Team Chabuk-gujarat desk: ગીરમાં લાયન શૉ મુદ્દે ગીર ગીરગઢડા કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે કુલ 8 આરોપીમાંથી 6 આરોપીઓને 10 હજાર રૂપિયાનો દંડ તેમજ 3 વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપીને 1 વર્ષની સજા તેમજ એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. એટલું જ નહીં કોર્ટે લાયન શૉ કરાવનારા વ્યક્તિની જમીનની તમામ પરવાનગીઓ રદ કરવાનો હુકમ પણ કર્યો છે. વર્ષ 2018માં મે મહિનામાં એક વીડિયો સામે આવ્યો હતો. જે વીડિયો સામે આવ્યા બાદ ગેરકાયદે લાયન શૉ નિહાળનાર અને લાયન શૉ કરાવનારા કુલ 8 આરોપીની ધરપકડ કરી છે.

આ રહ્યો વાયરલ વીડિયો
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ પોતાના હાથમાં જીવતી મરઘી લઈને સિંહણને લલચાવી રહ્યો છે. આ શખ્સો સિંહણ સાથે એવી રીતે રમત કરી રહ્યા છે જાણે તેમની સામે કોઈ સિંહણ નહીં પરંતુ શ્વાન હોય. વીડિયોમાં જે સિંહણ દેખાય છે તેનું નામ ભક્તાણી છે. આ ઉપરાંત વીડિયોમાં પાછળ સિંહણની પૂંછડી પકડવાની પણ વાત થઈ રહ્યા છે. હાજર શખ્સો બોલી રહ્યા છે કે સિંહણની પૂંછડી તો પકડવી પડશે.
20 સેકન્ડનો આ વીડિયો સામે આવ્યા બાદ વન વિભાગ દોડતું થઈ ગયું હતું. વન વિભાગે તપાસ કરતાં ઈલ્યાસ અબદ્રેમાન નામના વ્યક્તિનું નામ ખુલ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ સેટલમેન્ટ વિસ્તાર ધ્રુંબકામાં આવેલી જમીનમાં પ્રવાસીઓને ગેરકાયદે સિંહદર્શન કરાવ્યું હતું. તમામ પ્રવાસીઓ અમદાવાદના હોવાનું ખુલ્યું હતું.
કોને ત્રણ વર્ષની સજા ?ઈલ્યાસ અબદ્રેમાન
અબ્બાસ રિંદબ્લોચ, હરમડિયા
અલ્તાફ હૈદર બ્લોચ, મંડોરણા, તાલાળા
રવિ પાટડિયા, અમદાવાદ
દિવ્યાંગ ગજ્જર, અમદાવાદ
રથીન પટેલ, અમદાવાદ
આરોપીઓને ત્રણ વર્ષની સજા ઉપરાંત 10 હજાર રૂપિયા દંડ ફટકારાયો છે. જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ એક વર્ષ જેલની સજાનો હુકમ કરાયો છે.
તો આરોપી માંગીલાલ મીણા જે મૂળ રાજસ્થાનનો છે તેને પણ કોર્ટે 1 વર્ષની સખત કેદની સજા તેમજ 10 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. જ્યારે આરોપી હાસમ સિકંદર કોરેજાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો છે.
આમ, ગેરકાયદે સિંહદર્શન કરાવનારાને આકરી સજા ફટકારાતા તેઓ હવે કાયદેસર સિંહદર્શન કરવા જતાં પહેલાં પણ વિચારશે.
ગીરના જંગલમાં ગેરકાયદે સિંહદર્શન કરાવનારા આરોપીને સજા ફટકારી કોર્ટે દાખલો બેસાડ્યો છે. સિંહએ ગીરનું સાચુ સોનું છે. ગીરમાં જ્યારે જ્યારે સિંહ પર આફત આવી છે ત્યારે લોકોએ એક સૂરમાં અવાજ ઉઠાવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સિંહપ્રેમીઓએ પણ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માગણી કરી હતી. બીજી તરફ સવાલો પણ ઉઠ્યા હતા કે એક ખુંખાર સિંહણની આટલી હદે મશ્કરી કેમ થઈ શકે ? તો વીડિયો જોયા બાદ ચર્ચા એવી પણ થઈ રહી હતી કે સારું થયું આ ભક્તાણી નામની સિંહણે તેના સ્વભાવ પ્રમાણે તેને લલચાવનારા વ્યક્તિ પર હુમલો ન કર્યો. જો હુમલો કર્યો હોત તો એ વ્યક્તિ માટે સિંહણનો માત્ર એક પંજો જ બસ હતો.
2018માં જ્યારે આ ઘટના બની તેની પહેલાં પણ ગેરકાયદે લાયન શૉનો એક વીડિયો સામે આવી ચુક્યો હતો. જેમાં કેટલાક શખ્સો ઝાડ સાથે મરઘીને બાંધીને સિંહ-સિંહણને લલચાવી રહ્યા હતા.
આ ઘટના બાદ વન વિભાગ વધુ સતર્ક થઈ ગયું છે. જંગલમાં પેટ્રોલિંગ વધ્યું છે. તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર વન વિભાગની નજર છે. તાજેતરમાં જ વન વિભાગે એક શિકારી ટોળકીને પણ ઝડપી લીધી છે જેઓ ફાંસલા બનાવીને સિંહનો શિકાર કરતાં હોવાનું સામે આવ્યું હતું
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત