Team Chabuk-Gujarat Desk: સમગ્ર ગુજરાત ઠંડીની ભીંસમાં મૂકાયું છે. આ વર્ષની શરૂઆતમાં જ ગુજરાતવાસીઓને શિયાળામાં ચોમાસાના દર્શન થયા હતા. ત્યારે ત્રેવડી ઋતુનો અહેસાસ પણ થયો હતો. રાતના ઠંડી, સવારમાં વરસાદ અને બપોર થતા ગરમીનો ચંદરાવો પથરાઈ જતો હતો. હવે છેલ્લા ત્રણેક દિવસથી ઠંડી માજા મૂકીને રીતસરની વરસી રહી હોય તેવું લાગી રહ્યું છે. આખો દિવસ શિયાળો મારણ કરવા આવ્યો હોય તેમ ઠુંઠવી નાખે છે. સૌરાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડીના કારણે લોકો દિવસે પણ ઘરમાં રહી ધાબળા ઓઢતા થયા છે.
કોલ્ડ વેવની અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રી નીચે નોંધાયો હતો. આ કારણે સમગ્ર રાજ્ય ઠંડીના અજગર ભરડામાં સપડાઈ ગયું છે. એવામાં હજુ આગામી બે દિવસ ગુજરાતવાસીઓને ઠંડી સામે મહામુકાબલો કરવાનો છે. બાદમાં ઠંડીનું જોર ધીમે ધીમે નબળું પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
વાત જો ગુજરાતના મહાનગર અમદાવાદની કરવામાં આવે તો અહીં સવારથી બપોર સુધી ઠંડીનું સામ્રાજ્ય અકબંધ રહ્યું હતું. બપોર બાદ ઠંડીનું જોર ઘટ્યું હતું અને કૂણા તડકાએ વાતાવરણમાં વર્ચસ્વ જમાવ્યું હતું. ઠાંડા પવનનું જોર ઘટતા બપોરના સમયે અમદાવાદનું મહત્તમ તાપમાન 3.9 ડિગ્રી ગગડીને 23.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા 1.6 ડિગ્રીથી ગગડીને 10.6 ડિગ્રી નોધાયું હતું. આ કારણે ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદ સિવાયના અન્ય શહેરોની જો વાત કરવામાં આવે તો, મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં રાબેતા મુજબ નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારે આગામી બેથી ત્રણ દિવસોમાં ઠંડીનું શક્તિપ્રદર્શન દેખાશે જ્યારે ત્યારબાદ તેની અસર ધીમે ધીમે ઘટશે. હાલ તો સમગ્ર ગુજરાત ઠંડીની સાથે કોરોનાનો માર પણ સહન કરી રહ્યું છે અને તેનાથી છૂટકારાની પ્રાર્થના પણ કરી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
