Homeગુર્જર નગરીજૂનાગઢ: રખડતા ઢોરનો ત્રાસ છે એનું પ્રમાણ સરકારી ગાડીને મળી ગયું, ઝઘડતા...

જૂનાગઢ: રખડતા ઢોરનો ત્રાસ છે એનું પ્રમાણ સરકારી ગાડીને મળી ગયું, ઝઘડતા ઝઘડતા એવા ભટકાયા કે ગોબો પાડી દીધો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેરમાં વણઝારી ગરબીના ગીચ વિસ્તારમાં જ્યાં જ્યાં સ્થળ ત્યાં ત્યાં પશુઓનું મહેરામણ ઉમટી પડે છે. કોઈ વખત અહીં પશુઓ જ જોવા મળે, જે ક્યારે ચાલતા રાહદારીને ઢીંક મારી પોતાની તાકાતનો પરચો બતાવે કહી ન શકાય. એમાંય હવે તો ચોમાસાની ઋતુ આવી હોવાથી ગંદકી સાથે પશુઓનો સુગમ સમન્વ્ય જૂનાગઢના આ ગીચ વિસ્તારમાં જોવા મળશે. જૂનાગઢની ગિરનાર સિવાય આ પણ એક મહામૂલી ઓળખ છે, જેની તો ત્યાંના સ્થાનિકોને જ ખબર છે, કારણ કે તેમણે દર ચોમાસે અહીં ઠેબ ખાવી પડે છે.

જૂનાગઢના આ મધ્ય વિસ્તારની સૌથી મોટી સમસ્યા એટલે ઢોરે જમાવેલો અડ્ડો. ઉપરથી આખલાઓ વચ્ચેનું બાહુબલી યુદ્ધ જામે તો આખા વણઝારી ચોકને બાનમાં લે. આવી જ એક લડાઈ ગઈકાલે તારીખ વીસના રોજ અગિયાર વાગ્યાની આસપાસ જામી હતી. રખડતા ઢોર મુદ્દે તંત્ર તો મૂંગુ દેખાય છે, પણ આખરે ‘અમે હાજરાહજૂર છીએ’ તેવું બંને આખલાઓએ સરકારી તંત્રને પ્રમાણ આપ્યું છે.

બંને આખલાઓ વચ્ચે જંગ જામ્યો અને આ જંગમાં જૈવિક કચરો લેવા માટે આવતી ગાડી અર્થાત્ સરકારી ગાડી વચ્ચે આવી ગઈ. બેઉં આખલાઓ એ ગાડી સાથે એવા અથડાયા જાણે મસમસોટો ધડાકો થયો હોય. જેણે જેણે આ અવાજ સાંભળ્યો તે કાં તો પોતાની દુકાનમાંથી બહાર આવી ગયા અથવા તો તેમના કાન સરવા થઈ ગયા. આખલાઓ જ્યાં અથડાયા હતા એ કચરો ઉઠાવતી આ સરકારી ગાડીનો આગળનો ભાગ હતો એમ કહેવાય છે. સામે આવી રહ્યું છે કે બોનેટના આગળના ભાગનો ખુડદો બોલાવી નાખ્યો છે.

અહીંના રહેવાસીઓ અને દુકાનદારોની બસ એક જ રાવ છે કે વણઝારી ચોકમાં ગંદકીના ઢગલા ખડકાય છે. જેના કારણે રખડતા ઢોરો પણ અહીં ડેરો જમાવતા હોય છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં જૂનાગઢનું સરકારી તંત્ર અહર્નિષ કુંભકર્ણનિંદ્રામાં છે. રખડતા ઢોરો વચ્ચે અવારનવાર ચકમક ઝરે છે. જેમાં કોઈ કોઈ વખત પસાર થતા રાહદારીઓને પણ પોતાનો જીવ બચાવી નાઠવું પડે છે. સ્થાનિકોની એક જ માગ છે કે જૂનાગઢનું મહાપાલિકા તંત્ર આ વિરૂદ્ધ કોઈ નક્કર પગલાં લે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments