Homeગુર્જર નગરીગુજરાતના આ IAS અધિકારીએ દીકરાનું એડમિશન આંગણવાડીમાં કરાવી દાખલો બેસાડ્યો, દીકરો આંગણવાડીમાં...

ગુજરાતના આ IAS અધિકારીએ દીકરાનું એડમિશન આંગણવાડીમાં કરાવી દાખલો બેસાડ્યો, દીકરો આંગણવાડીમાં તૈયાર થતું ભોજન આરોગે છે

Team Chabuk-Gujarat Desk: સામાન્ય રીતે સરકારી અધિકારીઓ, નેતાઓ, અભિનેતાઓ અને મધ્યમવર્ગના મોટા ભાગના લોકો પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં મુકે છે. જેનું મુખ્યકારણ સરકારી શિક્ષણ પરનો અવિશ્વાસ કહી શકાય. લોકોની માનસિકતા એવી છે કે, સરકારી સ્કૂલ કરતાં ખાનગી સ્કૂલનું શિક્ષણ સારું છે અને એટલે જ ખાનગી સ્કૂલો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જો કે, દાહોદના IAS અધિકારી નેહાકુમારીએ એક નવો જ ચીલો ચાતર્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ દેખાદેખી અને VIP કલ્ચરને બાજુ પર છોડી પોતાના દીકરા માધવને આંગણવાડીમાં મુક્યો છે. અહીં આ ક્લાસ વન અધિકારીનો પુત્ર સામાન્ય અને ગરીબ ઘરના બાળકો સાથે રહે છે અને પાયાનું શિક્ષણ મેળવે છે. જિલ્લા વિકાસ અધિકારીની આ પહેલને લોકોએ વધાવી લીધી છે અને સમગ્ર પંથકના લોકો તેમની સાદગીના ખુબ જ વખાણ કરી રહ્યા છે. સાથે જ કહી રહ્યા છે કે, જો એક ક્લાસ વન અધિકારી પોતાના બાળકને આંગણવાડીમાં બેસાડી શકે છે તો સામાન્ય માણસોને પણ દેખાદેખી છોડવી જોઈએ.

નેહાકુમારીએ દાહોદને અડીને આવેલા છાપરી ગામની આંગણવાડીમાં પોતાના પુત્રનો પ્રવેશ મેળવ્યો છે. એટલું જ નહીં જ્યારે દીકરાને પ્રવેશ અપાવવા ગયા ત્યારે તેઓ એક ક્લાસવન અધિકારી તરીકે નહીં પરંતુ સામાન્ય વાલી તરીકે જ મુકી જાય છે. એટલું જ નહીં તેમનો દીકરો માધવ પણ એ જ ભોજન આરોગે છે જે રોજ આંગણવાડીની યાદીમાં તૈયાર થાય છે. અહીંના આંગણવાડી કાર્યકર મીનાબેન દુધિયાએ જણાવ્યું કે અમારી આંગણવાડીમાં 95 બાળકો નોંધાયેલા છે. જેમાં 40 બાળકો નિયમિત આવે છે. અહીં સવારે ગરમ નાસ્તો, બપોરે ભોજન અને પછી નાસ્તો મળે છે.

DDO નેહાકુમારીની આ પહેલ પાછળ એક ખાસ હેતુ એ પણ છે કે તેના દ્વારા આંગણવાડીમાં કોઈ અછત હોય તો તે દૂર થાય. તેના વિશે જાણવા મળે. જેથી તેને દૂર કરવાના પ્રયત્નો કરી શકાય. માત્ર દાહોદ જ નહીં પરંતુ ગુજરાતમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ IAS અધિકારીએ પોતાના બાળકને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હોય.

મહત્વનું છે કે, જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી પોતાના કામના કારણે પણ જાણીતા બન્યા છે. જિલ્લાના વિકાસને તેમણે નવી રાહ ચીંધી છે. અહીંના આદિવાસી લોકો પ્રત્યે તેઓએ હંમેશા પોતિકાપણું રાખ્યું છે. તાજેતરમાં તેમણે જિલ્લાના ટીબીના કુલ 9 દર્દીને દત્તક લીધા હતા અને તેમને ન્યૂટ્રિશન કીટનું વિતરણ કર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments