Team Chabuk-National Desk: જાન્યુઆરી 2020માં અશ્લિલ ફિલ્મોના સંબંધે કેસ ફાઈલ થયા બાદ ગઈ કાલે બિઝનેસમેન અને મશહૂર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈના સંયુક્ત પોલીસ કમિશ્નર મિલિન્દ ભારંબેએ જણાવ્યું હતું કે, નવોદિત અભિનેત્રીઓને વેબ સિરીઝમાં બ્રેક મળશે તેવું પ્રલોભન આપીને ઓડિશન માટે બોલાવતો હતો. જ્યાં તેની પાસે અશ્લિલ દૃશ્ય કરાવતો હતો. પોલીસે જણાવ્યું કે, નવી મહિલા કલાકારો ફિલ્મ કે વેબ સિરીઝમાં એક સારો બ્રેક મળશે એવી આશા સહ આ સાણસામાં ફસાઈ જતી હતી.
રાજની ધરપકડ બાદ અભિનેત્રી અને મોડલ સાગરિકા સોના સુમનનો એક ઈન્ટર્વ્યૂ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં તેમણે ખુલાસો કર્યો છે કે તેમને પણ ઓડિશનના નામે અશ્લીલ ઓડિશનની ઓફર મળી હતી. જોકે તેણે ના પાડી દીધી હતી. બીજી બાજુ અભિનેત્રી શર્લિન ચોપડા અને પૂનમ પાંડે પોતાનું નિવેદન પહેલા જ ફાઈલ કરાવી ચૂકી છે. મિલિન્દ ભારંબેએ જણાવ્યું કે, આ રેકેટમાં ફસાયેલી છોકરીઓ ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી હતી. જેમાંથી આ કેસ ફાઈલ થયો હતો. આ કેસમાં કેટલાક નિર્માતાઓ પણ છે, જે અશ્લિલ ફિલ્મોના રેકેટમાં સામેલ છે.
એવું પણ સામે આવ્યું છે કે આ વેપારથી રાજ કુન્દ્રા મસમોટી રકમ કમાઈ રહ્યો હતો. જ્યારે તેના જાળમાં ફસાયેલી મહિલા કલાકારો આઠથી દસ હજાર રૂપિયા કમાઈ અને છુટ્ટી થઈ ગઈ હતી. પોલીસે આ સમગ્ર ઘટનામાં પહેલા વિયાની કંપનીના ઈન્ડિયા હેડ ઉમેશ કામતની ધરપકડ કરી હતી. તેની પૂછપરછના આધાર પર રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલી વખત નથી કે રાજ કુન્દ્રા પોલીસની ઝપેટમાં આવી ગયો હોય અને જેલ કે કોર્ટ સુધી જવું પડ્યું હોય. આઈપીએલ સટ્ટાબાજીથી લઈને બિટકોઈનના કેસમાં પણ તેનું નામ ઉછળી ચૂક્યું છે. જોકે આ વખતે રાજ બરાબરનો ફસાયો છે. તેની અશ્લિલ ફિલ્મોને લઈને સૌ પ્રથમ સાઈબર ક્રાઈમમાં કેસ ફાઈલ થયો હતો. એ પછી મલાડના માલવાણીમાં બે કેસ ફાઈલ થયા હતા. પુણેના લોનાવાલમાં પણ એક એફઆઈઆર ફાઈલ થઈ હતી.
રાજ કુન્દ્રાની વિઆન ગેમિંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું લંડનની કેનરીન નામની કંપની સાથે ટાઈઅપ હતું. કેનરીન કંપની એ રાજ કુન્દ્રાના જીજાની છે. આ કંપનીની હોટશોટ એપ્લિકેશન પણ છે. જેને ગૂગલ અને એપલ દ્વારા ડાઉનલોડ કરવામાં આવતી હતી. જોકે પોર્ન ફિલ્મોનું પ્રસારણ હોવાના કારણે વર્ષ 2020માં ગુગલ અને એપલ કંપનીએ હોટશોટ એપ્લિકેશનને હટાવી દીધી હતી. પોલીસે જણાવ્યું કે અલગ અલગ એપ્લિકેશન હતી જેના પર આ તમામ સામગ્રીઓ વેચાતી હતી.
રાજ કુન્દ્રાની ધરપકડ બાદ તેની વ્હોટ્સએપ ચેટ સામે આવી હતી. જેનાથી એ ખુલાસો થયો કે રાજ કુન્દ્રાએ પોર્ન ફિલ્મના વેપાર થકી મસમોટી કમાણી કરી છે. ચેટ અનુસાર કુન્દ્રા એપ લાઈવ શોના માધ્યમથી રોજ 1.85 લાખ રૂપિયાની અને ફિલ્મો દ્વારા રોજ 4.53 લાખ રૂપિયા કમાતો હતો. તેની હોટશોટ એપ્લિકેશન પર આવા વીસ લાખ ગ્રાહક હતા. હાલ તો શિલ્પા શેટ્ટીની પણ આ સમગ્ર કાંડ અંગે પૂછતાછની શક્યતા દેખાઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત