Homeગુર્જર નગરી1 રૂપિયાનું માસ્ક પહેરવાથી 1 હજારનો દંડ નહીં ભરવો પડે

1 રૂપિયાનું માસ્ક પહેરવાથી 1 હજારનો દંડ નહીં ભરવો પડે

ગોવાબાપાઃ ચાબુક ગુજરાતમાં કોરોના કાળ બનીને ફરી રહ્યો છે. કોરોના હવે સરકારના હાથમાં પણ નથી રહ્યો. રાજ્યના આરોગ્ય સંશાધનો પણ ટૂંકા પડી રહ્યા છે. પરિસ્થિતિ ગંભીર બની રહી છે. આજે સમાચારોમાં આવતા ઘણા દ્રશ્યો આપણને અંદરથી હચમચાવી દે તેવા હતા. હોસ્પિટલોની બહાર સ્ટ્રેચરો પર સૂતેલા દર્દીઓ. એમ્બ્યુલન્સની લાંબી લાઈનો. સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટેનું વેઈટિંગ, ઇન્જેક્શન માટેની ભાગદોડ, આવા દ્રશ્યો આપણા ગુજરાતમાં અગાઉ ક્યારેય જોવા નથી મળ્યા. આ કાળમૂખો કોરોના એવા ત્રાટક્યો છે કે માનવી લાચાર બની ગયો છે. વર્ષો જેની સાથે પસાર કર્યા હોય એ સ્વજન ક્યારે આપણને છોડીને ચાલ્યું જાય તેની ખબર નથી રહેતી. આપણને છોડીને જતાં સ્વજનનું અંતિમ વખત મોં જોવાનું પણ નસીબમાં નથી.

આ વિકટ પરિસ્થિતિમાં સ્વંય શિસ્ત અને જાગૃતતા જરૂરી છે ચાબુક. નહીંતર સ્થિતિ હજુ પણ વણસી શકે છે. એક તરફ કોરોના મોં ફાડીને બેઠો છે તો બીજી તરફ ધંધાર્થીઓને રાત્રિ કર્ફ્યૂ ભીંસમાં લઈ રહ્યું છે. જે લોકોની કમાણી રાત્રિના સમય પર નિર્ભર છે તેઓની માઠી હાલત થઈ રહી છે.

કોરોનાનો નવો કીર્તિમાન

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસે નવો કીર્તિમાન રચી દીધો છે. હવે કોરોનાએ ચાર હજારનો આંક પાર કરી લીધો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સરકારી ચોપડે 4021 નવા દર્દીઓ નોંધાયા છે. 2197 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે જ્યારે આજે સૌથી વધુ 35 મોત નોંધાયા છે. સુરત શહેરમાં સૌથી વધુ 14 મોત થયા છે. અમદાવાદ શહેરમાં આજે 951 કોરોનાના કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 723, રાજકોટ શહેરમાં 427 અને વડોદરા શહેરમાં 379 નવા કેસ નોંધાયા છે. આજે ગુજરાતના તમામ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે.

1 રૂપિયાનું માસ્ક પહેરવાથી 1 હજારનો દંડ નહીં ભરવો પડે

ચાબુક કોરોના આટલી ગતિથી વધી રહ્યો છે છતાં ઘણા એવા લોકો પણ છે જે માસ્ક પહેરવાનું યોગ્ય નથી માની રહ્યા. રસ્તે હું ઘણાય એવા લોકોને ભાળું છું જે માસ્ક પહેર્યા વગર આંટાફેરા મારતાં હોય છે. ત્યારે નીતિનભાઈ પટેલે આજે કહ્યું છે કે 1 રૂપિયામાં 3 સ્તરવાળું માસ્ક આપવામાં આવશે. આ માસ્ક તમામ નગરપાલિકા, અમૂલ પાર્લર અને સેવાભાવી સંસ્થા ખરીદી શકશે અને તેઓની પાસેથી લોકો ખરીદી શકશે. આમ જો 1 રૂપિયાનું માસ્ક પહેરેલું હશે તો 1000 રૂપિયાના દંડથી અને કોરોનાથી બચી શકીશું.

નેતાજીના મગજનો પારો છટક્યો

ચાબુક એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. લોકોને આરોગ્યની બરાબર સગવડ ન મળતી હોય તેવા પણ આરોપો થઈ રહ્યા છે. ત્યારે આરોગ્યની અસ્તવ્યસ્ત સેવા બદલ નેતાઓ અધિકારીઓને તતડાવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતમાં બે એવા કિસ્સા સામે આવ્યા જેમાં નેતાઓએ અધિકારીઓને આરોગ્ય સેવા બરાબર ન મળતી હોવાથી ખખડાવી નાખ્યા હતા. 

પહેલો કિસ્સો મોરબીનો છે. જ્યાં ભાજપના પૂર્વ ધારાસભ્ય એવા કાંતિભાઈ અમૃતિયા અને કલેક્ટર જે.બી.પટેલ વચ્ચે મોરબીની હોસ્પિટલમાં જીભાજોડી થઈ હતી. કાંતિભાઈએ જિલ્લા કલેક્ટરને ખખડાવતા કહ્યું હતું કે, તમારે કામ કરવા નથી ને ઠેકડા મારવા છે. પૈસા ખાવા સિવાય કંઈ કરવું નથી. મોરબી બાદ બીજી ઘટના બની જામનગરમાં. જ્યાં આસિસ્ટન્ટ કમિશનરની ચાલુ બેઠકમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ઘૂસી ગયા. જેથી આસિસ્ટન્ટ કમિશનરે તેઓને બહાર નીકળી જવા કહ્યું. પરંતુ મહિલા કોર્પોરેટરે બહાર નીકળવાની ના પાડી દીધી અને સામે ખુરશીમાં બેસી ગયા. રચનાબેન નંદાણીયાએ આરોપ લગાવ્યો છે કે સાત દર્દીઓ કોરોના પોઝિટિવ હોવા છતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આથી કોંગ્રેસના કોર્પોરેટરોએ ઓફિસની બહાર બેસીને જવાબદાર અધિકારી સામે પગલાં ભરવાની માગ પણ કરી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments