Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેર ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્મારકોનું ઘર રહ્યું છે. ‘વડનું ઉદર’ નામ થી જાણીતા વડોદરા શહેરમાં પ્રાકૃતિક સ્મારકોમાં પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં આવેલ આશરે 955 વર્ષ જુના ભવ્ય બાઓબાબ વૃક્ષનો પણ સમાવેશ થાય છે. જેને વન વિભાગ દ્વારા વર્ષ 2014 માં હેરિટેજ વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરથી આશરે 15 કિલોમીટર દુર પાદરા તાલુકાના ગણપતપૂરા ગામમાં મૂળ વિદેશનું બાઓબાબ વૃક્ષ આશરે 955 કરતાં વધુ વર્ષથી અડીખમ ઊભું છે. આ વૃક્ષ મૂળ આફ્રિકામાં જોવા મળતું પરંતુ ભારતનું સૌથી વધુ આયુષ્ય ધરાવતું વૃક્ષ છે. આ વૃક્ષની જાળવણી અને સંરક્ષણ માટે વનવિભાગ સહિત અનેક પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓના આગેવાનોના પ્રયાસરત છે. જેના કારણે ખુલ્લા મેદાનો વચ્ચે ઊભા આ વિરાટ વૃક્ષને વન વિભાગ દ્વારા ‘હેરિટેજ વૃક્ષ’ તરીકે સૂચિત કરવામાં આવ્યું છે.
ઊંધું વૃક્ષ તરીકે ઓળખાતા આ બાઓબાબ વૃક્ષ લાંબા સમય સુધી જીવતા પાનખર વૃક્ષો છે. આ વૃક્ષો હજારો વર્ષ સુધી જીવી શકે છે. અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી જૂનું અને 2450 વર્ષ જૂનું બાઓબાબ ઝિમ્બાબ્વેમાં છે. આ વૃક્ષો મૂળ આફ્રિકા, મડાગાસ્કર, ઑસ્ટ્રેલિયા અને ભારતમાં અમુક ભાગોમાં જોવા મળે છે. ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશના માંડુમાં હજારથી પણ વધુ વૃક્ષો જોવા મળે છે. પરંતુ ભારતમાં આવેલ બાઓબાબ વૃક્ષોમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતું 955 વર્ષ કરતા વધુ જૂનું વૃક્ષ પાદરા તાલુકાના ગણપતપુરામાં આવેલું છે.

બાઓબાબના પુખ્ત વૃક્ષોમાં બોટલ આકારના અથવા નળાકાર વિશાળ થડ હોય છે. આ થડ ખુબજ મોટા પ્રમાણમાં તાજા પાણીનો સંગ્રહ કરી શકે છે. જેનો ઉપયોગ પાણીની અછત ના સમયે અથવા સૌથી અનાવૃષ્ટિમાં પણ લીલાછમ રહેવા સાથે પૌષ્ટિક ફળો પણ આપે છે. સૂકા આફ્રિકન પ્રદેશોમાં જમીનને ભેજવાળી રાખવામાં અને પોષકતત્વોના રિસાયકલિંગ પ્રક્રિયામાં ખુબજ આ વૃક્ષો મદદરૂપ થાય છે. આ વૃક્ષના વિશાળ પ્રસરાયેલા મૂળ જમીનના ધોવાણને પણ અટકાવે છે. જેના કારણે તેને Tree of life તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગણપતપુરા ગામમાં પ્રકૃતિની વચ્ચોવચ આવેલ મહાવૃક્ષનો ઘેરાવો લગભગ 90 ફૂટનો છે. તેમાં લગભગ 50 હજાર લિટર પાણી સંગ્રહિત ક્ષમતા છે. અને આ વૃક્ષના મૂળ આજુ બાજુના ગામ સુધી પ્રસરેલા છે. વધુમાં આ વૃક્ષ હજારો જૈવ સૃષ્ટિ માટેનું સુરક્ષિત ઘર પણ બન્યું છે.
વડોદરામાં આવેલું આ વૃક્ષ સૌથી જૂનું વૃક્ષ હોવા સાથે પ્રકૃતિ, જૈવ વિવિધતા અને પર્યાવરણ સાથે આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. આ વૃક્ષને નુકસાન ન પહોંચે અને આધ્યાત્મિક મહત્વ થકી લોકો તેને બચાવવા માટે જાગૃત થાય તે માટે આ વિશાળ વૃક્ષના શીતળ છાંયડામાં અલખધણી રામાપીરનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જેના કારણે મંદિર અને આ હેરિટેજ વૃક્ષ બન્નેનો મહિમા સચવાઈ રહ્યો છે.

આ મહાવૃક્ષ સ્થાનિક ભાષામાં રૂખડો અથવા ઘેલું વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ વૃક્ષને જોવા માટે ગણપતપુરામાં પર્યાવરણશાસ્ત્રીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ તથા પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જેથી આ સ્થળને વિકસાવવા માટે વન વિભાગ દ્વારા વન કુટિર, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલય અને પીવાના પાણીની સુવિધાઓ પણ ઊભી કરાઈ છે. બીજી તરફ મહાવૃક્ષની જતન અને સંવર્ધન માટે ગણપતપુરા અને રાયપુરાને જોડતા માર્ગ સહિત કેટલાય કોંક્રિટ બાંધકામને પણ સ્થગિત કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રવૃતિ થકી આ વૃક્ષને હાની ના પહોંચે તે માટે વન વિભાગને અનેક પર્યાવરણ પ્રેમીઓએ આંદોલન પણ કર્યા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં આવા 150-200 વર્ષનું આયુષ્ય ધરાવતા આશરે 5-6 વૃક્ષો છે. આ વૃક્ષો માત્ર એક પ્રાકૃતિક સ્મારક જ નથી, પરંતુ પાણીના સંગ્રહથી લઈને જમીનના ધોવાણને અટકાવવા સુધી અનેક પર્યાવરણીય લાભો પૂરા પાડે છે. પર્યાવરણ દિવસના આ અવસરે, આપણે સૌ આ હેરિટેજ વૃક્ષ તમામ વૃક્ષોના સંરક્ષણ અને જતન માટે પ્રતિબદ્ધ થઈએ. આવા અનોખા વૃક્ષોને ભાવિ પેઢીઓ માટે સાચવીએ, જેથી તે પ્રકૃતિની મહાનતા, પર્યાવરણીય સંરક્ષણનો સંદેશ અને કુદરતી સૌંદર્યને પ્રસરાવતા રહે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત