Homeગુર્જર નગરીજેતપુરના બોરડી સમઢીયાળાના ખેડૂત પુત્ર પ્રિન્સ હિરપરાને 99.22 PR, પરિણામના 20 દિવસ...

જેતપુરના બોરડી સમઢીયાળાના ખેડૂત પુત્ર પ્રિન્સ હિરપરાને 99.22 PR, પરિણામના 20 દિવસ પહેલાંથી જ સી.એ.નો અભ્યાસ શરૂ કરી દીધો

Team Chabuk-Gujarat Desk: સખત પરિશ્રમ અને મન અડગ હોય તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે. નાના ગામડામાં રહીને પણ મોટી સિદ્ધિ હાંસલ કરી શકાય છે. આ વાતને સાર્થક કરી છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના વિદ્યાર્થીએ. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના ખેડૂત પુત્ર પ્રિન્સ હિરપરાએ ઝળહળતી સફળતા મેળવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રિન્સ હિરપરાએ 99.22 PR મેળવીને સમગ્ર ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે.

પ્રિન્સ હિરપરાએ ધોરાજી રોયલ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કર્યો છે અને ધોરાજી હોસ્ટેલમાં જ રહેતો હતો. કોઈપણ ટ્યૂશન વિના માત્ર શાળામાં જ અભ્યાસ કરાવતાં હતા તેના પર જ ધ્યાન આપીને પ્રિન્સે આ પરિણામ હાંસલ કર્યું છે. દરરોજ પાંચથી છ કલાકની સખત મહેનતથી તેણે બોર્ડની પરીક્ષામાં 99.22 PR મેળવ્યા છે.

પ્રિન્સ હિરપરાને પહેલાંથી જ સીએ બનવાની ઈચ્છા હતી. તેથી તેણે પરિણામ આવ્યાના 20 દિવસ પહેલાં જ વેકેશન માણવાના બદલે સીએનો અભ્યાસ કરવા માટે અમદાવાદ જવાનું નક્કી કર્યું હતું અને 20 દિવસ પહેલાં જ તેણે અમદાવાદમાં સીએનો અભ્યાસ શરૂ કરી દીધો છે. ત્યારે આજે પરિણામ પણ સારું આવતા પ્રિન્સ હિરપરા અને સમગ્ર પરિવાર ખુશખુશાલ છે. પ્રિન્સ હિરપરાના પિતા પ્રવિણભાઈ બોરડી સમઢીયાળામાં રહીને ખેતીકામ કરી રહ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીએ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

પ્રિન્સ હિરપરાએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં કોમર્સના મહત્વના વિષયોમાં 90 પ્લસ ગુણ મેળવ્યા છે. જેમાં નામાન મૂળતત્વોમાં 100માંથી 96 ગુણ, આંકડાશાસ્ત્રમાં 95 ગુણ, વાણિજ્ય વ્યવહારમાં 93 ગુણ અને સેક્રેટેરિયલ પ્રેક્ટિસમાં 94 ગુણ મેળવ્યા છે. જ્યારે અર્થશાસ્ત્રમાં 86, અગ્રેજીમાં 74 અને ગુજરાતીમાં 87 ગુણ પ્રાપ્ત કર્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments