Homeગુર્જર નગરીજૂનાગઢમાં વકીલની હત્યામાં મોટો ઘટસ્ફોટ, નિંદ્રાધિન પતિની પત્નીએ જ હત્યા કરી હોવાનું...

જૂનાગઢમાં વકીલની હત્યામાં મોટો ઘટસ્ફોટ, નિંદ્રાધિન પતિની પત્નીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેરના વકીલ નિલેશ દાફડાની સોમવારે થયેલી હત્યામાં મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસને મૃતક વકીલ નિલેશ ડાફડાના પત્ની કાજલ દાફડા પર શંકા જતાં તેઓની પુછપરછ કરતાં તેમણે જ પોતાના પતિની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ શહેરના મંગલધામ વિસ્તારમાં રહેતા વકીલ નિલેશ દાફડાની સોમવારે સવારે તેમના ઘરમાંથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં વકીલની હત્યા તેમના પત્ની કાજલ દાફડાએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીએ કબૂલાત આપી છે કે પતિ જ્યારે રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા તે દરમિયાન નિંદ્રાધિન હાલતમાં જ છરીથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી.

જૂનાગઢ શહેરના મધુરમ નજીક આવેલા મંગલધામ વિસ્તારમાં રહેતાં 38 વર્ષીય વકીલ નિલેશ દેવસીભાઈ દાફડાની સોમવારે સવારે તેમના ઘરમાંથી ગળું કાપેલી અને લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તિક્ષ્ણ હથિયાર વડે વકીલનું ગળું કાપી નાખવામાં આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલીને સગા-સંબંધીની પુછપરછ કરી હતી.

પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક વિગતો પ્રમાણે, વકીલ નિલેશ દાફડાની દારૂનો નશો કરીને ઝઘડો કરવાની ટેવથી પત્ની કાજલ દાફડા કંટાળી ગઈ હતી. રવિવારે સાંજે વકીલ નિલેશ દાફડાએ દારૂ પીને પત્ની કાજલ સાથે ઝઘડો કર્યો હતો. તેથી કાજલે તેમના સાસરિયાના ઘરે જઈને સમગ્ર વાત જણાવી હતી. ત્યારબાદ પત્ની કાજલે નિલેશ દાફડાના મિત્ર વિશાલને પણ આ બાબતે ફોન કરીને વાત કરી હતી.

બાદમાં વિશાલ અને નિલેશની વાતચીત થયા પછી નિલેશ દાફડા દારૂ પીને સૂઈ ગયો હતો. અને ત્યારબાદ વિશાલ પણ પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. પરંતુ કાજલને ઉંઘ આવી ન હતી. પત્ની કાજલે રાત્રે જ પતિને મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું ઘડ્યું અને ચપ્પાથી નિલેશનું ગળું કાપી નાખ્યું હતું. પતિની હત્યા બાદ કાજલ આખી રાત ઘરે જ રહી અને સવારે પોતાના સાસરિયા પાસે જઈને નિલેશે આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું. જેથી તેની નણંદે પોલીસને આત્મહત્યાની જાણ કરી હતી.

પરંતું પોલીસને તપાસ દરમિયાન કાજલ દાફડા પર શંકા ગઈ હતી. જેથી તેની કડક પુછપરછ કરવામાં આવી હતી અને પુછપરછ દરમિયાન પત્ની કાજલ ભાંગી પડી હતી અને પતિની હત્યા કરી હોવાની હકીકત પોલીસ સમક્ષ કબૂલી લીધી હતી. પતિ અવાર નવાર દારૂ પીને આવીને માથાકૂટ કરતો હોવાથી કંટાળીને હત્યા કરી હોવાનું પત્ની કાજલ દાફડાએ જણાવ્યું હતું. કાજલ દાફડાની આ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આમ પતિની હત્યામાં પત્નીનું નામ આરોપી તરીકે બહાર આવતાં તેમના બે સંતાનો નોંધારા બન્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments