Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં જન્મદિન નિમિતે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત આજે સવારે ૧૧ કલાકે પોરબંદર જિલ્લામાં જુદા-જુદા ૭ સ્થળોએ ૫ હજાર જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-૨ હેઠળ મહાનુભાવોનાં હસ્તે ગેસકીટ વિતરણ કરાશે. મુખ્યમંત્રીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે પોરબંદર જિલ્લાનાં લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસકીટ વિતરણ, મુખ્યમંત્રી બાલ સહાય યોજના, સ્વચ્છ ભારત-ફેઝ-૨ સાથે સંકળાયેલ વિવિધ લાભોનું વિતરણ તથા ૧૦૦ ટકા વેકસીનેશન પુર્ણ કરનાર ગામોના સરપંચોનુ સન્માન કરવામાં આવશે. પોરબંદર જીલ્લાકક્ષાનો કાર્યક્રમ બિરલા હોલ ખાતે સાંસદ રમેશભાઇ ઘડુક તથા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિમાં યોજાશે.
પોરબંદર જિલ્લાના ઘરોને કેરોસીન મુક્ત અને ઘરે ઘરે ગેસનાં કનેક્શન અભિયાન હેઠળ આવતીકાલે ૫ હજાર જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસકીટ વિતરણ કરવામાં આવશે. તથા બાલ સહાય યોજના હેઠળ કોરોના કાળમા માતા પિતા ગુમાવનાર બાળકોને સહાય વિતરણ, સ્વચ્છ ભારત-ફેઝ-૨ સાથે સંકળાયેલ વિવિધ લાભોનું વિતરણ તથા ૧૦૦ ટકા વેકસીનેશન પુર્ણ કરનાર ગામોના સરપંચોનુ સન્માન કરવામાં આવશે.
વડોદરામાં 400થી વધુ સ્થળોએ
સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં ૪૦૦થી વધુ સ્થળોએ “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમોનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં કલેકટર આર.બી. બારડના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ પ્રજાહિત કલ્યાણલક્ષી યોજનાઓના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. કલેકટર બારડે જણાવ્યું કે, વડાપ્રધાનના જન્મ દિવસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦, સ્વચ્છ ભારત મિશન, ૧૦૦ ટકા વેકસીન થયેલ ગામના સરપંચઓનું સન્માન સહિત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે.
તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રીના જન્મ દિવસની સાર્થક ઉજવણી માટે વડોદરા મહાનગર પાલિકા વિસ્તારમાં ૨, નગર પાલિકા વિસ્તાર દીઠ એક એમ કુલ ચાર અને આઠ તાલુકા દીઠ એક સહિત કુલ ૧૪ જનહિતકારી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના અસરકારક અને સુચારૂ અમલ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.
કલેકટરએ જણાવ્યું કે, વડોદરા શહેર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૫૬૦ લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કીટ તેમજ લાભાર્થીઓને ગેસ કનેકશનના સબસ્ક્રીપ્શન વાઉચરનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર લાભાર્થીઓ ગેસ જોડાણ મેળવી શકશે. અગાઉ વડોદરા શહેર જિલ્લામાં આ યોજના હેઠળ ૭૭ હજાર ગેસ જોડાણ પૂરાં પાડવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ ગામડાઓમાં સામુદાયીક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ (શોષ ખાડો) અગાઉ બનેલ અને રીપેર કરી શકાય તેવા શૌચાલયોનું સમારકામ, નવા શૌચાલય બનાવવા માટેના હુકમોનું પણ વિતરણ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, વડોદરા જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા રસીકરણ થયેલ હોય એવા ૧૭૦ ગામોના સરપંચોનું બહુમાન કરવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રીના જન્મ દિને વડોદરા જિલ્લામાં મહા રસીકરણ અભિયાન હેઠળ ૪૯ હજાર નાગરિકોનું એક જ દિવસે રસીકરણ કરવામાં આવશે. આ માટેની તમામ પૂર્વ તૈયારીઓ આરોગ્ય તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.
વડોદરા શહેર જિલ્લામાં કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર ૫૧ જેટલા અનાથ બાળકોને મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ દર માસે ચાર હજાર રૂપિયા આપવાની યોજના અમલમાં છે. આ તમામ બાળકોના બેંક ખાતામાં સીધે સીધા રૂ.૨.૦૪ લાખ ડી.બી.ટી. મારફત જમા કરાવવામાં આવશે. આ ઉપરાંત કોરોનામાં જે બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા છે તેવા ૫૩૧ બાળકોને રૂ.૨,૦૦૦ લેખે કુલ રૂ.૧૦.૬૨ લાખની રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે. પ્રધાનમંત્રીના જન્મ દિને તમામ ૧૪ કાર્યક્રમમાં ૭૦ બાળકોને સહાય મંજૂરીના હુકમોનું વિતરણ કરવામાં આવશે, તેમ આર.બી. બારડે ઉમેર્યુ હતુ.
વડોદરામાં મહારસીકરણ અભિયાન
મહા રસીકરણ અભિયાન સંદર્ભે માહિતી આપતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવતે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મ દિવસના ઉપલક્ષ્યમાં વડોદરા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ૪૫૦ જેટલા કેન્દ્રો પર રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માટે જે નાગરિકોને કોરોના પ્રતિરોધી રસીનો એક પણ ડોઝ ન લીધો તેઓ રસી લઈને કોરોના મુક્ત થવાની દિશામાં સહયોગ આપે. તેઓ અનુરોધ કરતા ડો. ટિલાવતે ઉમેર્યુ કે, જે લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો હોય, અને બીજા ડોઝ લેવા માટે મુદત થઈ ગઇ હોય, તેવા નાગરિકો પણ રસીનો બીજો ડોઝ લઈ શકશે, રસીકરણ અભિયાનમાં નાગરિકોને જોડાઇને કોરોનાને દેશવટો આપવાની દિશામાં આગળ વધી શકાય, તે માટે સહકાર આપવા ડો. ટીલાવતે અનુરોધ કર્યો છે.
પાટણમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મૅગા વેક્સિનેશન કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સામે રસીકરણ જ અમોઘ શસ્ત્ર છે ત્યારે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા વેક્સિનેશનને વેગ આપવા ૧૮ વર્ષથી વધુ ઉમર ધરાવતા નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી લેવા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, કોરોના મહામારીથી સુરક્ષિત રહેવા માટે આપણા જિલ્લામાં લગભગ છેલ્લા પાંચ મહિનાથી રસીકરણ કાર્યક્રમ ચાલુ છે. પરંતુ અત્યાર સુધી પાટણ જિલ્લામાં ૦૩ લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો નથી જ્યારે આશરે ૮૦ હજાર લોકોએ રસીના બીજા ડોઝથી વંચિત છે. આ ૦૪ લાખ લોકોને આવરી લેવા માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું છે. મારો આ ૦૪ લાખ લોકોને અનુરોધ છે કે પહેલો અને બીજો ડોઝ લઈને આપણે તથા આપણા પરિવારને કોરોનાથી સુરક્ષિત રાખીએ અને કોરોના મહામારી સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત