Homeગુર્જર નગરીગુજરાતમાં ખાલી પડેલી નર્સિસની જગ્યા ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, આટલી જગ્યા પર...

ગુજરાતમાં ખાલી પડેલી નર્સિસની જગ્યા ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, આટલી જગ્યા પર થશે ભરતી

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાના કારણે સરકાર દ્વારા નવા નવા કોવિડ સેન્ટરો ખોલવામાં આવી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. પરંતુ નર્સિસની જગ્યાઓ ખાલી પડી હોવાથી બેડની સંખ્યા વધારવામાં સરકારને મુશ્કેલી ઉભી થઈ રહી છે. જે પ્રમાણમાં દર્દીઓ આવી રહ્યા છે તેની સામે નર્સિસની સંખ્યા ઘણી ઓછી છે ત્યારે સરકારે નર્સિસની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ માનવબળ વધુ સુદ્રઢ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર કમિટિના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ૨૦૧૯ જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે.

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર-સુશ્રૃષા સહિત અન્ય આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દર્દીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.

આ કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવો પંકજકુમાર, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે રાજ્યમાં હાલની પરિસ્થિતિને જોતાં રાજ્ય સરકારે નર્સિસની ભરતી કરવાનો અગત્યનો નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ બે દિવસથી રાજ્યમાં નર્સિસ દ્વારા વેતન વધારાને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે બુધવારે આંતરાષ્ટ્રીય નર્સિસ દિવસે સુરતમાં નર્સિસ દ્વારા વેતન વધારવા મામલે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ કરનાર નર્સિસની વેતન વધારાની સાથે એવી પણ માગણી હતી કે રાજ્યમાં ખાલી પડેલી લગભગ 4 હજાર જેટલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. ત્યારે રાજ્ય સરકારે હાલ 2 હજાર જેટલી જગ્યાઓ ભરવાનું નક્કી કર્યું છે.

રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નર્સિસની આ ખાલી જગ્યા ભરવાથી આરોગ્ય વ્યવસ્થા મજબૂત થશે. લાંબા સમયથી સરકારી હોસ્પિટલોમાં નર્સિગ સ્ટાફની જે અછત વર્તાઈ રહી છે તે દૂર થશે. જ્યારથી કોરોના વાઇરસની એન્ટ્રી થઈ છે ત્યારથી હાલનો નર્સિંગ સ્ટાફ સતત ખડેપગે રહીને કામ કરી રહ્યો છે. જેથી તેઓમાં પણ થાક અને માનસિક ચિંતા વધી છે. ત્યારે આ નર્સિસની ભરતી થવાથી તેઓને પણ થોડી રાહત મળશે અને કામનું ભારણ ઘટશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments