Homeગુર્જર નગરીકૃષ્ણ હોવું એટલે સદાયે વિવાદના એરણે હોવું' એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં...

કૃષ્ણ હોવું એટલે સદાયે વિવાદના એરણે હોવું’ એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય…

‘ક્ષિતિજ’ પાર્થ ગજેરા: કૃષ્ણનું જીવન જીવવાનો ખાલી વિચાર માત્ર જ આપણા સૌનાં રૂંવાડા ઉભા કરી દે છે. આપણે મન કૃષ્ણ એટલે લીલા. લીલા નથી તો કૃષ્ણ નથી. પણ, કૃષ્ણની લીલા અને ત્યાં સુધી કે કૃષ્ણની ગીતાને ય જો એમના જીવનમાંથી બાદ કરી દો તો પણ એમનું જીવન એટલું જ પ્રેરિત કરે છે.

કૃષ્ણ બનવું એટલે દુન્યવી મર્યાદાઓથી મુક્ત થઈને સ્વેચ્છાને મહેચ્છા બનાવી દેવા પૂરતું સીમિત નથી. કૃષ્ણ બનવું એટલે પળપળ સંઘર્ષરત રહેવું. જન્મ થતાની સાથે જ કાળ સાથે બાથ ભીડવી પડે છે. તમારા સ્વજનો જ તમારા જન્મને અવરોધવા આકાશપાતાળ એક કરી દે છે. જેલમાં જન્મવું, પોતાના જન્મદાતાઓને જન્મના પ્રહર બાદ જ ત્યાગી દેવા અને એક અલગ જ પ્રકારનું ગોવાળિયાનું જીવન શરૂ કરવું. લીલા તો અહીં પણ થઈ શકી હોત, આ કોઈ કષ્ટમાંથી પસાર થવાની જરૂર નહોતી એમને પણ મનુષ્યો વચ્ચે ઇશ બનીને રહેવાની પણ કોઈ આવશ્યકતા ત્યારે નહોતી લાગી. કૃષ્ણ પર આરોપ લાગે છે કે, જન્મ થતાં વેંત જ લીલાઓ શરૂ કરી દીધી, માનવીય મર્યાદાઓનું પાલન ના કર્યું એમણે કે જેમના પર આવનારા કળીયુગના માણસોને જીવન જીવવાની રાહ ચિંધવાની જવાબદારી છે. પણ, વિવાદિત બની રહેવું તેમણે સ્વીકાર્યું.

કૃષ્ણ બનવું એટલે પોતાની પ્રિયતમાના વિરહમાં પીડાવું. ઈશ્વર પર કોઈ આશિષ-શાપ સ્વીકારવાની ફરજ હોતી નથી. પણ, એમણે અલગ રહેવું સ્વીકાર્યું. માત્ર મૂર્તિઓમાં રાધાકૃષ્ણ સજોડે બની રહ્યા. જેમ રૂકમણીને ભગાડી છૂટ્યા એમ રાધાને કેમ નહીં?! પણ, એમણે વિવાદ સ્વીકાર્યો.

tatva-advertisement.

કૃષ્ણ બનવું એટલે અપમાનના ઘૂંટ હરપળ ગળે હસીને ઉતારવા. કૃષ્ણની આપણે કોઈપણ છબી તસવીર જોઈએ એટલે એમનું અલૌકિક હાસ્ય જોવા મળે. કોઈપણ ગંભીર પ્રસંગ કેમ ના હોય એમનું હાસ્ય આપણને મંત્રમુગ્ધ કર્યા વગર ન છોડે. પણ, એ હાસ્યએ કંઈ કેટલીયે ગુસ્સાની નિરાશાની લકીરો છૂપાવી રાખી એનો કોઈને સહેજેય આસાર નથી. પોતાના જ કૌટુંબિક ભાઈ શિશુપાલના સો અપમાનને પોતાના શિર પર ચડાવવા. હસ્તિનાપુરની સભામાં દૂત હોવા છતાંયે દુર્યોધનના કડવા વચનો સાંભળવા, તેની દુષ્ટતાનો ભોગ બનવું. મહાભારતનું યુદ્ધ ભ્રાતાઓ વચ્ચેના વિવાદની ઉપજ હોવા છતાં પોતે જ યુદ્ધનું નિમિત્ત હોવાની વાત સમયાંતરે સાંભળવી. પોતે કોઈ પણ ક્ષણે યુદ્ધ ખતમ કરી શકતા હતા પણ ના કર્યું એવા આરોપો લાગ્યા પણ તેમણે હસતા મુખે આ વિવાદ પણ ગળે લગાવી લીધો.

કૃષ્ણ બનવું એટલે પોતાની મહેનતને પોતાના સર્જનને પોતાની નાતને પળભરમાં વિનાશ થતી પામવી. પોતાની વસાવેલી દ્વારિકા, પોતાના બંધુઓ યાદવોને નષ્ટ થતા રોકવા એમના માટે ચપટીભરની વાત હતી. પણ, આ દુઃખ આ વિવાદ થવો એમણે સ્વીકાર્યો.

કૃષ્ણએ લીલા ક્યારેય પોતાના સુખ માટે ના બતાવી, એમણે સંસારનું દરેક દુઃખ પોતાના ગળે લગાવ્યું. વિવાદિત બની રહેવું એમણે સ્વીકાર્યું. સ્વાર્થી, દંભી કહેવડાવવું એમણે સ્વીકાર્યું. ૧૬૧૦૮ રાણીઓ હોવા છતાં રાધાના વિરહમાં પીડાવાનું સ્વીકાર્યું. લીલાઓ એમના જીવનનો ભાગ બની રહી તો દુઃખ અને એ દુઃખને હસતા મુખથી ઓઝલ કરી દેવાની યુક્તિઓ પણ એમના જીવનનો ભાગ બની રહી. કૃષ્ણને ગીતાસાર આપવાની પણ જરૂર નહોતી. કેમ કે, કૃષ્ણના જીવનના જો આ વણખેડાયેલ ભાગને જો સમજી શકાય હોત તો પણ માનવી ‘કર્મનો સિદ્ધાંત’ તો પામી જ જાત.

tatva-advertisement.

એટલે જ, કૃષ્ણ બનવું ક્યારેય સહેલું નહોતું અને ક્યારેય બનવાનું નથી. કેમ કે, કૃષ્ણ બનવા માટે અસાધારણ ધૈર્ય જોઈએ. લીલાઓ ક્યારે કરવી કરતા ક્યારે ન કરવી એની સમજ જોઈએ. બધું કરી શકતા હોવા છતાં કશું થવા ન દેવા માટે જીગર જોઈએ!!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments