Team Chabuk-National Desk: ગોરખપૂરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પરશુરામ શુક્લાના દોઢ વર્ષના પુત્ર અને તેમની માતાની ઠંડા કલેજે હત્યા નીપજાવી નાખતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ હુમલામાં ભાજપના નેતાની દસ વર્ષીય પુત્રી અને તેમની પત્નીની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. હુમલાખોરોએ પરિવારના ચારે સભ્યો ઉપર પાવડાથી હુમલો કર્યો હતો.
આ ઘટના બની છે ગોરખપૂરના હરપુર-બુદહટ પોલીસ વિસ્તારના તેનુઆ ગામમાં, જ્યાં મંગળવારે 27 જુલાઈની રાત્રે 7થી 8 વાગ્યાની વચ્ચે, ભાજપ કિસાન મોર્ચાના જિલ્લા કાર્યકારિણી સભ્ય પરશુરામ શુક્લાના ઘર પર સીતારામ શુક્લા અને તેમના પરિવારના લોકોએ હુમલો કર્યો હતો. આ ઘટના જ્યારે બની ત્યારે પરશુરામ શુક્લા લુધિયાણામાં હાજર હતા.
મંગળવારના બપોરે પોલીસ આઈજીઆરએસ પોર્ટલની ફરિયાદની તપાસ અને પૂછતાછ માટે સીતારામ શુક્લાના પરિવાર પાસે આવી હતી. પોલીસના આવ્યા પછી રાતના સાત વાગ્યાની આસપાસ સીતારામ ઓટો ચલાવીને પરત ફરી રહ્યો હતો ત્યારે પરિવારના લોકોએ આ વાતની જાણકારી સીતારામને આપી હતી. જે પછી તેના માથે પ્રતિશોધ સવાર થઈ ગયો હતો.
સીતારામ અને તેના પરિવારજનોએ પાવડો લઈ ભાજપ ખેડૂત મોર્ચા જિલ્લા કમિટીના સભ્ય અને પોતાના દૂરનાં ભાઈ પરશુરામ શુક્લાના ઘર પર હુમલો કરી દીધો હતો. ત્યાં તેણે રાક્ષસની જેમ પરશુરામ શુક્લાની સિત્તેર વર્ષીય માતા વિમલા દેવી અને તેના દોઢ વર્ષના પુત્ર રોનકની પાવડો જોરથી માથામાં અને ડોકના ભાગે મારી ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. બેઉંને બચાવવા માટે વચ્ચે પડેલી પરશુરામની પત્ની સુષ્મા શુક્લા અને તેની દસ વર્ષીય પુત્રી પર પણ હુમલાખોરોએ પાવડા દ્વારા હુમલો કર્યો હતો. જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. હત્યાને અંજામ આપ્યા બાદ સીતારામના પરિવારજનો ફરાર થઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળ્યા બાદ ગોરખપૂરના એસએસપી દિનેશ કુમાર પ્રભુ, એસપી નોર્થ મનોજ અવસ્થી, એસપી સાઉથ એકે સિંહ, ક્ષેત્રાધિકારી ખજની ઈંદુપ્રભા સિંહ અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગામમાં પહોંચી ગયો હતો. પોલીસે આ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ગામમાં તણાવનો માહોલ જોતા પોલીસની એક ટૂકડીને રાખવામાં આવી છે.
એસપી એકે સિંહે જણાવ્યું હતું કે, પરશુરામ લુધિયાણામાં છે. તેમણે ઈમેલ દ્વારા ફરિયાદ મોકલી હતી જે પછી ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સિવાય પોલીસ સ્ટેશન હરપુર-બુદહટ સિકરીગંજ, બેલઘાટ, ખજની, શાહપુર કેટ અને રામગઢતાલમાં પોલીસે આરોપીઓને પકડવા ચાંપતી નજર રાખી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત