Team Chabuk-Political Desk : વસતિ ગીચતાની દૃષ્ટીએ સુરત રાજ્યમાં પ્રથમ છે. એમાંય પિયુષ પોંઈન્ટનો વિસ્તાર એટલે વાત પૂરી. વાહન રોકે સેનાં રૂકે. જોકે ભારતીય જનતા પાર્ટીએ રોકી દીધાં. અહીં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સભા થવાની હતી. સભા હોવાના કારણે રસ્તાની વચ્ચોવચ્ચ ખુરશીઓનો સૈલાબ ઉમટી પડ્યો છે. આ કારણે જ બિચારા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, પણ કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે મુખ્યપ્રધાન તો ગઈકાલે નાદુરસ્ત તબિયતના કારણે ચાલુ સભાએ ઢળી પડ્યા હતા. તો શું એ આવશે ? હવે જવાબ મળી ગયો છે નહીં આવે. કેમ કે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે તેઓ 14 દિવસ ક્વોરન્ટાઈન હેઠળ રહેશે.
હા એ નહીં આવે
સુરત ખાતે મુખ્યપ્રધાન ત્રણ સભાઓ સંબોધવાના હતા. આ માહિતી મીડિયા કન્વીનર વિનોદ જૈન દ્રારા આપવામાં આવી હતી. જો કે ગઈકાલે વડોદરામાં તબિયત લથડતાં તેઓ સ્ટેજ પર જ પડી ગયા હતા ત્યારબાદ તેઓને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના અન્ય રિપોર્ટ તો નોર્મલ આવ્યા છે પરંતુ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી સુરતમાં કદાચ મુખ્યપ્રધાનની ગેરહાજરીમાં સભા થશે તેવું લાગી રહ્યું છે. ઉપરથી હાર્દિક પટેલ પણ સુરતમાં જ સભા સંબોધશે. જેથી ભાજપ અને કોંગ્રેસ આજે સુરતમાં આમને સામને રહેશે.
કોંગ્રેસ ક્યાં ?
ગઈકાલે તમે સુરતની રેલી જોઈ ? અરે યાર ન જોઈ હોય તો શું કરો છો ? સુરતમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાન મનીષભાઈ સિસોદીયાની એન્ટ્રી થઈ. એ ગરબે પણ રમ્યા. આ સિવાય મોટી વાત એ છે કે જનસૈલાબ ઉમટી પડ્યો. ભાજપમાં તો ઉમટે એ સાફ વાત છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જૂની અને પડી પાથરી પાર્ટી થઈ ગઈ છે, પણ ગુજરાતમાં જે પાર્ટી હમણાં હમણાં ફુલ ફોર્મમાં આવી છે તેણે હકડેઠાઠ ભીડ ભેગી કરી લીધી. કાલે સોશિયલ મીડિયા પર આખો દિવસ આમ આદમી પાર્ટીની મહાકાય રેલી કેન્દ્રસ્થાને રહી અને રાતના મુખ્યપ્રધાનની તબિયત લથડતા એ ટ્રેન્ડમાં રહ્યું.

આ તો માહિતી થઈ મુદ્દો અલગ છે. મુદ્દો છે કે જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી જેની હજુ એક જ રાજ્યમાં સરકાર છે તેના કદાવર નેતાઓ ગુજરાત ધક્કા ખાઈ રહ્યા છે પણ કોંગ્રેસના નેતાઓ ડોકાતા નથી. ક્યાં ગયા ? રાહુલ ગાંધી દેખાય નથી રહ્યા. દારૂ મુદ્દે કોઈ વાત હોય તો તુરંત ટીપ્પણી કરતા પાડોશી અશોક ગેહલોત પણ દેખાય નથી રહ્યા. અન્યથા ત્યાં અશોક ગેહલોત પણ છે અને સચિન પાયલોટ પણ છે. એક દિવસ આવશે તો કાર્યકર્તાઓનો ઉત્સાહ વધશે.

ભાજપ પાસે તો ગુજરાતમાં જ કદાવર નેતાઓની ફોજ છે ઉપરથી તેમણે સ્ટાર પ્રચારક તરીકે સ્મૃતિબેન ઈરાનીને મેદાનમાં ઉતાર્યા છે. પેટા ચૂંટણી વખતે સ્મૃતિ ઈરાનીએ સભાઓ સંબોધી તેના ફળ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીને આઠે આઠ બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટી પણ દિલ્હીનાં ઓળખીતા ચહેરાઓને બોલાવી રહી છે. એક રાજ્યમાં જેની સરકાર છે એ આટલી મહેનત કરી રહી છે. પણ કોંગ્રેસ શૂન્ય છે. આર્યભટ્ટ પાછા યાદ આવી ગયા યારો.

કોંગ્રેસે વિચારવાની જરૂર છે. સત્તામાં તો એ વર્ષોથી છે જ નહીં. રહી વાત આમ આદમી પાર્ટીની એન્ટ્રીની, તો જનતાનેય એક મજબૂત વિરોધ પક્ષ જોઈએ. જે એમની વાતને સામે રાખી શકશે. આજે આમ આદમી પાર્ટી તેમના માટે એક વિકલ્પ તરીકે ઉભરી રહી છે. ક્યાંક કોંગ્રેસ ગુજરાતમાં ત્રીજા નંબરની પાર્ટી ન બની જાય. જેમ દિલ્હીમાં બની ગઈ છે. અને જો આમ થયું તો ? વાંક કોનો ?
એ તો ઘાટું છે
કોંગ્રેસ આમ ક્યાંય દેખાય કે ન દેખાય પણ રાજકોટના હેમાંગ વસાવડાના કારણે ચર્ચામાં છે. કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ જે કહ્યું એ બિપ્લબ દેબની વાતો કરતા જરા પણ ઓછું નથી લાગતું. એ કહી રહ્યા છે કે, ઈવીએમમાં ભાજપનું નીશાન ઘાટું રાખવામાં આવ્યું છે. મોટું રાખવામાં આવ્યું છે. ઘાટી શાહીથી છાપવામાં આવ્યું છે. તેની તુલનાએ બીજી પાર્ટીઓના નિશાન આછા રાખવામાં આવ્યા છે. મતદાતા લોભાય. આમ કહીને એમણે ચૂંટણી પંચ પર પણ ‘ઘાટા’ આક્ષેપો કર્યા હતા કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કાર્ય કરી રહી છે.
પ્રચાર તો પ્રચાર છે
પ્રચાર તો પ્રચાર છે. કરતા આવડવો જોઈએ. જે પ્રચાર કરો તે અગાઉ કોઈએ કર્યો હોવો ન જોઈએ અને તેને સંલગ્ન ઘટના હાલ ટ્રેન્ડમાં હોવી જોઈએ. કોંગ્રેસે પણ આવો જ એક પ્રચાર કર્યો છે. વાત કરી રહ્યા છીએ રંગીલા રાજકોટ શહેરની. અહીં વોર્ડ નંબર 7ના કાર્યકર્તાઓ નીકળી પડ્યા સાઈકલ લઈને. પેટ્રોલ અને ડિઝલ સહિતની મોંઘવારીનો વિરોધ કર્યો. વાત તો સામાન્ય લાગે પણ સામાન્ય છે નહિ. કોંગ્રેસે પ્રતીકાત્મક પ્રચાર કર્યો છે. એ બોલે નહિ તો પણ સમજી જવાનું કે ભાજપના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ એટલા વધી ગયા કે સાઈકલ ચલાવવાના વારા આવી ગયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત