ખેડૂતોની લાંબા સમયની માંગ હવે પૂર્ણ થવા જઈ રહી છે. ખેડૂતો વર્ષોથી જે અંગે સરકારને રજૂઆત કરી કરીને થાક્યા હતાં, તે માગ છેક હવે સરકાર પૂર્ણ કરવા તરફ આગળ વધી છે. આગામી 24 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર ખેડૂતો માટે એક યોજના શરૂ કરવા જઈ રહી છે જેનું નામ છે કિસાન સર્વોદય યોજના.
આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપશે. ખેડૂતો ઘણા વર્ષોથી સરકાર સામે કરગરીને માગ કરી કરતાં હતા કે તેઓને રાત્રિ દરમિયાન નહીં પરંતુ દિવસે વીજળી આપવામાં આવે. ત્યારે વર્ષો બાદ સરકારે ખેડૂતોની આ વાતને વાચા આપવા હવે દિવસે વીજળી આપવા માટે યોજના શરૂ કરી છે.
રાજ્યના ઉર્જામંત્રીએ જણાવ્યું છે કે, ખેડૂતોને દિવસે વીજળી આપવાની હિમાયત હતી તે હવે પરિપૂર્ણ થશે. કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આગામી 24 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી આ યોજનાનો મંગલ પ્રારંભ કરાવશે. આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂર્ણ કરી છે. દિવસે વીજળી મળતા ખેડૂતોનું ખેત ઉત્પાદન વધશે અને સાથે સાથે વીજળીની બચત પણ થશે. રાજ્યમાં હાલ ૧૫૩ ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે ૫-૦૦ વાગ્યાથી રાત્રિના ૦૯-૦૦ કલાક દરમિયાન વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.
આગળ ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતને ખેતીવાડીના વપરાશ માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો – ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ અંતિત ૧૭૫ ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેમાં ૧૦૦ ગીગાવોટ (૧ લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા ૭૫ ગીગાવોટ (૭૫૦૦૦ મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ છે.
તેમણે ઉમેર્યુ કે, સોલાર પાવર ફક્ત દિવસના સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ હોય છે. આવનાર સમયમાં સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધવાથી દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે. રાજયમાં હાલ ૧૭.૨૫ લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે. જેમને ૧૫૩ જૂથોમાં વહેંચીને ૮૪૦૦ થી વધુ ૧૧ કેવીના કૃષિ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
આ જૂથોને ૨૪ કલાકમાં મહત્તમ ૮ કલાક થી ફેઝ વીજ પુરવઠો અને ૨૪ કલાક સિંગલ ફેજ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ જૂથોની એવી રીતે ફેરવણી કરવામાં આવે છે કે દરેક જૂથને અઠવાડિયા માટે દિવસના સમયગાળામાં ત્યારબાદના અઠવાડિયા માટે રાત્રીના કલાકો દરમિયાન અને પછીના બે અઠવાડિયા માટે આંશિક દિવસ અને આંશિક રાતના કલાકો દરમિયાન વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે.
ખેડૂતોને રાત્રિ દરમિયાનના વીજ પુરવઠાના સમયે જીવ-જંતુ અને જનાવરનો ભય અને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. છેલ્લા કેટલાય વર્ષથી તેમના તરફથી દિવસે પાવર આપવાની રજૂઆત હતી તે આજે પૂર્ણ થઈ છે.
તેમણે ઉમેર્યુ કે, ખેતીવાડીમાં રાત્રી દરમિયાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તો સોલાર પાવર કે જે ફક્ત દિવસના સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ હોય છે તે ખેડૂતોને આપી શકાય જેનાથી ખેડૂતોએ વેઠવી પડતી મુશ્કેલીનો ઉકેલ આવી શકે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી ખેડૂતોને દિવસે વીજળી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય તે માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતોને દિવસે વીજળી આપવાના પડકારરૂપ કાર્યને ત્રણ વર્ષમાં પુરા કરવા માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ માટે જરૂરી માળખાકીય નેટવર્ક ઉભું કરવા માટે ૨૦૨૦-૨૧ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂ. ૩૫૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે સરકાર આગામી સમયમાં રૂપિયા ૫૨૦ કરોડના ખર્ચે ૧૧ નવા ૨૨૦ કે. વી. સબસ્ટેશન, રૂપિયા ૨૪૪૪.૯૪ કરોડના ખર્ચે ૨૫૪ નવી ૨૨૦ / ૧૩૨/ ૬૬ કે. વી. લાઇન ઊભી કરશે.
આ યોજનાના લાભ કોને મળશે ?
પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ૧૦૫૫ ગામડાઓને આવરી લેવાયા છે અને ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લઈને દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. હાલ જૂનાગઢના 220 ગામ, ગીર-સોમનાથના 143 ગામ અને દાહેદના 692 ગામોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે. આ યોજના હાલ પ્રાથમિક તબક્કે ત્રણ જ જિલ્લામાં લાગુ પડશે. આ ત્રણેય જિલ્લામાં જંગલી પશુઓનો ત્રાસ હોવાના કારણે ખેડૂતોને રાત્રી દરમિયાન ખેતરમાં કામ કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી જેને લઈને શરૂઆતમાં આ ત્રણ જિલ્લામાં જ યોજના લાગુ પડશે જો કે રાજ્યના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ મળે તેવી આશા રાખીને બેઠાં છે ત્યારે સરકાર રાજ્યભરમાં આ યોજના ક્યારે લાગુ કરશે તેના પર ખેડૂતોની નજર છે.