Homeગુર્જર નગરીવેરાવળ: બાજુમાં જૂની બિલ્ડીંગ પાડી નવી બનાવવા 15 ફૂટ ઊંડો ખાડો ખોદતા...

વેરાવળ: બાજુમાં જૂની બિલ્ડીંગ પાડી નવી બનાવવા 15 ફૂટ ઊંડો ખાડો ખોદતા નજીકનું મકાન જમીનદોસ્ત

Team Chabuk-Gujarat Desk: વેરાવળમાં મકાન ધરાશાયી થવાની એક ઘટનાએ કૌતુકની સાથે સાથે ચિંતા ઉત્પન્ન કરી છે. કૌતુક એટલા માટે કે નહોતો ભૂકંપ આવ્યો કે નહોતી કોઈ મોટી કુદરતી વિપદા તૂટી પડી. બીજી બાજુ મકાન પડી જવાના કારણે બે ઘરના કુલ બાર સભ્યો બેઘર બન્યા છે. તેમનો બધો માલ કાટમાળની નીચે દબાઈ ગયો છે. આ ઘટના એક બાજુના મકાનના કારણે બની હતી. જ્યાં જૂનું મકાન પાડી નવું મકાન બનાવવાનું કાર્ય ચાલતું હતું.

સમગ્ર ઘટના જ્યાં આકાર પામી છે તે વિસ્તારમાં વેરાવળની ધાણીશેરી જૂની સેલટેક્સવાળી ગલી શ્યામ ઓફસેટ પ્રિન્ટીંગ પ્રેસ આવેલ છે. આ ઈમારતને પાડી નવી ઈમારત બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આક્ષેપ છે કે, કોઈ પણ પ્રકારની મંજૂરી વગર 10થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં તો કંઈ ન થયું પણ રવિવારના રોજ બાજુમાં આવેલું મકાન ધીમે ધીમે પિત્ઝાના ઢળતા ટાવરની જેમ નમવા લાગ્યું.

મકાનને ઓચિંતુ નમતા જોઈ ભયભીત પરિવારના લોકો ઝડપથીબહાર નીકળી ગયા અને તેમનું મકાન અંદરના અસબાબની સાથે જમીનદોસ્ત થઈ ગયું. ઘરના લોકો બહાર નીકળી જતા અને એ સમયે આસપાસ કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ધરાશાયી થયેલું આ મકાન બાબુભાઈ ભીખાભાઈ માલમડી અને વિજયભાઈ માલમડીનું છે. બંને પરિવારોના કુલ બાર સભ્યો અહીં રહેતા હતા. આ અંગે તેમણે પોલીસમાં પણ અરજી આપી છે. આ પરિવારની બધી અસક્યામત કાટમાળની નીચે દબાઈ ગઈ છે. તેઓ કહી રહ્યા છે કે, નગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના આ ખાડો ખોદવામાં આવ્યો છે.

એક મકાન પડવાથી આસપાસના મકાનોને પણ આછું પાતળું નુકસાન થયું છે. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા અડકીને આવેલા અન્ય મકાનમાં રહેતા લોકોને પણ મકાન ખાલી કરવાનું કહ્યું છે. આ સમયે જવાબદાર અધિકારી આટલી મોટી દુર્ઘટના ઘટી તેમાં ત્યાં હાજરી ન પૂરવતા લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે. શહેરમાં બીજા પણ કેટલાક જર્જરીત મકાનો આવેલા છે. જેની જવાબદારી તંત્રની હોવા છતાં તે કાંઈ ન કરતું હોવાના આક્ષેપો અવારનવાર થતાં રહે છે. વણબોલાવ્યે અતિથી બની જતા આવા અકસ્માત થતા પહેલા તંત્ર જવાબદારી લેતું ન હોવાથી વારંવાર લોકોનો રોષ ફાટી નીકળે છે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments