નર્મદની આત્મકથા નર્મદની દૃષ્ટીએ જોવામાં આવે તો તે અધૂરી જ ગણાય. એ બીચારાને તો ઘણું બધું લખવું હતું. પણ દબાણવશ તે લખી ન શક્યો. આત્મકથામાં એ સ્વીકારે પણ છે, ‘આ હકીકત અધૂરી અને ખરડો છે એમ સમજવું. અધુરી એટલા માટે કે કેટલીક વાત મારા સંબંધીઓને નુકશાન પહોંચાડવાને હાલ લખવી હું ઘટિત ધારતો નથી.’
આ વાતનો સ્પષ્ટ અર્થ તો એ જ થયો કે નર્મદ પોતાના પરિવારજનોથી પરેશાન રહેતો હશે. સુરત શહેરને આગ સાથે જૂની લેવાદેવી છે. ભૂલકાઓ આગમાં ભૂંજાય ગયા તે ઘટના મારી આંખ સામેથી ખસતી નથી. નર્મદને દયારામ ભૂંખણ નામના ભાઈએ પણ આવી જ વાત કહી હતી. એમણે કહેલું કે સુરત આખુ સળગી ગયું હતું. જ્યાં જૂઓ ત્યાં આગ આગ દેખાતી હતી. નર્મદ પણ આ વાત સાંભળી હેબતાઈ ગયેલો. તેના મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળતો, કારણ કે તે લખવામાં નીડર હતો બાકી ડરપોક હતો!
મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે કે મને અંધારા ઓરડાથી ડર લાગતો હતો. આવું જ નર્મદનું પણ હતું. એને ભેંકાર સપના આવતા હતા. જે ઊંઘવા નહોતા દેતા. માની લો નર્મદ આ દુનિયાનો સૌથી મોટો અંધશ્રદ્ધાળુ હતો. એ જમાનો જ અંધશ્રદ્ધાળુઓનો ગણવો રહ્યો.
બાળપણમાં મારી એવી માન્યતા હતી કે, જો હું ચોમાસામાં ચાલતો ચાલતો નિશાળે જાઉં અને મારા પગ ઊંડા ગારામાં ન પડે તો સાહેબ મને ન મારે. ઘણી વખત મારા પગ ગારામાં ન પડ્યા. હું એક અભિમાન લઈ જતો કે આજે તો સાહેબ આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે. પણ ગારામાં પગ ન પડવાને અને સાહેબ ન મારે તેને નહાવા નીચોવાનો પણ સંબંધ નથી. હું સાહેબના હાથે પીટાતો જ.
આ નર્મદને પણ મારા કુળનો જ ગણવો રહ્યો. જનીનથી નહીં તો મગજથી. એ શાળાની અંદર જતો. સામે પૃથ્વીનો નકશો હોય તેના પર આંખ બંધ કરી આંગળી મુકતો. આંખ ખોલે અને જો આંગળી પેસેફિક સમુદ્રના સેન્ડવિચીયા ટાપુ પર જ હોય, તો માની લેવાનું કે આ વખતે વર્ગમાં એ પહેલો જ આવશે. પેસેફિક સમુદ્રની પણ આબરૂ રાખવા માટે એ દિવસ રાત મહેનત કરતો અને વર્ગમાં પ્રથમ આવતો.
જોકે આ તો હું ક્લાસમાં સૌથી હોશિયાર છું એવી મનને મનાવવાની ટેકનિક થઈ કહેવાય. જો તેના સમયે ડો.જોસેફ મર્ફીનું પાવર ઓફ યોર સબકૉન્શ્યસ માઈન્ડ પુસ્તક આવ્યું હોત તો તે રડી પડ્યો હોત, કે આ બધી તો મગજની વિભિન્ન વિભીષિકાઓ છે.
નર્મદ જેવો માણસ આપણને આજે ક્યાંય ન મળે. નાનપણમાં એના હોઠે પોતાનું જ થૂંક ચોંટી જાય તો તે કાપડથી ઘસી નાખતો. ખૂબ ઘસતો જાણે જીવનપર્યત: ડાઘો પડી જવાનો હોય. કાળદેવીના દર્શન કરતો અને ખૂદને તમાચો મારી લેતો. આ તમાચો ક્ષમાનો ફટકારવાનો રહેતો. એણે જેટલા તમાચા પોતાના મોઢામાં માર્યા હશે તેનું વટક તેણે પત્રકાર બનીને ડાંડીયોમાં વાળી જ લીધેલું. મારી વાત પર શંકા હોય તો જાવ નર્મદના જમાનામાં અને જાણી લો.
તમાચો મારતા સમયે તે આજુબાજુ જોતો કે તેની આ પ્રવૃતિ કોઈ નીરખી તો નથી રહ્યું ને ? જ્યારે ખબર પડે કે કોઈ માઈનો લાલ આજુબાજુ નથી એટલે તે હળવેકથી જમણા હાથને જમણા ગાલ પર ફટકારી દેતો.
અક્ષય કુમારમાં નર્મદના ભારોભાર લક્ષણ છે. નર્મદ પિતાની સાથે સવારમાં ચાર વાગ્યે ઉઠતો. રાતે મેં હોમવર્ક કર્યું તો છે ને ? આ પ્રકારનો વહેમનો કિડો તેના મગજમાં ઘુસી ગયેલો. શિક્ષકની બીકે કરેલું હોમવર્ક પોતે ફરી તપાસી લેતો. કહેવાય છે કે તેણે તેના માસ્તરના પૂર્ણ કાર્યકાળ કરતાં પણ વધારે વખત પોતાનું ગૃહકાર્ય તપાસેલું.
હું રિસેસની રાહ જોતો અને બાળપણમાં થઈ શકે તો મારા માસ્તરને પણ ટપીલદાવ કરી ભાગી જતો અને બીજી બાજુ નર્મદ હતો. વિદ્યાર્થીનું એક પરફેક્ટ ચરિત્ર. એ તોફાન ન કરતો. બીજા છોકરા તોફાન કરે તો એ જોતો ન હતો. એકલો અટૂલો અંતર્મૂખી બનીને ઊભો રહેતો હતો.
ઘરમાં પણ કોઈ મહેમાન આવે તો મા પાસે ચાલ્યો જતો. તેની આ ક્રિયા માતાને આંખમાં ખૂંચી હશે? કે આટલો મોટો થયો હવે ડરમાં, આ ટોણો મારી મારીને થાકેલી તેની માતા પાછળથી નર્મદને એકલો છોડીને ચાલી ગઈ. પિતાએ કોઈ દિવસ પુન:લગ્ન ન કર્યા.
નર્મદના બાળપણને આપણે જોયું જેમાં તે પોતાની સાથે જ વાતો કરતો જોવા મળે છે. હવે આ નર્મદ મોટો થાય છે. એ મિત્રોને એકઠા કરી બુદ્ધિસભાની સ્થાપના કરે છે. બાળપણમાં તો એવું કંઈ ન હતું પણ ઉંમર થતાં તેની અંદર રહેલો પુરૂષ સજાગ થાય છે. તેને સ્ત્રી સાથે સ્નેહ સંબંધ બાંધવાના ઓરતા જાગે છે. એ સ્ત્રીઓની વાતો સંતાઈ સંતાઈને સાંભળે છે.
નર્મદને ખબર હતી કે પત્નીને કેવી રીતે સાચવવી અને એમાંય બે પત્નીઓને કેવી રીતે સાચવવી ? અહીં હું ડિસક્લેમર આપું છું. મહેરબાની કરીને આ પત્નીવાળા વાંચે છે તો પ્રયાસ ન કરે અને પતિ થનાર છે તો એ પણ આ નર્મક્રિયાથી દૂર રહે.
નર્મદે પત્નીઓના કલહથી કંટાળીને ઘરના ટાંકામાં ધુબાકો માર્યો. આસ પડોશના લોકો દોડી આવ્યા અને રાડો પાડવા લાગ્યા કે, ‘દોડો કવિ નર્મદ ગયા…’
લોકો તેમને બહાર કાઢવા, આમ તો તેમની ડેડ બોડી જ હશે એવું વિચારીને આવેલા, કારણ કે તેની કવિતા ઘણાને સમજાતી નહોતી. ટાંકા પાસે આવી જુએ તો નર્મદ માછલીની જેમ તરણક્રિયા કરી રહ્યો હતો. મજા લેતો હતો. જ્યારે તેને ઓલમ્પિકમાં ભાગ લેવો હોય. ખરી હકીકત તો એ છે કે નર્મદને પોતાના પરિવારના લોકો સાથે આવું કપટ કરવું ગમતું હતું. એક સમયે આવું કપટ દરેક પુરૂષ કરે છે. ખાસ ત્યારે જ્યારે પત્ની ખૂબ પજવતી હોય.
નર્મદનું નામ થયું અને દલપતરામની સામેનો તેનો ઝઘડો ગામ વચારે છતો થયો. એને ભાવનગર ખૂબ જવું પડતું. ભાવનગરના રાજભારીઓ તેને જમવા માટે આમંત્રણ આપતા હતા. આપણા નર્મદ જતાં નહીં. એમને મન બે વાત હતી. એક કે ભાવનગરમાં ખૂબ રહ્યો, એ શહેર મને મુંબઈની તોલે નાના ગામડા જેવું લાગે છે અને બીજું નાતની સાથે જમવામાં હોહો અને હાહા ખૂબ થાય. મજા ન આવે. ઉપરથી સમયનો વ્યય થાય તે નોખો. આ ઉપરથી તારણ નીકળે કે નર્મદ સારું જમવાનું પણ ખોટા માણસોના કારણે જતું કરતો હશે.
નર્મદે મારી હકીકતમાં સઘળું સાચું જ લખ્યું હતું. તેનો સંદર્ભ તેમના મિત્રો પાસેથી મળે છે. મિત્રોએ જ નર્મદને તેની મારી હકીકત છાપવા નહોતી દીધી. માત્ર પાંચ સાત નકલો જ છપાવીને પટારામાં રાખી હતી. કારણ કે એ દુખીયારાઓને પણ ખબર હતી કે નર્મદના જીવતા આ ચોપડી આવી ગઈ તો સારા સારાના જીવનનાં ચોપડા પસ્તીના ભાવે જશે.
આપ જે વાંચી રહ્યા છો એ વેબસાઈટનું સૌ પ્રથમ નામ અમે ડાંડીયો રાખવાનું જ વિચારેલું. ડાંડીયો નામે એક વેબસાઈટ પહેલાથી હોવાના કારણે અમે એ નામને પડતું મૂક્યું. ને પછી નર્મદે જ અમને સપનામાં આવીને કહ્યું, ‘ડાંડીયોનો ભાઈ ચાબુક કહેવાય. ઓલો ઢોલ પીટે પણ આ તો સીધો મારે.’