Homeગુર્જર નગરીતૌકતે આવશે કે નહીં ? સરકાર સતર્ક, મંત્રીઓને વિવિધ જિલ્લામાં તાત્કાલિક પહોંચી...

તૌકતે આવશે કે નહીં ? સરકાર સતર્ક, મંત્રીઓને વિવિધ જિલ્લામાં તાત્કાલિક પહોંચી જવા સૂચના

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ સંબંધિત જિલ્લાઓએ કરેલી વ્યવસ્થાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ  અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ  કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવો પંકજ કુમાર અને એમ. કે દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, રાહત કમિશનર હર્ષદ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

ઝીરો કેઝ્યુઆલિટી કોન્સેપ્ટ

મુખ્યમંત્રીએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યસરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંન્ટ્રોલ રૂમમાંથી ભારતીય હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતમાં આ સંભવિત વાવાઝોડાની મુવમેન્ટ પર નજર રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ ‘ઝીરો’ કેઝ્યુઆલિટીના કોન્સેપ્ટ સાથે રાજ્યમાં સંભવિત વાવાઝોડાથી એકપણ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા જિલ્લા વહીવટીતંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

વિજય રૂપાણીએ કહ્યું કે, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં આ સંભવિત વાવાઝોડાની અસર થશે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સમગ્ર વહીવટીતંત્ર સાબદુ થઈ ગયુ છે અને તેમણે પોતે આ જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાત કરીને તેમના જિલ્લાની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની વિગતો મેળવી છે.

કોરોના દર્દીઓને વિક્ષેપ ન પહોંચે તે માટે વ્યવસ્થા

કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ આપી છે. એટલું જ નહી ગમે તે સંજોગોમાં ઓક્સિજનનો પુરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ સતત જળવાઇ રહે તે માટે આ જિલ્લાના કલેક્ટરોને તાકીદ કરી છે” તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે, કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ દર્દીઓ અને સંક્રમિતોને સારવાર મળી રહે તેમાં કોઇ રૂકાવટ ન થાય સાથોસાથ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિનો પણ આપણે મક્કમતાથી સામનો કરી શકીએ તેવું આયોજન આપણે કર્યું છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની તમામ હોસ્પિટલોમાં ડી.જી. સેટ તૈયાર રાખવાની સૂચનાઓ આપી છે જેથી વીજપુરવઠો ખોરવાય તો પણ કોવિડ-૧૯ના દર્દીઓને સારવારમાં કોઇ તકલીફ પડે નહી. વિજય રૂપાણીએ એમ પણ ઉમેર્યું કે, ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ સુરક્ષિત રહે અને જરૂરી જણાય તો તેમને નજીકના જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે તેવું નક્કી કર્યું છે.

કેન્દ્ર સરકાર તરફથી મળી મદદ

એડવાન્સ લાઇફ સર્પોટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ અને ICU એમ્બ્યુલન્સ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શિફ્ટ કરીને જામનગર, રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી આ સંભવિત વાવાઝોડાની આફતના સંદર્ભમાં ગુજરાતની સતત ચિંતા કરીને મદદરૂપ થયા છે અને ભારત સરકારે ફાળવેલી NDRFની ૨૪ ટીમ રાજ્યના દરિયાકિનારાના જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ ૬ ટીમ કાર્યરત કરી દેવાઇ છે ઉપરાંત BSF, પોલીસ, ફાયરબ્રિગેડને પણ સતર્ક અને સજ્જ કરી દેવાયા છે.

મંત્રીઓને વિવિધ જિલ્લાની જવાબદારી

રાજ્યમંત્રી મંડળના મંત્રીઓને વિશેષ જવાબદારીઓ સોંપીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાતંત્રને માર્ગદર્શન આપવા માટે તાત્કાલિક અસરથી તેમને ફાળવાયેલા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે અને પરિસ્થિતિ પૂર્વવત થાય ત્યાં સુધી જિલ્લાતંત્રનું માર્ગદર્શન કરવા જણાવાયું છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

તદ્દઅનુસાર, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગીરસોમનાથ, જયેશ રાદડિયા પોરબંદર, જવાહર ચાવડા જૂનાગઢ, દિલીપ ઠાકોર અને વાસણ આહિર કચ્છ, ધર્મેન્દ્રસિંહ જાડેજા દેવભૂમિ દ્વારકા, કુંવરજી બાવળીયા અમરેલી, ગણપત વસાવા અને વિભાવરીબેન દવે ભાવનગર, સૌરભ પટેલ રાજકોટ, યોગેશ પટેલ મોરબી, આર. સી. ફળદુ જામનગર, કુમાર કાનાણી સુરત, રમણ પાટકર વલસાડ, ઇશ્વર પરમાર નવસારી અને ઇશ્વરસિંહ પટેલને ભરૂચ તાત્કાલિક અસરથી પહોંચી જવા સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રીએ વિવિધ બાબતોની સમીક્ષા કરતા જણાવ્યું કે, દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોને પરત આવવા ફીશરીઝ વિભાગ અને જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં અગરીયાઓ અને સાગરખેડુઓને દરિયામાંથી જમીન-લેન્ડ પર લઈ લેવા દરિયાકાંઠાના જિલ્લાઓનું વહીવટીતંત્ર કાર્યરત થયું છે.

ભારે પવન અને વાવાઝોડાની અસરના કારણે દરેક સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં બારી, બારણાં, કાચ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરને નુકસાન ન પહોંચે તે રીતે વિન્ડ પ્રૂફિંગ કરવાની સૂચના આપી છે. ઊંચી ઇમારતોના થઈ રહેલા બાંધકામ તેમજ ભયજનક હોડિંગ્સ ભારે પવનને કારણે પડી ન જાય તે માટે સૌરાષ્ટ્રની તમામ મ્યુનિસિપાલીટીના ઇજનેરોને ધ્યાન રાખવા સૂચવ્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કોમ્યુનિકેશન નેટવર્ક, રોડ-રસ્તા અને વીજપુરવઠો સતત જળવાઇ રહે અને આ સંભવિત વાવાઝોડામાં વૃક્ષો પડી જવાથી કે અન્ય રીતે તેને અસર થાય તો તે ઝડપથી પૂર્વવત કરી શકાય તથા ઓક્સિજન સહિતના અન્ય જરૂરી પુરવઠાના સપ્લાયમાં વિક્ષેપ ન પડે તે માટે માર્ગ અને મકાન, વન વિભાગને તાકીદ કરીને દરેક જિલ્લામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જે રીતે આ સંભવિત વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેને પગલે જો ભારે પવન સાથે વાવાઝોડું આવે તો સમગ્ર વહીવટીતંત્ર તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે સજ્જ રહે તેને ધ્યાનમાં રાખીને આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં રિવ્યૂ કરવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments