Homeગુર્જર નગરીકચ્છના અંજારમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

કચ્છના અંજારમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા ખરાં વિસ્તારોમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે. મહાનગર અમદાવાદથી શરૂઆત કરીએ તો આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જોકે વરસાદની શરૂઆત બે વાગ્યાની આસપાસ થઈ હતી. શરૂઆતની ત્રણ મિનિટ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. ઝરમર છાંટા જ પડ્યા હતા.

ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો કચ્છના અંજારમાં 2 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એકધારો વરસાદ પડવાના કારણે અંજારના કેટલાક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘુસી જવાની સમસ્યા સામે આવી હતી. અંજારમાં ભારે વરસાદના કારણે ખેતરો તળાવમાં તબ્દિલ થઈ ગયા છે. જેથી ખેડૂતોને મોટાપાયે નુકસાન જશે તેની ભીતી સેવાઈ રહી છે. તો મેઘરાજાએ અંજારમાં વિરામ લેવાની જગ્યાએ બપોર બાદ પણ બાંયો ચડાવતા એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અંજારમાં આ રીતે કુલ પાંચ ઈંચ જેટલો વરસાદ એક જ દિવસમાં નોંધાયો હતો. પાંચ ઈંચ વરસાદના કારણે અંજારના રોડ તળાવમાં ફેરવાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સૌરાષ્ટ્રના રજવાડી શહેર ગોંડલમાં ભારે વરસાદને લીધે અંડર બ્રિજ અને બસ સ્ટેન્ડના ગીચ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી. આવી જ સ્થિતિનું સર્જન જૂનાગઢ જિલ્લાના મેંદરાડામાં પણ નિર્માણ પામ્યું હતું. તો જૂનાગઢની નજીક આવેલા દરિયાકાંઠાના વિસ્તાર માંગરોળમાં માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતા ધબધબાટી બોલાવી દીધી હતી. જૂનાગઢની આસપાસ આવેલા મોટાભાગના તાલુકાઓ અને ગામડાઓમાં વરસાદ પડ્યો હતો.

છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં પણ ભારે પવનની સાથે વરસાદ પડ્યો હતો. જેથી રહેણાંક વિસ્તાર અને બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગ્રાહકો અને દુકાનદારોને માલ સામાન વેચવામાં પણ તકલીફ ઊભી થઈ હતી. આજે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની અને વરસાદની શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments