Homeગુર્જર નગરીહવે કોરોનાની સારવાર માટે બેડ ઓછા નહીં પડે, રાજ્ય સરકારે લીધો સૌથી...

હવે કોરોનાની સારવાર માટે બેડ ઓછા નહીં પડે, રાજ્ય સરકારે લીધો સૌથી મોટો નિર્ણય

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાશનાથન, અગ્રસચિવ ડૉ. જયંતી રવિ તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીની મિટિંગમાં અત્યંત મહત્વના નિર્ણયો કર્યા છે.

તમામ હોસ્પિટલ કરી શકશે કોરોના પોઝિટિવ દર્દીની સારવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે. આગામી તા. 15મી જુન સુધી તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને કૉવિડના દર્દીઓની સારવાર કરવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તેમણે કોઇ પણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં અને જે-તે કલેક્ટર કે મ્યૂનિસિપલ કમિશનરને આ બાબતની જાણ કરવાની રહેશે.

3 માસ માટે નવી નિમણૂક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીજા મહત્વના નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તજજ્ઞ ડોક્ટરો માટે માસિક રૂ. ૨.૫ લાખ, મેડિકલ ઓફિસરો માટે માસિક રૂ. ૧.૨૫ લાખ, ડેન્ટલ ડોકટરો માટે માસિક રૂ. ૪૦ હજાર, આયુષ ડોક્ટર્સ અને હોમિયોપેથી ડૉક્ટર્સ  માટે માસિક રૂ. ૩૫ હજાર, જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયન માટે માસિક રૂ. ૧૮ હજાર અને વર્ગ ૪ના કર્મચારીઓ માટે માસિક રૂ. ૧૫ હજારના માનદ વેતનથી ૩ માસ માટે નવી નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે.

વધારાના બેડની વ્યવસ્થા કરાઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 15મી માર્ચ ૨૦૨૧ની આસપાસ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં  કૉરોનાના દર્દીઓ માટે ૪૧ હજાર જેટલા બેડ હતા. જેની સંખ્યા વધારીને આજે લગભગ ૭૮ હજાર જેટલી કરવામાં આવી છે. પરંતુ વધતા જતા સંક્રમણ અને વધતા જતા કેસોને કારણે આ વ્યવસ્થા પણ અપૂરતી બની રહી છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઇને કોર કમિટીની મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે.

સ્ટાફની નિમણૂકની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને મેડિકલ અને પેરામેડિકલના વિવિધ સંવર્ગના કર્મીઓને દર્દીઓની સેવામાં રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા જલદીથી જોડાઇ જવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને દર્દીઓને સારી સેવા આપી શકાય તે માટે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની નિમણૂક માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે.

પ્રોત્સાહન વેતનની જાહેરાત

સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેડિકલ ઓફીસર્સ, ડેન્ટલ ડોક્ટર્સ, આયુષ ડોક્ટર્સ, હોમિયોપેથી ડોક્ટર્સ તેમજ જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયનની આકર્ષક માનદ વેતન સાથે નિમણૂકો કરાઇ રહી છે. એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડીકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેક અને વર્ગ-૪ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધું પ્રોત્સાહક વેતન આપવામાં આવશે.

તેમણે કહ્યું છે કે, સરકારી હોસ્પિટલોમાં વર્ગ-3ની કક્ષામાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ સ્ટાફ નર્સના હાલ મળતા પગારમાં વધારો કરીને ૩ માસ માટે માસિક રૂ. ૨૦,૦૦૦નું માનદ વેતન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નવી ભરતીમાં દાખલ થનાર નર્સ બહેનો-ભાઇઓને પણ આ જ પ્રમાણે માનદ વેતન આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે,  હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-૪ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે, જુન અને જુલાઇ એમ ૩ માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. 

આર્મી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર મળે તેવું આયોજન

ગુજરાતમાં આવેલી આર્મી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કચ્છ, જામનગર, અમદાવાદ અને વડોદરામાં આર્મી હોસ્પિટલો છે. ગુજરાતની આર્મી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે ભારત સરકારે પણ આહવાન કર્યું હતું.

આ સંદર્ભે આર્મીના અધિકારીઓ સાથે ગુજરાતના અધિકારીઓ બેઠક થશે. ગુજરાતમાં વધુ ને વધુ બેડ પ્રાપ્ત થાય તે માટેના  પ્રયત્નોમાં આ એક મહત્વનું પગલું સાબિત થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments