Homeગુર્જર નગરીસુરતઃ એન્ડવેન્ચર ટૂર પર ગયેલા 6 મિત્રો તાપીમાં ન્હાવા પડ્યા અને એક...

સુરતઃ એન્ડવેન્ચર ટૂર પર ગયેલા 6 મિત્રો તાપીમાં ન્હાવા પડ્યા અને એક બીજાની નજર સામે જ ડૂબવા લાગ્યા

Team Chabuk-Gujarat Desk: સુરતના બારડોલીમાં તાપી નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે જ્યારે બીજો યુવક લાપતા છે. કુલ 6 મિત્રો એડવેન્ચર ટૂર પર નીકળ્યા હતા અને તાપીમાં નાહવા પડ્યા હતા. નદીમાં ન્હાવા પડેલા આ યુવકો એક બીજાની નજર સામે જ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ પણ યુવકોને ડૂબતા જોયા. જો કે, કમનસીબે તરવૈયાઓ બે યુવકોને બચાવી શક્યા ન હતા. ધસમસતા પાણીમાં બંને યુવાનો ક્યારે તણાવા લાગ્યા તે તરવૈયાઓ પણ સમજી શક્યા ન હતા. જોત જોતામાં બધાની નજરની સામે જ બંને યુવાનોને તાપીએ સમાવી લીધા હતા.

તાપી નદીની ઉંડાઈ કે તેના વહેણનો અંદાજો લગાવ્યા વગર જ 6 મિત્રો એડવેન્ચર માટે નીકળ્યા હતા. એડવેન્ચર પર નીકળેલા આ તમામ યુવાનો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે, સદનસીબે અન્ય ચાર યુવકોનો આબાદ બચાવ થયો છે. બીજી તરફ તેમના બે મિત્રોને એડવેન્ચર ટૂરમાં પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ સુરતના જ પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા યુવક પ્રવીણનું નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. જ્યારે પર્વત પાટિયા પાસે જ રહેતો તેનો મિત્ર પિયૂષ ગહેલોત લાપતા છે.

બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ અને બારલોડી મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને તરવૈયાઓની મદદથી લાપતા પિયૂષની શોધખોળ શરૂ કરી હતી.

સુરતમાં કેટલાય એવા સ્થળો છે જ્યાં તાપી નદીનો કિનાર લોકો માટે હરવા-ફરવાનું સ્થળ બન્યો છે. પરંતુ સાવચેતી ન રાખનાર અને બેદરકારીથી ફરનારા લોકો અહીં પોતાના જીવ જોખમમાં નાખતાં જોવા મળે છે. આવી જ બેદરકારીનું પરિણામ પોતાની સાથે પરિવારને પણ ભોગવવાનો વારો આવે છે. આ દુઃખદ કિસ્સો એવા લોકો માટે દાખલારૂપ છે જેઓ પ્રવાસન સ્થળો પર જોખમ લે છે.  હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે એટલે ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ ક્યારે વધી જાય તેનો અંદાજો લગાવી શકાતો નથી. તંત્ર પણ વારંવાર આ અંગે સૂચના આપે છે જો કે, કેટલાક લોકો તેને પણ અવગણતા હોય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments