Homeગુર્જર નગરીજૂનાગઢ: પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યામાં વધુ પાંચ લોકોની...

જૂનાગઢ: પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યામાં વધુ પાંચ લોકોની અટકાયત

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી જનારા પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યાના કેસમાં પોલીસે વધારે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હત્યા કરનારા આરોપીઓમાં મૂળ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિનો હાથ હતો. જેની પોલીસે મધ્યપ્રદેશથી ધરપકડ કરી હતી. અગાઉ પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશભાઈ પરમારની હત્યામાં 19 લોકોના શકમંદ તરીકે નામ લખાવ્યા હતા. જોકે તેમાંથી કેટલાયની વિરુદ્ધ પુરાવા હાથ લાગ્યા નહોતા. આ વચ્ચે પોલીસે અન્ય પાંચ લોકોની અટકાયત કરી છે જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ શખ્સોની સામે હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં ગીતાબેન કાળાભાઈ, હેતલબેન ઉર્ફે હેતી અશોકભાઈ, અશોકભાઈ કાળાભાઈ સાઉ, રાકેશભાઈ કાળાભાઈ સાઉ, અશોકભાઈ કાંતીભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સોના નામ અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપી સહિતના આરોપીઓએ આપ્યા છે. પોલીસે પણ 100 કરતા વધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સમગ્ર વિગત મેળવી હતી.

બિલખા રોડ પર થઈ હતી હત્યા

લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશભાઈ પરમાર જ્યારે સ્કૂટર લઈ બિલખા રોડ પર રામનિવાસ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં ધર્મેશ પરમારનું મોત થયું હતું. ધર્મેશભાઈ પરમારની હત્યાના સમાચાર શહેર આખામાં પ્રસરી જતા ખળભળાટ મચી ગયો હતો. જે પછી પોલીસે નજીકના સીસીટીવી ચેક કરી આરોપીઓને પકડવા માટે પ્રાથમિક કવાયત હાથ ધરી હતી. 

સૌ પ્રથમ આરોપીઓ કેવી રીતે પકડાયા ?

આરોપીઓ રાજકોટ આવ્યા હતા ને ગોંડલ રોડ પર આવેલા પરીન ફર્નિચર પાછળ આવકાર સિટીમાં છુપાયા હોય ત્યાંથી રાજસ્થાન કલટી મારી જવા માટે વાહનની શોધખોળ કરી રહ્યા હતા. આ અંગેની બાતમી ઉચ્ચ અધિકારીઓને મળતા તેમણે તાલુકાની બે ટીમો મોકલી હતી. જોકે આરોપીઓ આવકાર સિટીમાંથી નીકળી ખેતર તરફ ભાગતા હતા ત્યારે પોલીસે ત્રણ કિલોમીટર જેટલો લાંબો રૂટ દોડીને પાર કરી તેમને પકડી પાડ્યા હતા. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી તેમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશ સોલંકી, ઋષિરાજ રશ્મિકાંત ઠાકોર અને રામ જીવરાજ વાળા હતા. બાદમાં ત્રણે આરોપીઓની ધરપકડ કરી જૂનાગઢ એસઓજીને સોંપી દેવામાં આવ્યા.

પોલીસે કેવી રીતે ઉકેલ્યો મર્ડર મિસ્ટ્રીનો કોયડો ?

આ કેસમાં અગાઉ શકમંદ તરીકે ફરિયાદ લખાવી 19 જણાના નામ લખાવ્યાં હતાં. જેમાં ભાજપના બે કોર્પોરેટરો અને શહેર ઉપાધ્યક્ષનું નામ પણ સપાટી પર આવ્યું હતું. જોકે પોલીસને તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પુરાવા હાથ ન લાગતા, કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી. બાદમાં મહિલા કોર્પોરેટરનો પતિ સંજય ઉર્ફ બાડીયો સોલંકી અને તેના ભાઈ કમલેશ ઉર્ફ મચ્છર સહિતના છ શખ્સો ઝડપાયા હતા.

ધર્મેશભાઈ પરમારની હત્યા પાછળ રાજકીય સાઠગાઠ હોવાનું પ્રારંભિક તબક્કે લાગી રહ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ હતી જેથી લોકો આ પ્રકારની અટકળો લગાવી રહ્યા હતા. જેમાં વોર્ડ નંબર 15ની પેટા ચૂંટણીએ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું લાગતું હતું. જોકે પોલીસે આ અંગે જણાવ્યું કે, મૃતક ધર્મેશ અને સંજય બાડીયા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી મન દુ:ખ ચાલી રહ્યું હતું. જેનો ખાર રાખીને ધર્મેશ પરમારની હત્યા કરવામાં આવી છે.

ધર્મેશનું કાસળ કાઢી નાખવા માટે બાડીયાએ પોતાની સુરક્ષા માટેનો દરવાજો ખોલી લીધો હતો. એણે ખૂદ ગુજરાતની બહાર જાય ત્યારે ધર્મેશને મારવાનું કાવતરું ઘડ્યું હતું. જેથી શહેરમાં તે ન હોય અને કોઈને તેના પર શંકા ન જાય. સંજય ગુજરાતમાંથી આઉટ થઈ ગયો હતો અને બાદમાં ધર્મેશને મારવાનું કામ કમલેશે પોતાના બે સાળા, રામજી અને ભૂરિયાને આપ્યું હતું. આ સિવાય એક બાતમીદાર પણ હતો જેણે ધર્મેશ પર વોચ ગોઠવીને રાખી હતી. જે દિવસે બનાવ બન્યો એ દિવસે પણ બાતમી મળતા છ લોકો ધર્મેશનું ઢીમ ઢાળી દેવા માટે નીકળ્યાં હતાં. ધર્મેશ પરમાર જ્યારે સ્કૂટર લઈ બિલખા રોડ પર રામનિવાસ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં ધર્મેશ પરમારનું મોત થયું હતું.

પોલીસે હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા તમામ હથિયારો કબ્જે કર્યા હતા. સમગ્ર હત્યાકાંડનો મુખ્ય આરોપી સંજય બાડીયો રહ્યો જે ગુજરાતમાંથી મધ્યપ્રદેશ ચાલ્યો ગયો હતો. તેને ફોર વ્હિલ સહિત પકડી પાડવામાં આવ્યો હતો. અને હવે વધુ પાંચ લોકોની આ કેસમાં અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ કેસ આગામી સમયમાં કેવો વળાંક લે છે તેના પર સૌની નજર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments