Team Chabuk-Gujarat-Desk: હવે સમાચારોમાં ઉનાળા માટે ટીકારૂપ ગણાતા કેટલાક શબ્દો વાપરવામાં આવશે. બળબળતો ઉનાળો. ધગધગતી ધરતી. ઉનાળાએ ત્રાહીમામ પોકાર્યા. આમાં ઉનાળાનો કંઈ વાંક નથી. શિયાળાની ઋતુ આ વર્ષે વહેલી આવીને બિલ્લી પગે સરકી ગઈ. ચોમાસામાં પણ કોઈ વખત એવું જ થાય છે. કોઈ વખત બારે મેઘ ખાંગા થઈ જાય અને કોઈ વખત દુષ્કાળના ડાકલા વાગી જાય.
ઉનાળો એવો નથી. એ મનભરીને પોતાનો તડકો પાથરે છે. લીલાછમ વૃક્ષોને કુપોષણનો શિકાર બનાવી દે છે. વૃક્ષો માટે તો ઉનાળો એ બીમારીની ઋતુ કહેવાય. પાંદડા પણ સુકાઈને ખરી ગયા હોય. એમાં પાછી આગ લાગે તો જંગલના જંગલ બળી જાય. કેટલાક ઠુઠાઓ તો જંગલને ખેતર માનીને ચાડીયાની ગરજ સારે. આવા ઠુઠા જોવા હોય તો ગિર બાજુ પર્યટન કરવું.
ઉનાળાનો મિજાજ દરેક શહેરનો અલગ અલગ હોય છે. અમદાવાદ જેવા મોટા શહેરનો ઉનાળો હંમેશાંથી આકરો લાગે છે. તેની પાછળનો વાંક ધમધોકાર ચાલતા વાહનો અને એસીનો મહત્તમ કરાતા ઉપયોગને ગણવામાં આવે છે. અહીં પ્રકૃતિને આડેધડ કાપી વિકાસ કરી નાખવામાં આવ્યો છે. ઉનાળાના તડકામાં જ મજૂરો રોડ બનાવતા હોય ત્યારે આ ગરમીને તેઓ પ્રેમથી ખમતા હશે તેવું લાગી આવે.
જૂનાગઢ અને ઈડરમાં તો ગરમીએ અટાણથી જ માજા મૂકી છે. હવે મહાશિવરાત્રીના પાવન પર્વની પૂર્ણાહુતિ બાદ ઉનાળાની સાચી શરૂઆત થશે. મહાશિવરાત્રી ઉજવાયાના ચાર દિવસ બાદ જ ઉનાળાની આકરી ગરમીના પડઘા પડવા લાગ્યા છે. આ પડઘા જે વિસ્તારોમાં પડ્યા છે તેનું નામ છે સાબરકાંઠા અને અરવલ્લી. જ્યાં પાણીના પોકારો અત્યારથી જ ઉઠવા લાગ્યા છે. આ વિસ્તારોમાં હાલ 38 ડિગ્રી ગરમી પડી રહી છે. આગામી સમયમાં ગરમીનો પારો ઉંચકાવાની શક્યતાને નકારી શકાય નહીં. આ વખતે પણ ગરમી કેટલાક જૂના કિર્તીમાનોને કડડભૂસ કરી નાખશે તેવી વાતો નિષ્ણાતો દ્વારા થઈ રહી છે.
ગઈકાલે રવિવારે હોટ સીટી તરીકે જેની ગણતરી થાય છે તે ઈડરનું તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. પથ્થરો દાઝવા લાગ્યા હતાં. આસપાસના સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. માર્ચના અંત સુધીમાં ઉનાળો 40 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેથી કહી શકાય કે માર્ચ એ ઉનાળાનાં કદમાં વધારો કરવા આવ્યો છે.
આ વખતે આગ ઓકતી રેકોર્ડ બ્રેક ગરમી સહન કરવી પડે તેવી વાતો થઈ રહી છે. ગરમીમાં વધારો થવાના કારણે દિવસે માણસોની અવર જવર ઓછી થઈ રહી છે. તો બીજી બાજુ સાંજ પડતા લોકો લટાર મારવા માટે નીકળી પડે છે. કોરોનાની દહેશતનાં પગલે કેટલાક લોકો સાંજે પણ ઘરમાં જ પૂરાઈ રહે છે તો કેટલાક લોકો ગુજરાતમાં એવા છે જેમને આખા દિવસની ગરમી સહન કર્યા પછી સાંજની ઠંડક માણવા બહાર નીકળવું જ પડે છે.
સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના તાલુકાઓમાં તો અત્યારથી જ પાણીની તંગી ઊભી થવા લાગી છે. 100 કરતાં વધારે ગામોમાં પાણીની તંગીની સમસ્યા ઊભી થતા લોકો પણ ચિંતામાં ઓળોટવા લાગ્યા છે.
અરવલ્લી અને સાંબરકાઠા જિલ્લામાં પશુઓને ખવડાવવા માટે ઘાસ નથી રહ્યું. જેથી ત્યાં ઘાસડેપો ઊભો કરવાની પણ માગ ઊઠી રહી છે. ઘાસના ભાવ આકાશે આંબ્યા હોવાના કારણે ગરીબ પશુપાલકો પશુઓને લીમડા અને ખાખરાના પાન ખવડાવી રહ્યા છે.
આ વાત માત્ર સાબરકાંઠા અને અરવલ્લી જેવા શહેરો પુરતી જ મર્યાદિત નથી. ગુજરાતના 17 એવા શહેરો છે જ્યાં આગ ઓકતી ગરમીનો આરંભ થઈ ગયો છે. આજે હવામાં ભેજનું પ્રમાણે સવારના સાડા આઠ વાગ્યે 53 ટકા હતું. જેથી સવારમાં તો ગુલાબી ઠંડીની અસર વર્તાયા વિના નથી રહેતી પણ દસ-અગિયાર વાગતાની સાથે તો રસ્તાઓ સૂમસામ બની જાય છે. સવારમાં ઠંડી અને દસેક વાગતા ગરમી પડવા લાગતા એક સાથે ડબલ સિઝનનો આરંભ થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત