Homeગુર્જર નગરીપ્રિ-મોન્સૂનમાં જ મેઘરાજાની સટાસટી, આ વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

પ્રિ-મોન્સૂનમાં જ મેઘરાજાની સટાસટી, આ વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

Team Chabuk-Gujarat-Desk: ગુજરાતમાં ગઈકાલે પ્રિ-મોન્સૂનની કરવામાં આવેલી હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે ઝાપટા પડ્યા હતા. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા પડવાના કારણે ભારે ઉકળાટમાંથી લોકોને મુક્તિ મળી હતી. પ્રથમ વરસાદની હેલીનો આનંદ માણવા માટે બાળકોએ ફળિયામાં સ્નાન કર્યું હતું અને મેઘરાજાના વધામણા કર્યા હતા.

24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ

માત્ર પ્રિ-મોન્સૂનમાં જ મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી. 24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સર્વાધિક બનાસકાંઠાના દાંતામાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો સાબરકાંઠાના વડાલી અને પોશીનામાં 1 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. મહીસાગરના બાલાસિનોરમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પંચમહાલ શહેરમાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ તો પંચમહાલના જ અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ છૂટછવાયા આશિર્વાદ આપ્યા હતા.

ખેડૂતોને નુકસાની

જોકે પહેલા વરસાદના કારણે જનતાને ભલે હાશકારો થયો હોય પણ ખેડૂતો માથે મુસીબત આવી પડી છે. ખેડૂતોને વરસાદ આવી પડતા નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેના કારણે શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો. ઉપરથી ખેતરમાં જ વીજપોલ ધરાશાયી થવાના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.

અરવલ્લીમાં પવન સાથે વરસાદ ખાબક્યો

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટીવિટીની શરૂઆત થતાંની સાથે જ અરવલ્લીમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ પડ્યો હતો. અરવલ્લીની આસપાસ આવેલા મોડાસા અને માલપુર તાલુકામાં પણ મેઘરાજાની ઝાંખી થઈ હતી. શામળાજી, ઈસરોલ, ભિલોડામાં પણ વરસાદના કારણે ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. જોકે બાદમાં તડકો નીકળતા બફારાનો સામનો પણ કરવો પડ્યો હતો.

ભરૂચમાં ઠંડક પ્રસરી ગઈ

તો ભરૂચમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ પડવાની શરૂઆત થતા વાતાવરણમાં ઠંક પ્રસરી ગઈ હતી. હાલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ગુજરાતના મોટાભાગના શહેરોમાં યથાયોગ્ય રીતે આગળ વધતા ચોમાસુ સમયસર રહેશે.

હવામાન વિભાગની આગાહી

જોકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ સામાન્ય વરસાદ રહેશે. જણાવી દઈએ કે આજથી કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આ કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થતાં ગુજરાતના શહેરોમાં વરસાદી વાતાવરણ રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments