Homeગુર્જર નગરીકોરોના વોરિયર્સને અન્યાયઃ ઇન્ટર્ન ડોક્ટરો આજથી હડતાળ પર

કોરોના વોરિયર્સને અન્યાયઃ ઇન્ટર્ન ડોક્ટરો આજથી હડતાળ પર

રાજ્યમાં કોરોના વાઇરસ સામે લડવા માટે રાજ્ય સરકારે ઇન્ટર્ન ડોક્ટરોની પણ મદદ લીધી હતી પરંતુ આ ઇન્ટર્ન ડોક્ટરો પોતાને મળતા સ્ટાઈપેન્ડને લઈને આજથી હડતાળ પર ઉતરી ગયા છે. અનેક વખત સરકારને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજથી રાજ્યમાં ફરજ બજાવતા ઇન્ટર્ન ડોક્ટરોએ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. જેની સીધી અસર કોવિડ સેન્ટર પર પડશે.

ઇન્ટર્ન ડોક્ટરોનો આરોપ છે કે કોરોનાકાળમાં અન્ય રાજ્ય કરતાં ઓછું વેતન ગુજરાત સરકાર દ્વારા ડોક્ટરોને અપાઈ રહ્યું છે. કોરોનાના સમયગાળામાં ઇન્ટર્ન ડોક્ટરોએ ખડેપગે રહીને દર્દીઓની સંભાળ રાખી પોતાની ફરજ બજાવી છે ત્યારે તેમને માત્ર રૂ. 12,800 જેટલું જ મહિને વેતન આપવામાં આવી રહ્યું છે. કોરોના સેન્ટરમાં ફરજ બજાવતા અનેક ડોક્ટરો કોરોનાગ્રસ્ત પણ થયા છે અને સાજા થઈને ડ્યુટી પર પરત ફર્યા છે. તેમ છતાં સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ મુદ્દે કોઈ જવાબ નથી મળી રહ્યો.

ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજ અને તેની સાથે જોડાયેલા સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરીથી ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ દરમિયાન કોરોના મહામારીમાં હોસ્પિટલમાં પણ વોર્ડ, ઓપીડી, આઈસીયુ સહિતના વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આ ઇન્ટર્ન ડોક્ટરોને 12,800 રૂપિયા મહિને સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. ઇન્ટર્ન ડોક્ટરોનું માનવું છે કે આ સ્ટાઈપેન્ડ ઘણું ઓછું છે. કેમ કે ગુજરાતની સરખામણીએ મુંબઈમાં ઇન્ટર્ન ડોક્ટરોને 39,000 રૂપિયા અને કેરળમાં 22,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેથી ગુજરાતમાં 20,000 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવાની ઇન્ટર્ન ડોક્ટરો સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.

આ અંગે ઇન્ટર્ન ડોક્ટરોના પ્રતિનિધિ મંડળે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ અને તબીબી શિક્ષણ સચિવને 20,000 રૂપિયા ચૂકવવા રજૂઆત કરી હતી પરંતુ દરેક વખતે એક જ જવાબ મળ્યો હતો કે, થઈ જશે. પરંતુ આજદિન સુધી કોઈ નિર્ણય ન લેવાતા સરકારની પગાર નહીં વધારવાની નીતિ સામે ઇન્ટર્ન ડોક્ટરો આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે.

ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ઇન્ટર્ન ઓફ ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાત નામના ફેસબુક પેઈજ પર ગુજરાત સરકારને આ અંગે રજૂઆત કરતો પત્ર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં પોતાની ત્રણ માગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે.

માગણી નં.-1

ઇન્ટર્ન ડોક્ટરોના પ્રવર્તમાન સ્ટાઈપેન્ડને 12,800 થી વધારીને ઓછામાં ઓછું 20,000 કરી આપવામાં આવે અને ઠરાવનો અમલ એપ્રિલ 2020 માસથી જ લાગુ કરી મહેનતાણા રૂપે એરિઅર્સ સાથે ચૂકવવામાં આવે.( અમે ઇન્ટર્ન ડોક્ટરોએ એપ્રિલ 2020 માસથી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છીએ)

માગણી નં.-2

ગુજરાતના ઉપરોક્ત તમામ ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા એપ્રિલ મહિનાથી આજદિન સુધી બજાવવામાં આવેલ ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં 1:1 ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થયે ઉપરોક્ત તમામ ઇન્ટર્ન ડોક્ટરોને બોન્ડ મુક્ત ગણવા.

માગણી નં.-3

ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા આજદિન સુધી બજાવવામાં આવેલ કોવિડ ફરજના દિવસોના પ્રોત્સાહિત માનદ મહેનતાણા રૂપે પ્રતિદિન ઓછામાં ઓછું રૂ.1000 લેખે આપવામાં આવે. (દિલ્હી સરકાર (gnctd) દ્વારા કોવિડ ડ્યુટી કરતાં મેડિકલના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન અને ડેન્ટલ પાસ થયેલા ડોક્ટરોને રૂ. 1000 8 કલાકની પાળી માટે અને રૂ. 2000 12 કલાકની પાળી માટે માનદ વેતન આપવામાં આવે છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડિકલ તથા નર્સિંગના વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ ઉપરાંત માનદવેતન રૂપે પ્રતિ દિવસના રૂ.500 આપવામાં આવે છે) અને સરકાર દ્વારા આ બાબતો પર હકારાત્મક નિર્ણયની આશા વ્યક્ત કરવામાં આવી છે.

ઈન્ટર્ન ડોક્ટરોએ સરકારને લખેલો રજૂઆત કરતો પત્ર

આ ત્રણ માગ સાથે રાજ્યના ઇન્ટર્ન ડોક્ટરોએ સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જો આ માગણી ઝડપથી પૂર્ણ નહીં થાય તો અમને ફરજમાં રાહત આપવામાં આવી છે તેમ સમજીને રાજ્યની તમામ સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોલેજના ઇન્ટર્ન તબીબો દ્વારા બજાવવામાં આવતી તમામ પ્રકારની સેવાઓથી અળગા રહીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવામાં આવશે.

ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળના કારણે રાજ્યમાં કોવિડ ઉપરાંત અન્ય મેડિકલ સેવા પણ પ્રભાવિત થશે. ગુજરાતની 6 સરકારી મેડિકલ કોલેજના 800 કોરોના વોરિયર્સ સ્ટાઈપેન્ડ મુદ્દે સરકારથી નારાજ છે. જેથી રાજ્યની અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના 800 જેટલા એમબીબીએસ ડોક્ટર્સ આ હડતાળમાં જોડાયા છે. જેથી ઇમરજન્સી સેવા સિવાયની મેડિકલ સેવા પર મોટી અસર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દે સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments