Team Chabuk-Gujarat Desk: વન વિભાગે સાસણગીરમાં છેલ્લા એક વર્ષથી શિકારી પક્ષીઓના વિસ્તરણ અને વિસ્તાર માટેનું સંશોધન શરૂ કર્યું છે અને તેનો નિષ્કર્ષ પણ આવ્યો છે. અલગ-અલગ ચાર પ્રજાતિઓના પક્ષીઓના સ્થળાંતર વિશે પ્રથમ વખત સેટેલાઈટના માધ્યમથી માહિતી મેળવવામાં આવી. આ અંગેની તલસ્પર્શી વિગતો સામે આવી છે.
ગુજરાત રાજ્ય વનવિભાગે સૌપ્રથમ વખત સેટેલાઈટ ટેલીમેટ્રી સેન્ટ્રલ એશિયન ફ્લાય વે એટલે કે CAFથી ઈગલ અને પેલીડ હેરિયરની રસપ્રદ સ્થળાંતર પેટર્ન અંગેનું સંશોધન કર્યું. ઈગલની અલગ અલગ ચાર પ્રજાતિઓ પર આ સંશોધન કરાયું. સ્થળાંતર દરમિયાન પક્ષીની ઝડપ અને તેની ઉંચાઈનું અવલોકન પણ કરવામાં આવ્યું. ઉપરાંત આ શિકારી પક્ષીઓ કેટલી ઉંચાઈ સુધી અને કેટલું લાંબુ અંતર કાપી કયા કયા દેશ અને વિદેશમાં પરિભ્રમણ કરે છે તે અંગેનું સંશોધન કરાયું.
એક વર્ષથી આ અભ્યાસ કરાઈ રહ્યો હતો. જેમાં સપોર્ટેડ ઈગલ, ટોની ઈગલ અને પેલીડ હેરિયર તેમજ ગ્રેટર્સ ઈગલ સહિતના પક્ષીઓ પર વિશિષ્ટ પ્રકારની ટેગ લગાવવામાં આવી હતી. ટેગ લગાવ્યા બાદ આ પક્ષીઓ શિયાળા દરમિયાન સ્થળાંતર કેવી રીતે કરે છે અને કેટલું કરી શકે છે તે અંગેનો અભ્યાસ કરાયો. ટેગ લગાવવાથી તે વિશિષ્ટ પ્રકારની માઈક્રોચીપ ઉપગ્રહ સાથે કનેક્ટેડ હોવાને કારણે પક્ષીની દરેક પ્રકારની હરકત સાથે નોંધણી થતી હતી. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને ભારતના પક્ષીઓ કેટલા સમય સુધી સ્થળાંતર કરે છે અને કયા કયા સ્થળે જાય છે તે જાણવાનો હતો. મહત્વનું છે કે, આ અભિયાનમાં ગીર જંગલ વિસ્તારના તેલી બેટરી વિસ્તારને કવર કરાયો હતો. ગુજરાત દુનિયામાં સેન્ટ્રલ ફ્લાયમાં મધ્યમાં આવે છે.
સંશોધન દરમિયાન નોંધાયું કે, ઈન્ડિયન સ્પોટેડ ઈગલ ભારત અને પાકિસ્તાનમાં જ સ્થળાંતર કરે છે. જ્યારે અવની ઈગલમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. ટાવની ઈગલની નવી રેન્જ મળી છે. જે રજિસ્ટર નથી તે દિશામાં પણ તેઓ ઉડતા નજરે પડ્યા છે. ટાવની ઇગલ નામના પક્ષીઓ ગીર જંગલ વિસ્તારમાંથી માઇગ્રેશન કરી કઝાકિસ્તાન સુધી ફ્લાય કરતા નોંધાવવામાં આવ્યા છે. જેટલા પણ પક્ષીઓને ટેગ કરવામાં આવ્યા હતા તેમાંથી સૌથી નાનું પેલીડ હેરિયર નામનું પક્ષી હતું. જે સૌથી વધારે દૂર ગયું હોવાનું નોંધવામાં આવ્યુ છે. પેલીડ હેરિયર સાસણથી લઈને રશિયાના કેટલાક વિસ્તાર સુધી પહોંચ્યું હતું.
શિકારી પક્ષીઓ જે સ્થળાંતર કરે છે તે શિયાળો પૂર્ણ થવાનો હોય અને ઉનાળો શરૂ થતાં પહેલાં સ્થળાંતર શરૂ કરી દે છે. જેમ જેમ તેઓ ઉડે છે તેમ તેમ તેની ગતિમાં સતત વધારો થતો જાય છે. ગીર સાસણના જંગલમાંથી સ્થળાંતર કરેલુ હેરિયર એક જ દિવસમાં પાકિસ્તાન સુધી પહોંચી ગયું હોવાનું નોંધાયું છે. તો સૌથી આશ્ચર્યની વાત એ નોંધવામાં આવી કે જે પક્ષીઓ સ્થળાંતર કરીને જે રૂટ પરથી પસાર થયા તે પક્ષીઓ એ જ રૂટ પરથી ઉડીને પરત પણ આવ્યા.