Team Chabuk-Gujarat Desk: આચાર્ય ચાણક્યએ ‘શિક્ષક કોઈ દિવસ સાધારણ નથી હોતો’ વાક્ય દ્વારા શિક્ષકને ખરા અર્થમાં મૂલવ્યા છે. માતા પિતા સાથે બાળકનો જે સંબંધ હોય છે એવો જ ઘનિષ્ઠ સંબંધ શિષ્યનો ગુરુની સાથે હોય છે. સારા શિક્ષકના આજે પણ દાખલા દેવાય છે. આજે આવો જ એક ગુરુ શિષ્યનો સંબંધ ઉતર ગુજરાતના વાવના ભાટવરગામની પ્રાથમિક શાળામાં જોવા મળ્યો છે.

નાનું એવું પદ મળી જાય તોપણ કેટલાક લોકો હાથમાં રહેતા નથી, જ્યારે અહીં પ્રાથમિક શાળાના આચાર્ય ખુરસી પર એટલા માટે નથી બેસતા કે તેમને ભણાવનારા ગુરુ હજુ પણ એ જ શાળામાં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. આ તસવીર સામે આવ્યા બાદ કેટલાય લોકો શિક્ષક અને ગુરુના આ સંબંધ પર ઓવારી ગયા છે.

HTAT પાસ થઈ ભાટવરગામની શાળામાં આચાર્ય તરીકે જેમની નિમણૂક થઈ છે તેમનું નામ મુકેશભાઈ દવે છે. મુકેશભાઈના શિક્ષકનું નામ સામતાભાઈ પ્રજાપતિ છે. મુકેશભાઈ સામતાભાઈના જ વિદ્યાર્થી. એમની પાસે ભણી ગણી મોટા થયા અને બાદમાં એ જ ગામની શાળામાં આચાર્ય તરીકે સર્વિસમાં લાગ્યા. તેમણે ખરો ગુરુ ધર્મ નિભાવ્યો છે. પોતાના ગુરુ દેવની પાસે તેઓ સાદી ખુરસીમાં બેસે છે. તેમના ગુરુ તો ઈચ્છે છે કે તેઓ આચાર્યની ખુરસી પર બેસે પણ શિષ્ય બેસવા નથી માગતો.

આચાર્ય મુકેશભાઈ દવેએ આ અંગે જણાવ્યું હતું કે, ‘હું આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. મને ભણાવેલ મારા ગુરુજી આ શાળામાં નોકરી કરે છે. તેથી તેમની સામે હું આચાર્યની ખુરશી પર ન બેસી શકું. માટે બાજુમાં બીજી સાદી ખુરશી પર બેસી ફરજ બજાવી રહ્યો છું.’ આ તો શિષ્યએ કહ્યું હવે ગુરુનું શું માનવું છે તે જોઈએ. શિક્ષક સામતાભાઈ કહે છે કે, ‘આચાર્ય મહેશભાઈ દવે મારા શિષ્ય ખરા પણ હાલ તેઓ મારા આચાર્ય છે. એ મારા સાહેબ કહેવાય હું એમની ખુરશી પર ન બેસી શકું.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત