સવારમાં મીના બહેનના દીકરાએ હઠ પકડી ‘મમ્મી મારે સ્કૂલે જવું છે. મીસને બહું મિસ કરું છું. સ્કૂલ બંધ છે તો હું મારા મિત્રોને પણ નથી મળી શકતો. અમારે રિસેસ ટાઈમમાં મસ્તી કરવી છે. મને મારો ક્લાસ બહું આવે યાદ આવે છે મમ્મા.’ આટલું કહીને ટેણીયું મીના બહેનને બાથ ભીડીને રડવા માંડ્યુ અને બોલ્યું, ‘મમ્મા આપણા દેશમાં તો કોરોના ઓછો થઈ ગયો છે ને ? મમ્મા કોરોના ખતમ થઈ જશેને ? પછી અમે સ્કૂલમાં પહેલાં જેમ જ મસ્તી કરી શકીશુંને?’
મીના બહેને બાળકના માથે હાથ ફેરવ્યો અને આશ્વાસન આપ્યું, ‘હા બેટા, બધું પહેલાં જેવું થઈ જશે, પણ જ્યાં સુધી વેકસીન નહીં આવે ત્યાં સુધી સાવચેતી તો રાખવી પડશે.’ પછી મીના બહેને તેને છાનો રાખીને ખોળામાં બેસાડી કોરોના વિશે સમજ આપી કે, ‘બેટા કોરોનાને ભીડ ગમે છે. ઉતાવળ કરીશું તો આપણા દેશની હાલત પણ યુરોપ જેવી થશે.’
બાળકે પૂછ્યું, ‘કેમ મમ્મા યુરોપમાં એવું શું થયું છે ?’
મીના બહેને બાળકના માથામાં હાથ ફેરવતા ફેરવતા જવાબ આપ્યો, ‘બેટા…’
વિશ્વ આરોગ્ય સંસ્થા WHO અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓમાં એવો દાવો કર્યો છે કે, યુરોપમાં અમેરિકાની તુલનામાં કોરોનાના કેસમાં અચાનક અનેક ગણો વધારો થયો છે. જોન્સ હોપકિન્સના આંકડા પ્રમાણે, અમેરિકામાં 6થી 13 ઓક્ટોબર વચ્ચે જેટલા કેસ મળ્યા, તેની તુલનામાં યુરોપનાં પાંચ સૌથી પ્રભાવિત દેશોમાં 42% વધુ કેસ સામે આવ્યા છે. 13 ઓક્ટોબરે અમેરિકામાં લગભગ 49,542 કેસ મળ્યા હતા. જ્યારે યુરોપના ફ્રાંસ, યુકે, રશિયા, સ્પેન અને નેધરલેન્ડમાં એ જ દિવસે 70,158 કેસ મળ્યા હતા.
બેટા યુરોપમાં સૌથી વધુ ખરાબ હાલત ફ્રાન્સની છે. એકલા ફ્રાન્સમાં જ એક દિવસમાં 30 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે ફ્રાન્સ માટે ખુબ ચિંતાજનક છે.
મહામારી શરૂ થયા પછી ફ્રાન્સમાં એક દિવસમાં નોંધાનારો આ સૌથી મોટો આંકડો છે. એટલે ત્યાંની સરકારે ફરી કર્ફ્યૂ લાદવાની ફરજ પડી છે.
બાળકે માથું ધુણાવ્યું અને કહ્યું, ‘બરાબર.’
મીના બહેન બોલ્યા, ‘હા.’
ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડર્મેનિયને રાજધાની પેરિસ સહિત તમામ મુખ્ય શહેરોમાં કર્ફ્યૂનું કડકાઈથી અમલ કરાવવાની સૂચના આપી છે. તેના માટે 12 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 8 લાખ 9 હજાર 684 લોકો સંક્રમીત થઈ ચુક્યા છે અને 33 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે.
આર્જેન્ટિના સરકાર પણ નિયમો આકરા કરવાનું વિચારી રહી છે. આર્જેન્ટિનામાં એક દિવસમાં 17096 નવા કેસ નોંધાયા છે. એટલે ત્યાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા 9 લાખ 49 હજારથી વધી ગઈ છે. જેની સામે 25 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આર્જેન્ટિનાના આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં 7 લાખ 64 હજાર 859 લોકો સ્વસ્થ થયા છે. ત્યાંની સરકારે કહ્યું છે કે, વધતા સંક્રમણને જોઈને કોરોના પ્રતિબંધો આકરા કરવાનું આયોજન થઈ રહ્યું છે.
બેટા જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ સ્વીકાર્યું છે કે,
ત્યાં સંક્રમણની બીજી લહેર શરુ થઈ છે. પણ તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, હવે દેશમાં લૉકડાઉન નહીં કરવામાં આવે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમાં કોઈ બે મત નથી કે આપણે મહામારીના સમયમાં છીએ અને સ્થિતિ હવે ગંભીર બની ચૂકી છે. અમે ઈચ્છીએ છીએ કે સંક્રમિતોને ઓળખી તેમનો ઈલાજ કરવામાં આવે. દેશના તમામ સંબંધિત હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ કામમાં સાથ આપી રહ્યા છે. દરરોજ કેસ વધી રહ્યા છે. ઈકોનોમીની ચિંતા છે, તેથી બીજું લોકડાઉન લગાવી શકીએ તેમ નથી.
એટલે કોરોના વાયરસની ગંભીરતાને આપણે સમજવી પડશે. જરા પણ બેદરકારી દાખવીશું તો આપણે અને દેશને જ નુકસાન છે. ભારતમાં પણ કોરોનાની બીજી લહેર શરુ થઈ શકે છે.
એવામાં બાળકના નસકોરાનો અવાજ આવ્યો. મીના બહેનને અહેસાસ થયો કે તેઓ ક્યારના એકલા એકલા બોલતા હતા. તેમનો લાડલો તો સપનાઓની દુનિયામાં જતો રહ્યો હતો. એટલે તેઓ મનમાં જ હસ્યા. બીજી જ મિનિટે ગંભીર થઈ બાળકના મન પર કોરોનાની જે અસર થઈ છે તેના વિશે વિચાવા લાગ્યા. તેમને પણ પ્રશ્ન થયો મારા બાળક જેવા બીજા કેટલાય બાળકોને સ્કૂલ યાદ આવતી હશે ? થોડી વાર બાદ તેઓ સ્વસ્થ થયા અને બાળકને વ્યવસ્થિત સુવડાવી પોતાના કામમાં લાગી ગયા.