Homeવિશેષએક નવી સાઇકલ - સંજય વાજા

એક નવી સાઇકલ – સંજય વાજા

સંજય વાજા: બપોરનો સમય હતો. ધોમધખતા તાપમાં એક દસથી બાર વર્ષનો છોકરો હાથમાં ટિફિન લઈને ચાલતો ચાલતો જતો હતો. તેની નજીકથી એક સાઇકલવાળો ભાઈ પસાર થયો. આ સમયે બાળકની આંખો બંધ હતી. બાળકને જાણ ન હતી કે કોઈ તેની નજીક પહોંચી ગયું છે. તે મનમાં કંઈક ગણગણી રહ્યો હતો. તેના ફફડતા હોઠમાંથી નીકળતા શબ્દોમાં  પેલા સાઇકલવાળાનાં કાને પડી રહ્યા હતા. તેને સાઈકલ…. સાઈકલ… એવું સમજાઈ રહ્યું હતું. બાકીના શબ્દો સ્પષ્ટ સંભળાઈ રહ્યાં ન હતાં.

બાળકથી થોડા આગળ જઈને તે વ્યક્તિએ સાઇકલની ટંકોરી વગાડી. બાળકે આંખ ખોલી તો તેની આંખો પહોંળી થઈ ગઈ. સાઇકલ પર જે વ્યક્તિ હતા તે તેના પિતા જ હતા. જેના માટે તે રોજ ટિફિન લઈને જતો હતો. આજે પણ તેના પિતાને ટિફિન આપવા માટે જ તે નીકળ્યો હતો અને એની રસ્તા વચ્ચે જ ભેટ થઈ ગઈ.

પિતાએ કહ્યું, ‘આમ આંખો બંધ કરીને ચાલીશ તો તું પડી જઈશ, ઉપરથી ટિફિન પણ ઢોળાઈ જશે.’

બાળકે કહ્યું, ‘મને હવે ટેવ પડી ગઈ છે. રોજ આ સુરજ સાથે વાતો કરતો કરતો હું તમારી પાસે આવી જ રીતે આવું છુ.’ પિતાએ બાળકને સાઇકલમાં બેસાડ્યો અને પ્રેમથી પૂછ્યું, ‘વાહ તું સુરજ સાથે વાતો કરે છે ?’

બાળકે કહ્યું, ‘હા, હું સુરજ સાથે વાતો કરું છું અને એના પર ગુસ્સો પણ કરું છું કે મારા જવાના સમયે તારે વાદળોની પાછળ છુપાઈ જવાનું મને બહુ તડકો લાગે છે, પણ એ મારું ક્યારેય માનતો નથી. પછી સુરજ સાથે વાતો કરું છું કે, તારે ઠંડુ ન થવું હોય તો કંઈ નહીં પરંતુ મને એક સાઇકલ અપાવી દે. ત્યારબાદ હું આંખ બંધ કરું છું અને સાઇકલ ચલાવતો હોય તેવી રીતે સાઇકલ સાઇકલ બોલતો બોલતો આગળ ચાલ્યે રાખુ છું.’

પિતા અને પુત્ર વચ્ચે આગળ પણ સંવાદ ચાલુ રહ્યો. બાળકે કહ્યું, ‘પપ્પા, એક દિવસ તો એવો આવશે જ કે હું મારી પોતાની સાઇકલ લઈશ. એમાં આગળ ટિફિન ભરાવીને તમને આપવા માટે આવીશ. પછી આ સુરજડો મારું કંઈ નહીં બગાડી શકે. હું ફટાફટ તમને ટિફિન દઈ પાછો ઘરે ચાલ્યો જઈશ.’

બપોરનો સમય પસાર થઈ ગયો. રાત પણ પડી ગઈ. રાત્રે પણ જમીને પોતાના કાચા મકાનમાં આ પરિવાર ઉંઘી ગયો. મમ્મી અને બાળક ઘસઘસાટ ઉંઘી ગયા હતા પરંતુ પિતાને પુત્ર સાથે બપોરે કરેલો સંવાદ યાદ આવી રહ્યો હતો. એમને ઉંઘ નહોતી આવતી. એ પડખા પર પડખા ફરી રહ્યા હતા.

બીજા દિવસે સવારે તેઓ સાઇકલની દુકાને પહોંચ્યા અને સાઇકલ ખરીદી લીધી. બાળકના સ્કૂલેથી ઘરે આવવાનો સમય થયો ત્યારે સાઇકલ ઘરની બરાબર સામે મુકી દીધી. બાળક જ્યારે સ્કૂલેથી ઘરે પરત ફર્યો ત્યારે તેની નજર એ સાઇકલ તરફ ગઈ. દફતર ફેંકીને તે સાઇકલ તરફ દોડ્યો. સાઇકલને ચારે તરફથી જોઈ. વ્હીલ, પેડલ, સાઇકલનો રંગ અને સાઇકલ પર લાગેલા રેડિયમના વખાણ કર્યા. એ તો નવીનક્કોર સાઇકલ જોઈને આભો થઈ ગયો.

સાઇકલ જોઈને બાળકની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. બીજી તરફ બાળકને જોઈને તેના મમ્પી-પપ્પા પણ આંસુ રોકી ન શક્યા. બાળક તેના મમ્પી-પપ્પાને ભેટી પડ્યું, ‘થેક્યું. હવે મારે સુરજ સાથે રોજ લડવું નહીં પડે.’

સાઇકલ દોરીને તે તેના પિતાની સાઇકલની બાજુમાં મૂકવા માટે ગયો, પણ ત્યાં તેને પિતાની સાઇકલ ક્યાંય ન દેખાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments