Homeગુર્જર નગરીભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતશે તો સુરતના ઉદ્યોગપતિ ઘર...

ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતશે તો સુરતના ઉદ્યોગપતિ ઘર અથવા કાર ભેટમાં આપશે

Team Chabuk-Gujarat Desk: ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય મહિલા હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતવાથી હવે બે જીત દૂર છે. જો ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલ જીતીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી લેશે તો ઈતિહાસ રચાઈ જશે. ત્યારે ભારતીય મહિલા હોકી ટીમની જીતને લઈને સુરતના ડાયમંડ કિંગ ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ એક મોટી જાહેરાત કરી છે. ભારતીય મહિલા હોકી ટીમના ટોક્યો ઓલિમ્પિકના પ્રદર્શનથી સવજીભાઈ ધોળકિયા ખૂબ જ ખુશ છે.

સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા સવજીભાઈ ધોળકિયાએ જાહેરાત કરી છે કે, જો ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલમાં જીત મેળવશે તો તેઓ દરેક ખેલાડીને 11 લાખ રૂપિયાનું ઘર અથવા એક નવા કારની ભેટ આપશે. સવજીભાઈ ધોળકિયાએ આ જાહેરાત પોતાના ફેસબુક પર પોસ્ટ શેર કરીને કરી છે. સવજીભાઈ ધોળકિયાએ ફેસબુક પરની પોસ્ટમાં લખ્યું કે, મને આ જાહેરાત કરતાં ખૂબ જ ખુશી થઈ રહી છે કે જો તેઓ ફાઈનલ જીતે છે તો હરિકૃષ્ણ ગ્રુપ આ મહિલા હોકી ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું ઘર અથવા નવી કાર આપશે. જેઓને આર્થિક સહાયની ખૂબ જરૂર છે. આપણી છોકરીઓ ટોક્યો 2020માં દરેક પગલે ઈતિહાસ રચી રહી છે. આપણે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવીને ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચ્યા છીએ. 130 કરોડ ભારતીય મહિલા હોકી ટીમને ભારતનો રાષ્ટ્રધ્વજ- ‘અમે તમારી પાછળ છીએ’. આપણા ખેલાડીઓનો ઉત્સાહ વધે તે માટે અમારો આ નાનકડો પ્રયાસ છે જેથી તેઓ દેશને વધુ ગૌરવ અપાવી શકે.

ભારતીય મહિલા હોકી ટીમની ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત ખરાબ રહી હતી. સતત ત્રણ મેચ હાર્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ટીમને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આજે બપોરે 3.30 કલાકે ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઈનલ મેચમાં આર્જેન્ટીના સાથે ટકરાશે. જો ભારતીય ટીમ સેમીફાઈનલમાં જીત મેળવી લેશે તો ઈતિહાસ રચાઈ જશે.

મહત્વનું છે કે, સુરતના હીરા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા કર્મચારીઓને બોનસમાં કાર અને ઘર જેવી મોંઘી ભેટ આપવા માટે જાણીતા છે. દિવાળી બોનસમાં તેઓ પોતાના કર્મચારીઓને બોનસ પેટે કાર, ઘર અને દાગીના જેવી ભેટ આપતા રહે છે. ત્યારે તેઓએ મહિલા હોકી ટીમને પ્રોત્સાહિત કરવા માટે મહત્વની જાહેરાત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments