Team Chabuk-Gujarat Desk: મહેસાણામાં સગીર વયની પ્રેમિકાએ પોતાના પ્રેમીને જેલના સળીયા પાછળથી ભગાડીને આઝાદ કર્યો છે. વાત કંઇક એવી છે કે, એક સગીરા પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. જેથી તેના પરિવારજનોએ પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, વકીલ મારફતે પ્રેમી યુગલ પોલીસ સ્ટેશનમાં હાજર થયું હતું. ત્યારબાદ ફિલ્મી ડ્રામા સર્જાયો હતો.
મહેસાણા જિલ્લાના કડીમાં રહેતા યુવકને પોતાની શેરીમાં જ રહેતી સગીરા સાથે પ્રેમ થઇ ગયો હતો. થોડા સમય પહેલાં બંને પ્રેમી પંખીડા ભાગી ગયા હતા. આ મામલે સગીરાના પરિવાજનોએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ પ્રેમી પંખીડાની શોધખોળ કરી રહી હતી. આ વચ્ચે ફરાર થયેલા પ્રેમી પંખીડા વકીલ મારફતે નંદાસણ પોલીસ મથકે હાજર થયા હતા.
નંદાસણ પોલીસ મથકમાં હાજર થતા પોલીસે પ્રેમીની અટકાયત કરી લીધી હતી અને પ્રેમીને લોકઅપમાં પુરી દીધો હતો. જ્યારે પ્રેમિકાને લોકઅપની બહાર મહિલા જી.આર.ડી. પાસે રાખી હતી. આ દરમિયાન મધરાતે ત્રણ વાગ્યાના અરસામાં મહિલા જી.આર.ડી. અને પોલીસ કર્મચારીઓને ઉંઘ ચડી ગઈ હતી. ત્યારે પ્રેમીએ પ્રેમિકાને ડ્રોવરમાંથી ચાવી લઇને લોકઅપ ખોલવાનું કહ્યું હતું. જેથી પ્રેમિકાએ પ્રેમીના કહેવા મુજબ ડ્રોવરમાંથી ચાવી લઇને લોકઅપનું તાળુ ખોલી નાખ્યું હતું.
લોકઅપનું તાળુ ખોલી પ્રેમીને બહાર કાઢીને બંને ભાગ્યા હતા. જોકે, અવાજ થતાં પોલીસ સ્ટાફ જાગી ગયો હતો. જેથી પ્રેમી દોટ મૂકી પોલીસ સ્ટેશનની દીવાલ કૂદી ફરાર થવામાં સફળ થયો હતો. જ્યારે પ્રેમિકા ભાગે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધી હતી. પોલીસે ગતરાતથી પ્રેમીની શોધખોળ હાથ ધરી છે. જોકે હજું પ્રેમી મળ્યો નછી. આ મામલે નંદાસણ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ નિકિતાબેને પ્રેમી-પ્રેમિકા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ