Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊનાના ખાપટ ગામે પ્રવિણ વાઢેર નામના ખેડૂતના કૂવામાં સાપ દેખાતા સમગ્ર પરિવાર ચિંતામાં મુકાયો હતો. સાથે જ ભયમાં પણ હતો. કારણ કે, કૂવામાં જે સાપ હતો તે ભારતના સૌથી ઝેરી સાપ પૈકીનો એક રસલ વાયપર હતો. સાપ જે રીતે ફૂંફાડા મારી રહ્યો હતો તેના પરથી ખેડૂત પરિવારે અંદાજો લગાવ્યો કે, અજગર જેવો દેખાતો આ સાપ ખૂબ જ ઝેરી લાગે છે. ત્યારબાદ ખેડૂત પરિવારે જાતે કોઈ પગલું લેતા પહેલાં જ જીવદયા પ્રેમી અને સાપનું રેસ્ક્યુ કરતા દીવના ડૉ.દાફડા સાહેબનો સંપર્ક કર્યો.
કૂવામાં સાપ હોવાની જાણ થતાં જ ડૉ.દાફડા અને તેમની ટીમ તાત્કાલિક ખાપટ પહોંચી અને કૂવામાં પડેલા સાપને જોયો અને તેની ઓળખ કરી. ડૉ.દાફડાએ કહ્યું કે આ, રસલ વાયપર નામના ઝેરી સાપ છે. ત્યારબાદ તેમણે રેસ્ક્યૂ ઓફરેશન શરૂ કર્યું. જો કે, કૂવો ઉંડો હતો અને ઉપરથી તેમને ખૂબ ગુસ્સાવાળા સાપનો સામનો કરવાનો હતો. તેનો જીવ બચાવવાનો હતો.

ત્યારબાદ ડૉ.દાફડા દોરડાની મદદથી કૂવામાં ઉતર્યા. કૂવો ઉંડો હોવાથી સાપનું રેસ્ક્યૂ કરવામાં દાફડા સાહેબને ભારે જહેમત ઉઠાવવી પડી. ડરી ગયેલો રસલ વાયપર તેમનાથી દૂર ભાગી રહ્યો હતો. આખરે થોડા સમયની મહેનત બાદ દાફડા સાહેબ સાપ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા અને જીવના જોખમે સાપને બચાવી લીધો અને સલામત સ્થળે છોડી મુક્યો.

દર વર્ષે 20 હજાર લોકો રસલ વાયપરના દંશથી મૃત્યું પામે છે !
રસલ નામના વ્યક્તિએ આ સાપની ઓળખ કરી હતી. જેના કારણે આ ઝેરી સાપનું નામ રસલ વાયપર પડ્યું. રસલ વાયપર દેખાવમાં અજગર જેવો હોય છે. તેના પર ગોલ્ડન અને બ્રાઉન રંગના ગોળ નિશાન હોય છે. દેખાવમાં રસલ વાયપર અજગર જેવો જાડો હોય છે પરંતું તેની સ્ફૂર્તિ જોરદાર હોય છે. આંખના પલકારામાં જ તે શિકાર પર તરાપ મારી શકે છે. રસલ વાયપર શ્વાસ લેતો હોય તેવી રીતે જોર-જોરથી અવાજ કરે છે. રસલ વાયપરને ગુસ્સાવાળો સાપ પણ માનવામાં આવે છે. એક અહેવાલ મુજબ રસલ વાયપરના કરડવાથી ભારતમાં સૌથી વધુ મોત થાય છે. અંદાજે 20 હજાર લોકો દર વર્ષે રસલ વાયપરનો શિકાર બને છે. રસલ વાયપરના ડંખ બાદ માણસનું લોહી જામવા લાગે છે ત્યારબાદ મલ્ટિઓર્ગન ફેલ્યુઅરથી વ્યક્તિનું મોત થાય છે. રસલ વાયપરના 10 મિનિટ બાદ જ વ્યક્તિનું મોત થઈ શકે છે. બીજી ચોંકવનારી વાત એ છે કે, આ સાપ સીધા જ બચ્ચાંને જન્મ આપે છે. અન્ય સાપ ઈંડા આપે છે. રસલ વાયપર એક વારમાં 30થી 40 બચ્ચાંને જન્મ આપી શકે છે.

ડૉ.દાફડાએ કહ્યું કે, આ સાપને ઉંદરનો સહેલાઈથી શિકાર મળી રહે તેથી ખેતરમાં આવી જતો હોય છે. જો કે, સાપ ખેડૂતનો મિત્ર પણ છે. જે ખેતીમાં 10થી 20 ટકા ઉત્પાદન વધારે છે. અગાઉ પણ ઊના સુગર ફેકટરીના પડતર કવાટર રૂમમાંથી રસલ વાયપરને પકડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત