Team Chabuk-Gujarat Desk: ઝડપની મજા ક્યારે સજા બની જાય કહેવાય નહીં. જોકે અકસ્માત, કલ્પાંત અને એક માતાના રૂદનનાં દૃશ્યોએ સમગ્ર જૂનાગઢને હિંબકે ચડાવ્યું છે. અકસ્માતની આ ગોઝારી ઘટના બની છે જૂનાગઢના ટ્રાફિકથી ધમધમતા એવા મોતીબાગ વિસ્તારમાં. જ્યાં એક બોલેરોની અડફેટે રિક્ષા આવી ગઈ હતી. રિક્ષામાં સવાર પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. માતાના કલ્પાંતે સમગ્ર વાતાવરણને ગમગીન કરી દીધું હતું. માતા પોતાના પુત્રના મૃતશરીરને વીંટળાઈને જે આક્રંદ કરી રહી હતી તે શબ્દોમાં વર્ણન કરવું તો ખૂબ જ મુશ્કેલ છે.
જૂનાગઢના ધોરી નસ સમા મોતીબાગ વિસ્તારમાંથી એક પીયાગો રિક્ષા જઈ રહી હતી. રીક્ષામાં સવાર હતા લાખીબહેન અરસીભાઈ અને તેમનો 23 વર્ષીય જુવાનજોધ પુત્ર. અચાનકથી બોલેરોની ટક્કરે રીક્ષાને હવામાં ફંગોળી દીધી. રીક્ષાનાં ફૂરચેફૂરચાં બોલી ગયાં. આ ટક્કરમાં રીક્ષા ચાલક ભનાભાઈ ઓડેદરા અને પેસેન્જર લાખીબહેન અને લાખીબહેનનો પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. માતાની નજર સામે પુત્રનું મૃત્યુ થતાં કરુણ દૃશ્યો સર્જાયા હતા.
આસપાસમાં રહેલા કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં લાખીબહેનનું કરુણ આક્રંદ પાષાણ હ્રદયના માનવીને પણ બે ઘડી રડતો કકડાવતો કરી દે તેવું હતું. જેને ઉછેર્યો, મોટો કર્યો અને હવે જેની પાસેથી અપેક્ષા હતી તેવા પોતાના વ્હાલસોયા પુત્રનું આમ એકાએક; એ પણ નજરની સન્મુખ મૃત્યુ થતાં માતાના કલ્પાંતને રોકવું આકરું થઈ ગયું હતું. ઘટના સ્થળે હાજર કેટલાક લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બે ઘડી માટે વાતાવરણ ગમગમીન થઈ ગયું હતું. આ દૃશ્ય જોનારાઓ ફફડી ઉઠ્યા હતા.
જોકે આ દુર્ઘટનામાં વાંક કોનો? આ સમગ્ર ઘટના અંગે લાખીબહેન અને રીક્ષા ચાલકના નિવેદન બાદ જ પોલીસ આગળની કાર્યવાહી કરશે. આ ઘટનાને જોનારા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બોલેરો બેફામ આવી રહ્યો હતો અને તેણે રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. જેમાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હાલ આ સમગ્ર ઘટનામાં જૂનાગઢનાં એ ડિવિઝન પોલીસ મથકે તપાસ શરૂ કરી દીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત