બે નેતાઓ ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વિનોદ ચાવડા પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત હતા. પાર્લામેન્ટરી બોલ્ડમાં નાયબ મુખ્યમંત્રી પણ હાજર હતા. કોરોના વાયરસ અંગેની ગાઈડ લાઈન પ્રમાણે કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન થવું પડે છે. તેથી હવે મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા નેતાઓ ક્વોરેન્ટાઈન થઈ શકે છે. વડોદરાની સભામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ પણ હાજર હતા. જો મુખ્યમંત્રીના ડાયરેક્ટ સંપર્કમાં આવેલા નેતાઓ ક્વોરેન્ટાઈન થશે તો ભાજપને ચૂંટણી પ્રચારમાં ફટકો પડી શકે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે સ્ટેજ પર ઢળી પડ્યા હતા ત્યારે તેમના સંપર્કમાં તેના સિક્યોરિટી જવાનો પણ આવ્યા હતા. જેથી આ સિક્યોરિટી જવાનોનો પણ કોરોના ટેસ્ટ થશે. આ ઉપરાંત CMના કાર્યાલયના સ્ટાફનો પણ કોરના ટેસ્ટ કરવામાં આવશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને આવેલા કાર્યાલયને સેનેટાઈઝ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સારા સ્વાસ્થય માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રાર્થના કરી છે. અમિત શાહે ટ્વીટ કર્યું છે કે, હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે ટૂંક સમયમાં સ્વસ્થ થાય, સીએમ જલ્દીથી આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણમાં સક્રિય થાય.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં.
— Amit Shah (@AmitShah) February 15, 2021
હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણના કામોમાં સક્રિય થાય.
બીજી તરફ હવે ચૂંટણી પ્રચારમાં થતી ભીડ પર એકવાર ફરી સવાલો ઉઠ્યા છે. ચૂંટણીમાં થતી ભીડ પર કોઈ નિયંત્રણ નથી તેવા આરોપ પહેલાંથી જ લાગી રહ્યા છે. તો ચૂટણીમાં તમામ પક્ષો નિયમોનો પણ ભંગ કરી રહ્યા છે. પોતાના પક્ષના પ્રચારમાં લીન બનેલા કેટલાક લોકોને તો સોશિયલ ડિસ્ટન્સની વ્યાખ્યા ભૂલી ગયા છે. તો તે લોકોને એ પણ નથી સમજાતું કે કોરોના હજુ ગયો નથી આપણી વચ્ચે જ છે. ચૂંટણીમાં થઈ રહેલી ભીડના કારણે સામાન્ય જનતા પણ રોષ ઠાલવી ચુકી છે. થોડા સમય પહેલાં જ મેસેજ વાયરલ થયા હતા કે, ઉતરાયણમાં ડી.જે.વગાડિયે અને એકઠાં થઈએ તો કોરોના થાય પણ ચૂંટણી પ્રચારમાં ડી.જે.વગાડવા અને ભીડ કરવાની છૂટ છે. હવે મુખ્યમંત્રી ખુદ કોરોનાની ઝપેટમાં આવ્યા છે ત્યારે કદાચ રાજકીય પક્ષો સમજે અને ચૂટણી પ્રચારમાં કોરોનાના નિયમોનું પાલન કરે તેવુ જનતા કહી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત