Team Chabuk-Gujarat Desk: શ્રાવણ માસને વિદાય આપીને આજથી ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ભાદરવા મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી ત્રણ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોને મોટી રાહત મળી છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લામાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 20મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 8 અને 9 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં આશા બંધાઈ છે કે ચાલુ વર્ષે વરસાદની જે ઘટ જોવા મળી રહી છે તે આગામી દિવસોમાં ભરપાઈ થશે. હાલમાં ગુજરાતમાં ઓછા વરસાદના કારણે કુલ વરસાદની ઘટ 41 ટકા છે. પરંતુ આગામી અઠવાડિયામાં સારા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટમાં નોંધપાત્ર ઘટાડો થવાના સંકેતો હવામાન વિશેષજ્ઞે આપ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો-પ્રેશર રચાશે, જે 7થી 8 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે. જેના લીધે રાજ્યમાં થંડરસ્ટ્રોમની ગતિવિધિ વધી શકે છે. 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેની અસર 8થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા 20મી સુધી સારો વરસાદ પડી શકે છે.
સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ 9 ટકા ઘટીને 41 ટકાએ પહોંચી છે, જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 44 અને સૌરાષ્ટ્રમાં 37 ટકા ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ 8થી 14 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાના અંતે વરસાદની ઘટ 25 ટકા રહેવાની શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત