Homeદે ઘુમા કેઅલ્ટિમેટ વોરિયર ચેતેશ્વર પુજારા : જેણે 14 વર્ષની ઉંમરમાં ટ્રીપલ સેન્ચુરી ફટકારી...

અલ્ટિમેટ વોરિયર ચેતેશ્વર પુજારા : જેણે 14 વર્ષની ઉંમરમાં ટ્રીપલ સેન્ચુરી ફટકારી હતી

Team Chabuk-Sports Desk : એમ.એસ ધોની ધ અન્ટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં એક સંવાદ છે. બિહારીઓને સ્પોર્ટ્સની જગ્યાએ રાજકારણમાં વધારે રસ છે. ગુજરાત માટે કહી શકાય કે પૈસો એ પરમેશ્વર. આપણે ક્રિકેટ રમીએ છીએ રમવા ખાતર. તેને પ્રોફેશન સાથે જોડી નથી શકતા. આનંદની પ્રાપ્તિ માટે આપણે ક્રિકેટ રમીએ છીએ. ઉંમર થાય એટલે ફક્ત ક્રિકેટ જોઈએ છીએ.

ભારત 130 કરોડ ઉપરની વસતિ ધરાવતો દેશ તેમાં અગિયાર ખેલાડી રમતા હોય અને એ અગિયારમાં તમે પણ હો તો તેને નસીબ ગણવું કે મહેનત. જે એકબીજાના પૂરક છે. ગુજરાતમાંથી ક્રિકેટરો પાક્યા છે. ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજા ગુજરાતની ક્રિકેટ ધરોહર છે. ગુજરાતમાંથી અગણિત ક્રિકેટરો પાક્યા. રણજી રમ્યા અને વિદાય લીધી. આજે પણ ચાર ખેલાડીઓ આંતરાષ્ટ્રીય કક્ષાએ રમી રહ્યા છે. પુજારા અને જાડેજા સિવાય હાર્દિક પંડ્યા અને બુમરાહ. જાડેજા અને પુજારા એટલે પણ ગમે કારણ કે એ ગુજરાતની સંત, સૂરાની ધરતી કાઠિયાવાડમાંથી આવે છે.

પુજારા એ બધાથી અલગ છે. તેની આઈપીએલમાં બોલી નથી લાગતી, કારણ કે તે જેન્ટલમેન ગેમ અર્થાત્ ટેસ્ટ ક્રિકેટનો મંજાયેલો ખેલાડી છે. તેની હેરસ્ટાઈલ રોનાલ્ડો કે અન્ય કોઈ ખેલાડીની જેમ ગમી જાય એવી નથી. વિરાટ કોહલીની જેમ તેના શરીર પર ટેટ્ટુ નથી. એ સામાન્ય છે. પણ રમત અસામાન્ય દાખવે છે.

ઓસ્ટ્રેલિયા સામેની 2021ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીત્યા બાદ ચેતેશ્વર પુજારા વિશે ક્રિકેટ વિશ્વના દિગ્ગજો એ વાત કહેતા થાકતા નહોતા કે, પુજારા નહોત તો ભારત 3-0થી શ્રેણીમાં પરાજય પામેત. આ સત્ય વાત છે. ત્રીજા નંબર પર આવી બેટ અને બેટ પર નહીં તો શરીર પર બોલ ખમીને પુજારાએ પોતાની ખમતીધર બેટીંગ અને શરીરના પણ પરચા આપ્યા છે.

એ ક્રિઝ પર ઊભે છે તો કોઈ બોલરને દિવાલ આડી આવી ગઈ હોય તેવું જ લાગે. મોર્ડન ડે વોલ છે ચેતેશ્વર પુજારા. અથવા તો રવિ શાસ્ત્રીએ જેને અલ્ટીમેટ વોરિયર જેવું સો ટકા સાચું બિરુદ આપ્યું છે એવો ખેલાડી.

આગામી સમયમાં કોઈ બોલર નિવેદન આપે તો નવાઈ નહીં કે ચેતેશ્વર પુજારા સામે બોલિંગ કરવી એ આકરી થઈ પડતી હતી. તે આઉટ જ નહોતો થતો. ચેતેશ્વરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે બીજા ક્રિકેટરોની જેમ ફક્ત ભારતમાં જ નહીં વિદેશમાં પણ ચાલે છે. ચેતેશ્વરના ટીમમાં હોવાપણાથી એક શાંતિ થાય છે કે હવે વિકેટ નહીં પડે.

ધીમે ધીમે ટેસ્ટ એ મારફાડની રમત બનતી જાય છે. ટી ટ્વેન્ટી અને સહેવાગ પછી તો ખાસ. ચેતેશ્વરે એ બધાથી અલગ રમીને ટેસ્ટ ક્રિકેટની એ દુનિયાને જીવંત રાખી છે. 1970ની સાલમાં ચેતેશ્વર પુજારાના પિતા અરવિંદ પુજારા સૌરાષ્ટ્ર તરફથી રમ્યા. તેના કાકા બિપીન પુજારા પણ શાળા અને રણજી લેવલે રમ્યા હતા.

રંગીલુ રાજકોટ એ ક્રિકેટ માટે ખાસ વર્તાય છે. રાજકોટનો ઈતિહાસ પુસ્તકમાં ઈતિહાસકાર ડો.એસ.વી.જાની લખે છે કે, ‘ֹ‘ધર્મેન્દ્રસિંહજી કોલેજના વિદ્યાર્થીઓ  ક્રિકેટ જેવી રમતમાં ઈનામો મેળવી ખૂબ નામના મેળવી હતી. કોલેજમાં યાજ્ઞિક ટ્રોફીની શરૂઆત 1960 પછી થઈ હતી. આ કોલજના વિદ્યાર્થી વામન જાની રણજી ટ્રોફીની મેચમાં પસંદગી પામ્યા હતા. ઉપરાંત ઓલરાઉન્ડર કિરીટ અંતાણી, ઉદય જોશી, છેલુ મહેતાને સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું હતું. જે કોલેજ માટે ગૌરવપ્રદ બાબત છે. આ કોલેજના શ્રેષ્ઠ ખેલાડીઓમાં  કિરીટ ભટ્ટ, જયંત રાણપરા, રાજેન્દ્ર શાહ, કિશોર ત્રિવેદી, આર.ચાવડા, અરવિંદ પુજારા, જ્યોતીન્દ્ર બક્ષી, રાજેન્દ્ર શાહ, કિશોર ત્રિવેદી, આર.ચાવડા, અરવિંદ પુજારા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રામસિંહ રાઠોડ, ગુણવંત પંડ્યા અને બહેનોની હોકી ટીમમાં જ્યોતિ વસાવડા હતા.’’

આ શ્રેષ્ઠ ખેલાડીઓની સૂચિમાં એક નામ અરવિંદ પુજારાનું છે. એ ચેતેશ્વર પુજારાના પિતા એ કહેવાની જરૂર નથી. ચેતેશ્વરના કાકા અને પિતાનું યોગદાન રણજીમાં રહેલું છે. પિતાએ રણજીના 6 મેચમાં 172 રન કર્યા હતા. બિપીન પુજારાએ 36 મેચમાં 1631 રન કર્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં ચેતેશ્વર પુજારાના પિતા અરવિંદ પુજારાએ ચેતેશ્વરના ક્રિકેટ સાથે જોડાવા અંગેની વાત કહી છે. એ મુજબ, અઢી વર્ષનો પુજારા ક્રિકેટ રમી રહ્યો હતો. અરવિંદભાઈના ભત્રીજાએ કેટલીક તસવીરો લીધી હતી. એ તસવીરોમાં પુજારા પરફેક્ટ બેલેન્સ અને આંખ સાથે બોલને મેચ કરવાની તેની ક્ષમતા ગજબ હતી. એ ક્ષણ હતી જ્યારે તેના પિતાએ નક્કી કર્યું કે ચેતેશ્વરને ક્રિકેટર બનાવવો છે.

બાળપણમાં પુજારા લેગ-સ્પિન બોલિંગ કરી શકતો હતો. ઓલ રાઉન્ડર બનવાની તેનામાં પુરી ક્ષમતા હતી. કરસન ઘાવરીએ તેને ફક્ત બેટીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું. એ વખતે તેમણે આશા વ્યક્ત કરેલી કે પુજારા જો બેટીંગમાં જ કોન્સન્ટ્રેશન કરે છે તો ભારત તરફથી તે એક વખત અચૂક રમશે અને કરસન ઘાવરી સાચા પડ્યા.

પુજારાના બેટનો પહેલો ચમકારો અંડર-14માં મળે છે. તેણે મુંબઈ વિરૂદ્ધ 138 રનની ઈનિંગ રમી અને પછી બરોડા સામે 306 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. પુજારાએ એ પછી અને આજે પણ ઘણી સારી ઈનિંગ રમી છે પણ ક્રિકેટ કન્ટ્રીની સાથે વાતચીત કરતા તેણે કહેલું કે, 14 વર્ષની ઉંમરે ટ્રીપલ સેન્ચુરી ફટકારી એ ઈનિંગે મને અંદરથી કહ્યું કે, હું ક્રિકેટમાં કરિયર બનાવી શકું છું.

પુજારા 2005માં અંડર-19માં સિલેક્ટ થાય છે. અંડર-19ના વિશ્વકપમાં પુજારાએ કુલ 349 રન ફટકાર્યા અને લીંડીગ રન સ્કોરર બન્યો. પુજારાના પ્રદર્શન છતાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે ફાઈનલમાં હારી ગઈ હતી.

ડોમેસ્ટીક ક્રિકેટમાં ત્રણ ત્રણ ટ્રીપલ સેન્ચુરી ફટકારી તેણે સિલેક્ટર્સનું ધ્યાન ખેંચી લીધું હતું. 2010ની સાલમાં તેને ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કરવાની તક મળી. વી.વી.એસ લક્ષ્મણ ઈન્જર્ડ થતા તે તેની જગ્યાએ આવ્યો. બે કેચ પકડ્યા. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં તેને જગ્યા મળી ગઈ. જગ્યા મળવાનું કારણ ગૌતમ ગંભીરની ઈન્જરી હતી. પ્રથમ ઈનિંગમાં 3 રનમાં આઉટ થયેલા પુજારાએ બીજી ઈનિંગમાં 74 રન ફટકાર્યા. ચેતેશ્વરને બ્રેક મળ્યો.

ટેસ્ટની એ ટીમમાં સ્થાન મેળવવું અને એ પણ કાયમી સ્થાન મેળવવું એ કોઈના પણ માટે અઘરું થઈ પડે. કેવા કેલા ખેલાડીઓ હતા! 2012ની સાલમાં ચેતેશ્વર ટીમમાં પરત ફર્યો અને આજે તે ટેસ્ટના બેસ્ટ બેટ્સમેનોમાં પણ સામેલ થાય છે. હેપ્પી બર્થડે ચેતેશ્વર.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments