Homeદે ઘુમા કેઆંખોને આનંદ બક્ષતી ભારતીય ક્રિકેટ ટીમની વાતો

આંખોને આનંદ બક્ષતી ભારતીય ક્રિકેટ ટીમની વાતો

ક્રિકેટની સાથે ભારતના કરોડો લોકો જોડાયેલા છે. ક્રિકેટ રમવું બધાને ગમે છે, પરંતુ તેની સાથે જોડાયેલો ઈતિહાસ બહુ ઓછા લોકોને ખબર છે. જેટલું ક્રિકેટ રમવું અને જોવું રસપ્રદ છે તેટલો જ તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે. શું તમને ખબર છે ભારત પહેલી વાર વિદેશની ધરતી પર ક્યારે ટેસ્ટ સિરીઝ જીત્યું ? શું તમને એ ખબર છે ક્રિકેટના પાયાના સ્પીનર્સ કોણ હતા? એ સમયે પણ ભારતીય ટીમમાં વિશ્વના શ્રેષ્ઠ બેસ્ટમેન ભારત પાસે જ હતા. આવો આજે ક્રિકેટના ઈતિહાસની પીચને ફરીથી થોડી પલાળી લઈએ.  

ભારતીય ટીમના પહેલાં કેપ્ટન

ભારતના પહેલાં આંતરરાષ્ટ્રીય કેપ્ટન સી.કે.નાયડુ હતા. શરૂઆતમાં લાંબા સમય સુધી ભારતીય ટીમને એક નબળી ટીમ માનવામાં આવતી હતી. અન્ય ટીમ માત્ર ભારત સામે પ્રેક્ટીસ માટે જ રમતી હતી. ૧૯૫૦ પછી ભારતીય ટીમનો દશકો શરૂ થયો. બે વર્ષ પછી એટલે કે ૧૯૫૨માં ભારતે પહેલી આંતરાષ્ટ્રીય ટેસ્ટ મેચ જીતી. ૧૦ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ ચેન્નઈના મેદાનમાં ભારતે ઈંગ્લેન્ડને એક ઈનિંગ અને ૮ રનથી હરાવ્યું અને જીતનો શુભારંભ કર્યો. આ મેચમાં પહેલી ઈનિંગમાં વિનોદ માંકડે એકલા હાથે વિરોધી ટીમના આઠ ખેલાડીઓને પવેલિયન મોકલ્યા હતા. ઈંગ્લેન્ડને હરાવ્યું એટલે  દુનિયાભરના ક્રિકેટ રસિકોએ ભારતીય ટીમની નોંધ લીધી. અહીથી ભારતીય ટીમની સાચી રમતની શરૂઆત થઈ અને ભારતમાં પણ ક્રિકેટનું એક સબળ વાતાવરણ ઊભું થયું.

પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું

આ જ વર્ષે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ આવી રહી હતી, જે જીતી ભારતીય ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડવો હતો. આખરે એ દિવસ પણ આવી ગયો. ડિસેમ્બર ૧૯૫૨માં જ પાકિસ્તાનની ટીમ સાથે ટેસ્ટ મેચની શરૂઆત થઈ. ૧૫ ડિસેમ્બર ૧૯૫૨ના રોજ ભારતીય ટીમે સિરીઝ જીતી સાબિત કરી દીધુ કે ‘હમ કીસી સે કમ નહીં’. આ સિરીઝમાં ભારતે પાકિસ્તાનની ટીમને ૨-૧થી હરાવી હતી.

ન્યુઝિલેન્ડને તેની જ ધરતી પર હરાવ્યું

ક્રિકેટના ઈતિહાસમાં આ સિરીઝની જીતથી ભારતનો ટેસ્ટ શ્રેણીમાં શુભારંભ થયો હતો. ઘર આંગણે તો ભારતનું પ્રદર્શન સુધરી જ રહ્યું હતું. પરંતુ વિદેશની ધરતી પર ભારતીય ટીમને હજુ ઉભરતી ટીમ માનવામાં આવતી હતી. ૧૯૫૦ પછી બે દશકા જતા રહ્યા, પરંતુ ભારતને હજુ સુધી વિદેશની ધરતી પર જીતનો સ્વાદ ચાખવા ન હતો મળ્યો.  ૧૯૬૭-૬૮માં ભારતીય ટીમનું આ સ્વપ્ન પણ પૂર્ણ થયું. ન્યૂઝિલેન્ડને તેની જ ધરતી પર હરાવી ભારતે પોતાની યશ કલગીમાં વધારો કર્યો. આ સમયે ભારત પાસે બોલિંગ લાઈન બહુ મજબૂત હતી. સ્પીનર્સ શાનદાર ફોર્મમાં હતા. બિશન સિંહ બેદી, ઈ.એ.એસ. પ્રસન્ના, ભાવગવત ચંદ્રશેખર અને શ્રીનિવાસ વેંકટરાઘવન વિરોધી ટીમને હંફાવતા હતા. એટલું જ નહીં વિશ્વના બે શ્રેષ્ઠ બેટ્સમેન પણ ભારત પાસે જ હતા. એક સુનિલ ગાવસ્કર અને બીજા ગુડપ્પા વિશ્વનાથ.

વિશ્વકપ જીતી ઈતિહાસ રચ્યો

૭૦ના દાયકાના મધ્યમાં વન ડે ક્રિકેટનું આગમન થયું. ટેસ્ટ ક્રિકેટની જેમ વન ડેમાં પણ ભારતનું શરૂઆતનું પ્રદર્શન નબળું રહ્યું. ધીમે ધીમે ભારતીય ટીમના ખેલાડીઓની મહેનત મેદાનમાં દેખાવા લાગી. અને એક દશકા બાદ ૧૯૮૩માં કપિલદેવની આગેવાનીમાં ભારતે ઈંગ્લેન્ડની ધરતી પર વિશ્વકપ જીતી ઈતિહાસ રચી દીધો.

‘દાદા’ની આગેવાનીમાં ચિત્તાની જેમ દોડી ટીમ !

૯૦ના દશકા બાદ ભારતીય ટીમ ચિત્તાની જેમ દોડવા લાગી હતી. ૨૦૦૧માં સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ભારતીય ટીમે વન ડે ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ધરતી પર જીત મેળવી. આ દરમિયાન જ ભારતીય ટીમે શ્રીલંકા સામે ૨૦૦૨માં સંયુક્ત રૂપે ICC ચેમ્પિયન ટ્રોફી પણ જીતી.

કેપ્ટન કૂલે રચ્યો ઈતિહાસ

વર્ષ ૨૦૦૭માં ઈન્ડિયાને કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ ધોનીએ ભારતને ટી-૨૦નો ખિતાબ અપાવ્યો. એટલું જ નહીં ૨૦૧૧માં બીજી ICC વર્લ્ડ કપ અપાવી અપાવી ભારતીય ટીમને ફરી ટોચ પર પહોંચાડી. વર્ષ ૨૦૧૩માં ભારતીય ટીમે ICC ચેમ્પિયન ટ્રોફી પણ જીતી. હવે ભારતની નજર ૨૦૨૩ના વર્લ્ડકપ પર છે. ભારતીય ટીમને હાલ વર્લ્ડકપની જીતની દાવેદાર માનવામાં આવે છે. હાલ ભારતીય ટીમ પાસે વિશ્વનો પ્રથમ નંબરનો બોલર પણ છે અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન પણ. જો કે, જોઈએ ભવિષ્યનો સાચો અંદાજ કોઈ નથી લગાવી શકતું. કેમ કે ‘કલ કિસને દેખા હૈ’ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments