Homeસાહિત્યઓનલાઈન લખીને પુસ્તક છપાવવાનું એક દૂષણ ઊભું થયું છે

ઓનલાઈન લખીને પુસ્તક છપાવવાનું એક દૂષણ ઊભું થયું છે

Team Chabuk-Literature Desk: લખવા મુદ્દે બે ફાંટા પડી ગયા છે. એક તરફ સારું અને ખરાબ બંને પ્રકારનું લખાણ ફેસબુકમાં આવી રહ્યું છે. બીજી બાજુ જૂના જોગીઓ જ સાહિત્યના સામાયિકોમાં લખાણ પ્રકાશિત કરી રહ્યાં છે. ફેસબુકના માધ્યમ થકી જ એ રોષ કોઈ કોઈ વાર પ્રગટ થતો જોવા મળી રહ્યો છે કે હવે સારી અને નવા લેખકોની વાર્તાઓ તંત્રીઓએ સામાયિકમાં પ્રગટ કરવી જોઈએ. નવી વાર્તાઓ ન આવવા પાછળનું કારણ પણ ફેસબુકનો તાત્કાલિક પ્રતિભાવ જ ગણવો.

સામાયિકોમાં જ પ્રકાશિત થયેલી રચનાનો પ્રતિભાવ મળતા કદાચ મહિનાઓ કે વર્ષો નીકળી જાય અથવા તો કોઈ કોઈ વખત મળે જ નહીં. ફેસબુકમાં એવું છે નહીં. ત્યાં તાત્કાલિક પ્રતિભાવ તો મળે જ છે પણ સાચો પ્રતિભાવ નથી મળી રહ્યો. મિત્રતા ખાતર ત્યાં વખાણની લાપસીનાં આંધણ મંડાય છે. નવા લેખકો પણ એ ભાવમાં તરી જાય છે. ખરાબ લખીને મૂકવાની પછી હોડ જામી પડે છે. વખાણની ખીચડી એને દાઢે વળગે છે.

ફેસબુક એ વિચારોને અભિવ્યક્ત કરવાનું માધ્યમ જરૂરથી છે પણ સાહિત્યને મૂકવાનું માધ્યમ બિલકુલ નથી. ત્યાં જે લખાણ પોસ્ટ કરવામાં આવે છે તે લેખકનું નીચેથી નામ કાઢી વોટ્સએપ યુનિવર્સિટીના સિલેબસમાં સ્થાન પામી જાય છે. ઘણી વખત આવી કાગારોડ સાંભળી છે. કેટલીક વખત તો સાચા લેખકનું લખાણ વોટ્સએપ યુનિવર્સિટીમાં પહોંચી જતાં નીચે કોઈ અન્ય લેખકનું લેબલ લાગી જાય છે.

શરમને ભેંસનાં પૂંછડે બાંધી ચૂકેલા આવા બનાવટી લેખકોની પણ આજકાલ કમી નથી. જે બીજાનું લખેલું પોતાના નામે ચડાવી દે છે અને હોશે હોશે શાબાશી ઉઘરાવતા હોય છે. એને શું ખબર કે મૂળ લેખકનું જ લખાણ વાસી હતું? ફેસબુકમાં સારું લખાતું બંધ થઈ રહ્યું છે તેની પાછળનું કારણ આ પ્રકારનો ભય પણ છે. આ ભયનાં કારણે જ સાબિત થાય છે કે ફેસબુક એ સાહિત્યિક કે લોકપ્રિય લખાણ મૂકવાનું માધ્યમ તો છે જ નહીં.

બીજી બાજુ એક મોટી સમસ્યાથી હમણાં આપણે ઘેરાયેલા છીએ. આ સમસ્યાથી સાહિત્યને તુરંત અસર પહોંચી રહી છે. એક નવી જમાત ઊભી થઈ છે. એ ફેસબુકમાં મૂકેલું અને અન્યોનાં ખોટા પ્રતિભાવોથી ઊંચકાયેલા સાહિત્યને પુસ્તકનું સ્વરૂપ આપી દે છે. આમ કરવાના કારણે સાહિત્યની ગુણવત્તા પર દિનપ્રતિદિન માર પડી રહ્યો છે. ખરાબ સાહિત્ય પ્રકાશિત થઈ રહ્યું છે. પ્રકાશકો આવા સાહિત્યને ખોબલે ને ખોબલે આવકારી પ્રમોશન પણ કરી રહ્યા છે. પોતાના લેખોને જે તે લેખક દ્વારા ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવે તો ત્યાં તેની વાહવાહી થતાં એ પોસ્ટ પુસ્તકમાં મઢવા જેવી છે, તેવું લેખકને અંતરમનથી લાગી આવે છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ટીપ્પણી જેને ફેસબુકની ભાષામાં કોમેન્ટ કહેવાય છે – એ કોમેન્ટ કોણે કરી છે ? શું કોમેન્ટ કરનાર પોતે અનુભવી સાહિત્યકાર છે ? એ કોઈ ક્ષેત્રનો મહારથી છે ?

ફેસબુકમાં લખાણ મૂકનારાઓ વિષે હું અહીં એક વાત કરવા માગુ છું. જે લોકો અનુભવી છે. જેમનું પત્રકારત્વ અને સાહિત્યમાં કોઈ સ્થાન છે. એ નવોદિતોનાં લખાણમાં કોમેન્ટ જ ઓછી કરી રહ્યા છે. અરે, આપણા મોટાભાગના સાહિત્યકારો અને પત્રકારો તો ઓનલાઈન સરકારની વાહ વાહી કે ટીકા કરવામાંથી જ થાકતા નથી. નથી તેમને એ ખબર કે વિશ્વ સાહિત્યમાં કયું નવું પુસ્તક આવ્યું. નથી તેમને એ ખબર કે પશ્ચિમમાં વિવેચન અને સાહિત્ય કઈ દિશામાં ફંટાઈ રહ્યું છે. એવામાં બંને તરફથી નુકસાની છે. નથી તેઓ નવોદિતને વખાણતા કે ટકોરતા. નથી તેઓ નવા સાહિત્યની વાતો કરતા. વાતો કરવા પણ વાંચવું પડે. વંચાય ત્યારે જ્યારે તેમને ધંધામાંથી સમય મળે અને ધંધામાંથી જે સમય મળે છે એ તો ફેસબુક નામનો દૈત્ય ગળચી જાય છે.

આપણા સિનીયર સાહિત્યકારો અને પત્રકારો તો પોતે લખેલું જ પોસ્ટ કરી વખાણ ઉઘરાવવામાં રચ્યા પચ્યા રહે છે. વિવેચનની ગેરહાજરી વિષે અગાઉ લખેલું એ પ્રમાણે જ અહીં ફેસબુકમાં પણ વિવેચનની ગેરહાજરી જ દેખાઈ રહી છે. કહી દઈએ કે, અહીં વિવેચનની ગેરહાજરી છે, દુશ્મનની ગેરહાજરી નથી.

નોબલ પારિતોષિક વિજેતા જાપાનના લેખક ઈશિગીરોએ હમણાં જ ટકોર કરી છે કે ફેસબુક જેવા માધ્યમોમાં ટીકા ટીપ્પણીઓનાં કારણે કેટલાક નવોદિત લેખકો ત્યાં પોતાનું લખાણ નથી મૂકી રહ્યા. અહીં ભારતમાં તેનાથી વિપરિત પરિસ્થિતિ છે. અહીં લાઈક અને કોમેન્ટ માટે જ લખાણ મૂકવામાં આવે છે. હું આટલું વાંચુ છું અને મારી પાસે આટલું જ્ઞાન છે તેનું ફેશનની જેમ ફેસબુકમાં શો-ઓફ કરવામાં આવી રહ્યું છે.

ફેસબુક જ એ પ્લેટફોર્મ છે. જ્યાંથી આપણને ગુજરાતી છાપામાં લખવા માટે નવા લેખકો મળ્યા. એ ફેસબુકમાં લખતાં હતાં, હવે ત્યાં લખે છે. એ કોલમિસ્ટોમાં ત્યારે પણ કોઈ પરિવર્તન નહોતું આવ્યું. એ કોલમિસ્ટોમાં આજે પણ કોઈ પરિવર્તન નથી આવ્યું.

ઓનલાઈન કચરા સાહિત્યનાં દૂષણને ફેલાવવામાં કેટલીક એપ્લિકેશનોનો પણ મોટો હાથ રહેલો છે. કમાણી કરવાની દૃષ્ટીએ તેઓએ એવો માલ પેદા કર્યો છે જે ભંગાર બજારમાં પણ ચાલે નહીં. એ લોકો બે વેત ઊંચા થઈ ચાલે છે. ખોટું નથી કહેતો. એ એપ્લિકેશનોમાંથી જ કેટલાક ચોપડા બન્યા છે. જેને આપણા જ નૂતન ભાવકો વાહવાહીનું કેન્દ્ર બનાવી રહ્યા છે અને સારા પુસ્તકોને તરછોડી રહ્યા છે.

ગુજરાતી અખબારોની પૂર્તિઓ અને સામાયિકોમાં નવલકથાઓ નામશેષ થવા તરફ છે. નવલકથાઓ ઓનલાઈન થઈ ગઈ છે. આ નવલકથાઓ કોઈ પણ પ્રકારના અભ્યાસ વિના લખવામાં આવે છે. જો તેને અભ્યાસ સુધી જ સિમિત રાખવામાં આવે તો વાંધો નથી, પણ ત્યાં મિત્રપતિઓ દ્વારા વખાણ થાય છે અને વખાણના પૂરમાં વહી જતો નવોદિત એ લખાણને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરે છે.

જ્યારે જ્યારે સાહિત્યક મેળા યોજાય છે ત્યારે ત્યારે કેટલાક અખબારો ટીકાનું પુણ્ય ભરેલું ભાથુ બાંધે છે. અખબારોમાં ખૂણે ખાચરે એવું મથાળું હોય છે કે ફેસબુકિયા લેખકોને સ્ટેજ પર સ્થાન. ભવિષ્યમાં એવું જ થશે કે ફેસબુકમાં જે લખતા હશે એ જ ભાષણ આપતા હશે. ફેસબુકમાં લખનારા લેખકો બની ગયા છે અને હવે તેઓ ઓનલાઈન ભાષણો પણ આપતા થઈ ગયા છે. કોરોનાનાં કારણે આપણને એક નવું દૂષણ મળ્યું છે. ગમે તેને સાંભળવા.

આવા માહોલમાં એક તંત્રીની જરૂર છે. જે લેખકોનું લખાણ મઠારી શકે. એક એવા તંત્રીની આવશ્યકતા છે જે નવોદિતોને ટપારી શકે અને તેમની અંદરથી સારું સાહિત્ય કે લખાણ બહાર કાઢી શકે. ભલે ફેસબુકમાં લખતા હોય પણ તેમને આંગળી ચીંધી કહી તો શકે. જોકે નવોદિતોની સાંભળવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. ત્યારે કદાચ આ પ્રયોગ પણ નહીં થાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments