Homeગુર્જર નગરીલોકડાઉનના ભણકારા વાગતા ઘણાયે કાચી પાત્રી માવો લેવા ગડગડતી હડી કાઢી

લોકડાઉનના ભણકારા વાગતા ઘણાયે કાચી પાત્રી માવો લેવા ગડગડતી હડી કાઢી

ગોવાબાપાઃ ચાબુક આજે તો ગુજરાતની જનતાના ધબકારા વધી ગ્યા. જૂની વાતો પાછી યાદ આવવા લાગી. આંખો સામે હડેડાટ લોકડાઉન દેખાવા લાગ્યું. ફરીથી ઘરમાં પૂરાઈ જવાનો ભય સતાવવા લાગ્યો. ફરી પાછી દુકાનોના શટર પડતાં દેખાયા.

‘પણ આ બધું થયું કેવી રીતે ગોવાબાપા?’

આ બધું થયું ગુજરાત હાઈકોર્ટના એક નિર્દેશથી. ચાબુક.. વધતા કોરોના વાઇરસના સંક્રમણને જોતાં હાઈકોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો કે ગુજરાતમાં ત્રણ થી ચાર દિવસનું કરફ્યૂ અથવા વિક એન્ડ કર્ફ્યૂ લાદવું જરૂરી છે.

જેવો હાઈકોર્ટે આ નિર્દેશ કર્યો કે તરત જ રૂપાણી સરકાર દોડવા લાગી. પ્રજા પણ હાંફળી ફાંફડી થઈ ભાગવા લાગી. અમદાવાદમાં તો મોલ અને બજારમાં ખરીદી માટે લાઈનો લાગી ગઈ. ભીડને જોઈને અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા ડી-માર્ટને તો બંધ કરી દેવો પડ્યો ચાબુક. વડોદરામાં પણ ખરીદી માટે મોલની બહાર લાંબી લાંબી લાઈનો જોવા મળી.

આ તરફ રાજકોટમાં પાન-ફાકીના બંધાણીઓ સોપારી અને તમાકુના સ્ટોક કરવા માટે નીકળી પડ્યા. કહેવત છે ને કે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એમ ગયા વર્ષના લોકડાઉનમાં જેમ બરાબરના સલવાઈ ગ્યા તા એમ હવે લોકો સલવાવા નથી માગતા. સરકાર લોકડાઉન કરે એ પહેલાં જ શસ્ત્ર સામગ્રી એકઠી કરી લેવી સારી એવું હવે લોકો માનવા લાગ્યા છે.

ગુજરાત હાઈકોર્ટનો નિર્દેશ સાંભળીને આજે તો લોકોને થયું કે બસ હવે તો લોકડાઉન બારણે ટકોરા જ દઈ રહ્યું છે. પાછા ઘરમાં બેસીને રામાયણ-મહાભારત જોઈને, લુડો રમીને દિવસો કાઢવાનો સમય આવતો હોય તેવું લોકોને લાગ્યું.

પરંતુ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. હાઈકોર્ટે ખાલી નિર્દેશ કર્યો છે આદેશ નથી કર્યો. હવે જે નિર્ણય લેવાનો છે એ રાજ્ય સરકારે લેવાનો છે. માટે ખોટા લોકડાઉનના ડરથી મોલમાં કે બજારમાં અમથી અમથી ભીડ ન કરવી. ગત લોકડાઉનમાં પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલી જ હતી.

કોરોના કેસનો નવો રેકોર્ડ

ગુજરાતમાં કોરોના વાઇરસ દરરોજ પોતાના જ રેકોર્ડ તોડી રહ્યો છે. આજે પણ ચાબુક ગુજરાતમાં 3 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સરકારી ચોપડે 3280 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. 2167 લોકો સાજા થયા છે જ્યારે 17 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટમાં આજે રેકોર્ડબ્રેક 321 કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પરિવાર પણ કોરોનાથી સંક્રમિત થયો છે. વિજયભાઈના ભાઈ લલિતભાઈ રૂપાણી, ભત્રીજા અનિમેષ રૂપાણી સહિત પરિવારના પાંચ લોકોને કોરોના થયો છે.

મહત્વની વાત

ચાબુક આ કોરોનાએ તો ભારે કરી છે હો, વિદ્યાર્થીઓથી લઈને વકીલો સુધીના તમામ પરેશાન છે. વધતા કોરોનાના કેસના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાનાર તમામ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખી દેવામાં આવી છે. આગામી 12 અને 23 એપ્રિલના રોજ પરીક્ષા શરૂ થવાની હતી. હવે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે કે આ પરીક્ષા ઓફલાઈન લેવી કે ઓનલાઈન. નવી તારીખ યુનિવર્સિટી જાહેર કરશે. આ તરફ કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત હાઈકોર્ટ પણ 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બંધ રહેશે.

અંબાણી પરિવારના પુત્રનું ‘અનમોલ’ નિવેદન

ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ મહારાષ્ટ્રમાં લગાવવામાં આવેલા મિની લોકડાઉન સામે સવાલો ઉભા કર્યા છે. અનમોલ અંબાણીએ કહ્યું કે, ‘નેતા રેલીઓ કરી રહ્યા છે અને અભિનેતાઓ શૂટિંગ કરી રહ્યા છે, ક્રિકેટરો રમી રહ્યા છે પરંતુ ધંધા રોજગાર માટે તમામ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ધંધા રોજગારને આવશ્યકની શ્રેણીમાં નથી રાખવામાં આવ્યા. આવશ્યકનો મતલબ શું છે ?’ ચાબુક આમ તો અનમોલભાઈની વાત ઘણા અંશે સાચી છે હો. તું ટીવીમાં જોતો હોઈશ પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામમાં ચૂંટણી પ્રચારમાં કેવી ભીડ ભેગી કરવામાં આવી રહી છે. જાણે આપણને લાગે કે અહીંયા તો કોરોના ડોકાતોય નહીં હોય.

આટલી વારમાં તો દાક્તરની ડિગ્રી મળી જાય

ચાબુક રાજકોટમાં એક નકલી દાક્તર પકડાયો. નામ છે એનું સંજય સોમપુરા. આજીડેમ ચોકડી પાસે આ નકલી દાક્તર દવાખાનું નાખીને બેઠો હતો. આ દાક્તર ત્રીજી વખત પકડાયો છે. આ પહેલાં તે આશરે સવા બે વર્ષ પહેલાં આજીડેમ પોલીસના હાથે પકડાયો હતો. ત્યારબાદ ગત નવેમ્બર માસમાં એસઓજીના હાથે પકડાયો અને હવે ત્રીજી વખત આજીડેમ પોલીસના હાથે પકડાય ગયો. આ ભાઈને દાક્તરી કરવાના એવા અભરખાં હતા કે જામીન પર છૂટીને પાછું દવાખાનું શરૂ કરતો. આટલી વારમાં તો ભણીએ સાચી ડિગ્રી આવી જાય ચાબુક.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments