Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ઊનાના કમરતોડ રસ્તાથી પ્રજા પરેશાન, ધારાસભ્યએ ખાડા પૂજન કરી નોંધાવ્યો...

ગીર સોમનાથઃ ઊનાના કમરતોડ રસ્તાથી પ્રજા પરેશાન, ધારાસભ્યએ ખાડા પૂજન કરી નોંધાવ્યો વિરોધ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી-નાળાઓ છલકાયા છે. જો કે, બીજી તરફ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે.

ગીર સોમનાથના ઊના તાલુકામાં કમર તોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય પૂંજા વંશ મોડે-મોડે પણ મેદાને ઉતર્યા. શહેરમાં શાક માર્કેટથી ત્રિકોણબાગ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. કેટલીક જગ્યાએ તો 2થી 2.5 ફૂટ જેટલા ઉંડા ખાડા પડ્યા છે. તો ત્રિકોણ બાગથી વડલા ચોક સુધીનો રસ્તો પણ ખરાબ હાલતમાં છે. જેના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઊનાના ધારાસભ્ય પૂંજા વંશે ખાડાનું પૂજન કરી વિરોધ નોંધાવ્યો હતો. પૂંજા વંશ કેટલાક કાર્યકર્તાઓ સાથે રસ્તા પર અબિલ-ગુલાલ લઈને નિકળ્યા હતા અને પાણીથી ભરેલા ખાડાઓમાં અબિલ-ગુલાલનો છંટકાવ કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. મહત્વનું છે કે, તાજેતરમાં જ વહેલી સવારએ આ રસ્તા પર એક રિક્ષા પલટી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ખાડાના કારણે જો કોઈ વ્યક્તિનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે ?

લાંબા સમયથી ઉનાનો મુખ્ય રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. ગત ચોમાસામાં પણ સ્થાનિકો ખૂબ પરેશાન થયા હતા. જો કે, આ વખતે તેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ છે. થોડો વરસાદ પડતાં જ શહેરના રસ્તા જાણે ગાડાવટ હોય તેવી અનુભૂતિ કરાવી રહ્યા છે. રસ્તા પર ખાડા અને કીચડનું સામ્રાજ્ય હોવાથી લોકોને સતત ભયના ઓથાર નીચે વાહનો ચલાવવા પડી રહ્યા છે.

મહત્વનું છે કે, હાલ ઉના નગરપાલિકામાં ભાજપનું શાસન છે. જ્યારે ઉના વિધાનસભા સીટ કોંગ્રેસના ફાળે છે. આમ ભાજપ-કોંગ્રેસની રાજકીય લડાઈ અને કૂટનીતિ વચ્ચે જનતા પીસાઈ રહી છે. ખરાબ રસ્તાના કારણે લોકોમાં પણ રોષ ફેલાયો છે અને શહેરના રસ્તાઓના સમારકામની માગણી કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. બપોર સુધીમાં ઊના તાલુકમાં કુલ 3 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. તો ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે મછૂન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગીર સોમનાથમાં 14-15 તારીખે અતિભારે વરસાદની આગાહીના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments