Homeગુર્જર નગરીવડાપ્રધાનના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શુભારંભ, વડાપ્રધાને સંસ્મરણો વાગોળ્યા

વડાપ્રધાનના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શુભારંભ, વડાપ્રધાને સંસ્મરણો વાગોળ્યા

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી જન્મશતાબ્દી મહોત્સવનો અમદાવાદ ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, આ જન્મશતાબ્દી મહોત્સવ આવનારી પેઢીને પ્રેરણા આપશે. ભાવી પેઢી પ્રમુખ સ્વામી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા અહીં પધારશે તેવો ભાવ વડાપ્રધાને પ્રગટ કર્યો હતો. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રમાં પણ પ્રમુખ સ્વામીની શતાબ્દી મહોત્સવ મનાવાઇ રહ્યો છે. તેમના વિચાર શાસ્વત છે. સાર્વભૌમિક છે. સંતોની મહાન પરંપરા, વેદથી વિવેકાનંદ સુધીની સંતધારાને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોએ અવિરતપણે આગળ વધારી છે, એવું વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું.

વસુધૈવ કુટુંબકમની ભાવનાના દર્શન પણ આ મહોત્સવમાં થઇ રહ્યા છે, એમ કહી વડાપ્રધાને જણાવ્યું કે આ નગરમાં હજારો વર્ષની સમૃદ્ધ સંત પરંપરાના દર્શન થઇ રહ્યાં છે. ભારતની સંત પરંપરાએ સમગ્ર વિશ્વને જોડવાનું કામ કર્યું છે. વડાપ્રધાને પ્રમુખસ્વામી સાથેનાં અંગત સંસ્મરણો વાગોળ્યાં હતાં.

તેમણે કહ્યું કે, માનવ જીવનનું અંતિમ લક્ષ્ય સેવા હોવું જોઈએ. શાસ્ત્રો કહે છે જીવમાં જ શિવ છે, નરમાં જ નારાયણ છે. પ્રમુખસ્વામી મહારાજ સામે જેવી વ્યક્તિ હોય તેવું જ્ઞાન તેને પીરસી શકતા હતા. આ તેમના વ્યક્તિત્વની વિશાળતા હતી.

તેમણે કહ્યું કે, પ્રમુખસ્વામી સાચા અર્થમાં સમાજ સુધારક – રિફોર્મીસ્ટ હતા. માણસ કેવો હોય, માનવ ભવિષ્ય કેવું હોય, વ્યવસ્થાઓ કેવી હોય તેનું આગવું માર્ગદર્શન પ્રમુખ સ્વામીએ આપ્યું છે. પ્રમુખ સ્વામીએ વ્યક્તિની સારપને સમર્થન આપી તેનું સંવર્ધન કરી સમાજ સુધારાની ક્રાંતિ સર્જી છે, એવું ઉમેર્યું હતું.

વડાપ્રધાને મોરબી પૂર અને કચ્છના ભૂકંપ સહિતની વિવિધ આફતો વખતે બી.એ.પી.એસ સંસ્થા અને પ્રમુખસ્વામીએ વહાવેલી સેવાની સરવાણીની સરાહના કરી હતી.

વડાપ્રધાને અક્ષરધામ મંદિર ઉપર આંતકવાદી હુમલા વખતની સ્મૃતિઓ તાજી કરતા કહ્યું કે, પ્રમુખસ્વામી દરેક આપત્તિ-સ્થિતિમાં સ્થિર ,સંતુલિત અને સ્વસ્થ રહી શકતા હતા. તેમણે દિલ્હીના અક્ષરધામના નિર્માણને પ્રમુખસ્વામીનું યુગ પ્રવર્તક કાર્ય ગણાવી જણાવ્યું હતું કે પ્રમુખસ્વામીએ તેમના ગુરુના વચનોને ઝીલીને યમુનાના કિનારે ભારતની સંસ્કૃતિના ઉદઘોષ કરતું ભવ્ય મંદિર બનાવી દીધું. આ તેમની શિષ્ય તરીકેની તાકાત દર્શાવે છે.

તેમણે વધુમાં કહ્યું કે પ્રમુખસ્વામીએ સંતની પરંપરાને પુન:જીવીત કરી છે. સંતોને સમાજસેવા- સમાજ ઉત્થાનના કાર્યોમાં જોડ્યા છે. ત્યાગાશ્રમને સ્વીકારનારા યુવાનોને તાલીમ-શિક્ષણ જ્ઞાન આપી આધુનિક સમય પ્રમાણે તૈયાર કરવાની વ્યવસ્થા બનાવી છે.

વડાપ્રધાને કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ દેવભક્તિ અને દેશભક્તિમાં ભેદ કરતા નહીં. તેમના મતે દેવભક્તિ અને દેશભક્તિ કરનારા બંને વ્યક્તિઓ સત્સંગી જ છે. પ્રમુખસ્વામી પાસે બેઠા હોય ત્યારે જાણે કોઇ ઘટાદાર વટવૃક્ષની છાયામાં બેઠા હોઇએ તેવી શીતળતા અને શાંતિની અનુભૂતિ થતી હતી. આજે એ જ અનુભૂતિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજસત્તાને ધર્મસત્તાનું માર્ગદર્શન અને આશિષ હંમેશા મળતા રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, અમારી નવી સરકારને પણ જનહિત કાર્યોમાં સદૈવ કાર્યરત રહેવાની પ્રેરણા સંત શક્તિ આપશે. મુખ્યમંત્રી તરીકે મારો પહેલો જાહેર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સંત શક્તિના ચરણોમાં અને પૂજ્ય બાપાના શતાબ્દી મહોત્સવના શુભારંભથી થાય તેનાથી વધુ સૌભાગ્યપૂર્ણ બાબત કોઇ ના હોઇ શકે, એમ તેમણે ઉમેર્યું હતું.

સમારંભના અંતમાં મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે  બીએપીએસના સાધુ-સંતો તથા વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments