Team Chabuk-Gujarat Desk: દાહોદમાંથી વધુ એક સ્ત્રી અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. અહીં ફરી કેટલાક લોકોએ કાયદો હાથમાં લીધો છે. દાહોદના ધાનપુર તાલુકાના ભુવેરો ગામે કેટલાક લોકોએ બે યુવતીઓને જાહેરમાં માર માર્યો. દાવો છે કે, મોબાઈલ પર વાત કરતાં પકડાઈ જવા પર આરોપીઓએ તેમને જાહેરમાં સજા આપી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં ધાનપુર પોલીસ દોડતી થઈ છે અને 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વાયરલ વીડિયોમાં કેટલાક લોકોને જોઈ શકાય છે. લોકોના ટોળા વચ્ચે બે યુવતીઓ પણ છે. થોડી જ વાતચીત બાદ એક પુરુષ આવે છે અને એક યુવતીને મારે છે. જાહેરમાં જ યુવતી પર અત્યાચાર થાય છે. ત્યારબાદ બંને યુવતીને સાથે ઉભી રાખવામાં આવે છે અને થોડી વાતચીત કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય એક પુરુષ ઉભો થાય છે અને બંને યુવતીઓને લાફા મારે છે. આ ઘટના અહીં રોકાતી નથી. બે પુરુષે અત્યાચાર કર્યા બાદ અન્ય એક યુવક આવે છે જે એક યુવતીની એટલી બેરહેમીથી પીટાઈ કરે છે કે તે જમીન પર પડી જાય છે.
દાહોદમાં યુવતીઓને માર મારતો વીડિઓ વાયરલ pic.twitter.com/MZOYMYqeux
— thechabuk (@thechabuk) July 24, 2021
યુવતી પડી જવા છતાં યુવકને તેની દયા આવતી નથી અને તે યુવતીના પેટમાં લાત મારે છે. યુવતી આજીજી કરે છે, દયા માટે અને અત્યાચાર ન કરવા માટે વિનંતી કરે છે પરંતુ હાજર લોકોમાં કોઈના પેટનું પાણી પણ હલતું નથી. કોઈ મદારીનો ખેલ ચાલતો હોય તેમ લોકો પણ મૂકપ્રેક્ષક બનીને, હાથ પર હાથ ધરીને માત્ર જોયા કરે છે.
દાહોદની આ ઘટના બાદ કાયદો વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. આ ઘટનામાં ફોન પર વાત કરવા માટે જ યુવતીઓને તાલીબાની સજા આપવામાં આવી હોવાનો દાવો કરાયો છે. ત્યારે સવાલ છે કે, શું દાહોદમાં યુવતીઓને ફોન પર વાત કરવી પ્રતિબંધ છે ? આવી રીતે જાહેરમાં ઘટના પાછળનું સાચું કારણ હજું સામે આવ્યું નથી. પોલીસ તપાસમાં આ અંગે વધુ વિગતો બહાર આવી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત